________________
પરિશિષ્ટ
૨૮૫
ન કરો, અને હમણાંજ તેઓની પુંઠે ચાલો. ચોરોએ લુંટેલું ધન તમે લેજો. પણ મારી સુસમા નામની વહાલી પુત્રીને પાછી લાવી આપો. ધનની લાલચથી કોટવાળ તત્કાળ તૈયાર થઇ કેટલાક ચોકીદારોને સાથે લઈ ચોરોની પુંઠે પડ્યો. શેઠ પણ પોતાના પાંચે પુત્રોને સાથે લઇ ચોરોની પાછળ ગયો. ઘણી ઝડપથી આગળ વધતાં ચોરોની લગભગ નજીક તેઓ જઈ પહોંચ્યા. ચોરો પણ પોતાનો પ્રાણ બચાવવા ખાતર ધનને ત્યાંજ મૂકી દઈ આગળ અટવીમાં નાસી ગયા. ધન મળી જવાથી કોટવાળ ત્યાંજ રોકાયો. આ બાજુ ચિલાતીપુત્ર પોતાના પ્રાણને સંકટમાં નાંખવા તૈયાર થયો પણ પ્રાણથી વહાલી સુસમાને તેણે ન મૂકી. પોતાના ખભા ઉપર જેમ સિંહ બકરીને ઉપાડીને ચાલ્યો જાય, તેમ ખભા ઉપર સુસમાને ઉપાડીને અટવી તરફ ચાલ્યો. ધન શેઠને ધનની સ્પૃહા કરતાં પોતાની પુત્રીને મેળવવાની સ્પૃહા અધિક હતી, તેથી તે ત્યાંથી ન અટક્યો, પણ પોતાના પાંચ પુત્રોને સાથે લઇ હથિયાર સહિત ચિલાતીપુત્રની પાછળ ચાલ્યો. ચિલાતીપુત્ર થાકી ગયો. એક તો જંગલ, ખાડા ખડીઆ, ઝાળાં, ઝાંખરા આડાં આવે, ઉનાળાનો વખત, તૃષા લાગી, ઝડપથી દોડવું, પાછળ ભય, સુસમાને ઉપાડવી, અને પાંચ પુત્રો સહિત ધનશેઠનું નજીક આવી પહોંચવું. આ સર્વ કારણથી તે ગભરાયો. તેની હિંમત ઓછી થઈ ગઈ. સુસમા સહિત સલામત હવે હું અહીંથી જઇ નહિ શકું. એ વાતની તેને ખાત્રી થઈ ચૂકી. છતાં પૂર્વ જન્મના સ્નેહથી અને અત્યારના નવીન મોહથી સુસમાને મૂકી દેવી તેને ઠીક ન લાગ્યું. તેમ સાથે લઈ જવાની પણ તેની હિંમત નહોતી. આથી તે મુંઝાયો. તેને સુસમાને સાથે કેવી રીતે લઈ જવી તેનો એકે વિચાર ન સૂઝ્યો, એટલે છેવટના નિર્ણય ઉપર આવ્યો કે ખાઉં નહિ તો ઢોળી નાખું, પણ સુસમાને બીજાના હાથમાં જવા ન દઉં. આવા વિચારથી સુસમાને નીચે ઉભી રાખીને મ્યાનથી તલવાર કાઢી તે વતી તેનું માથું કાપી નાખ્યું. મોહથી તે તેના માથાને લઈ ઝડપથી ગાઢ જંગલમાં ચાલ્યો. આ બાજુ શેઠ ઘણો ઝડપથી નજીક આવ્યો પણ તેના આવતા પહેલાં તો સુસમાનું મરણ થઇ ગયું હતું. શેઠનો પ્રયાસ નિષ્ફળ ગયો. શેઠને ઘણું લાગી આવ્યું. ઘણો વિલાપ કર્યો. આખરમાં શોક સહિત શેઠ પાછો ફરી શહેરમાં આવ્યો અને વૈરાગ્યથી ચારિત્ર સ્વીકાર્યું.
એક હાથમાં ખડ્ગ અને બીજા હાથમાં સુસમાનું માથું લઇ ચિલાતીપુત્ર એક જંગલમાં આવી પહોંચ્યો. ભય અને ખેદથી રસ્તો ભૂલી ગયો. જે ઠેકાણે પહોંચવું હતું તે ઠેકાણે પહોંચી ન શક્યો. પૂર્વ જન્મના પ્રેમથી સુસમાનું મુખ વારંવાર જોવા લાગ્યો પણ તેની સાથે ખેદ થઇ આવ્યો. ભલે તેના હૃદયને તે મુખ મોહ ઉપજાવે પણ તેના તરફથી જવાબ મળવાની કે વાતચિત થવાની આશા તો નહોતી. સુસમા ન મળી, સ્થાન હાથ ન આવ્યું, પોતાના સોબતીનો વિયોગ થયો, રસ્તો ભૂલાયો, સુના રણમાં પાણી ન મળે, ભૂખ્યો અને તરસ્યો