________________
ચોથો પ્રકાશ - પરમાત્મતા
૨૬૧ હિંસા થઈ, પરંતુ તે લાભનું કારણ હોવાથી તેની ગણના ન કરી, અને તેથી જિનાજ્ઞાને આશ્રયીને સારી રીતે યતનાથી અને ભક્તિથી સન્ક્રિયા કરવામાં કોઈ પણ હિંસા દોષ નથી.
જ્યાં હિંસા છે ત્યાં જિનાજ્ઞા નથી એ પ્રમાણે જો કહેવામાં આવે તો સાધુઓને પ્રતિક્રમણવિહાર આદિમાં પણ જિનાજ્ઞા ન હોય. કેમ કે ત્યાં પણ હિંસાનો સંભવ છે. તેથી આ શ્રુત વ્યવહાર છે કે- જે લાભનું કારણ હોય અને નિરવઘ પરિણામથી યતનાપૂર્વક પ્રવૃત્તિ હોય ત્યાં તેવા પ્રકારનો કર્મબંધ થતો નથી. આ અર્થ શ્રીભગવતીજી અંગમાં અઢારમા શતકના આઠમા ઉદેશામાંથી વિસ્તારથી જાણી લેવો. તેમાં યુગમાત્ર દૃષ્ટિ રાખીને જોઈ-જોઈને ગમન કરતા ભાવિત આત્મા એવા અણગારના પગ નીચે જો કુકડા - કુલિંગ આદિના બાળ મરી જાય તો તેને હિંસાના પરિણામ ન હોવાના કારણે ઈર્યાપથિકી જ ક્રિયા થાય છે, પણ સાંપરાયિકી ક્રિયા થતી નથી. ઈત્યાદિ અધિકાર છે. વળી- પૂજામાં જે પુષ્પ આદિનો આરંભ દેખાય છે તે ઔપચારિક હોવાથી સદ્ભાવનાથી તેનો પરિહાર થાય છે.
વળી- જે પ્રમાણે નદી ઉતરતી વખતે મુનિઓને પાણી ઉપર કરુણાના પરિણામ હોય છે તે પ્રમાણે શ્રાવકોને પણ જિનપૂજામાં પુષ્પ વગેરે ઉપર કરુણાના પરિણામ હોય છે. આ પ્રમાણે હિંસાનુબંધી ક્લિષ્ટ પરિણામનો અભાવ હોવાથી સાધુઓની જેમ શ્રાવકોને પણ ત્યારે દુષ્ટ કર્મબંધ થતો નથી.
વળી- જે પ્રમાણે વ્રણ છેદતી વખતે જીવોને વેદનાનો સંભવ હોવા છતાં પણ અંતે મહાસુખ ઉત્પન્ન થાય છે તે પ્રમાણે પૂજામાં પણ અલ્પમાત્ર આરંભ હોવા છતાં પણ પરિણામની વિશુદ્ધિથી ક્રમે કરી પરમાનંદ પદની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન- જો આ પ્રમાણે છે તો સાધુ દ્રવ્યપૂજા કેમ ન કરે?
ઉત્તર- રોગીઓને ઔષધની જેમ આરંભમાં મગ્ન એવા જીવોને દ્રવ્યપૂજા મહા ઉપકાર કરનારી છે. આથી દ્રવ્યપૂજા તેઓને જ યોગ્ય છે. પરંતુ સર્વ આરંભથી મુક્ત થયેલા હોવાના કારણે નિરોગી જેવા સાધુઓને દ્રવ્ય પૂજા યોગ્ય નથી. આથી જ આગમમાં જિનેશ્વરોએ તેઓને અનુકંપાદાન વગેરેની પણ અનુજ્ઞા આપી નથી.
વળી- દશમા અંગમાં ધર્મ-અર્થ આદિ માટે હિંસા કરનારને મંદબુદ્ધિપણું કહેલું છે. તેનો આ ભાવ છે- સિદ્ધાંતમાં દેશવિરતિ શ્રાવકને બાલપંડિત કહેલો છે પણ એકાંતપંડિત કહેલો નથી. તેથી તેને પણ દેશથી બાળપણું છે જ. આથી સાંસારિક કાર્યોમાં પ્રવર્તતા તેને દ્રવ્યપૂજા વગેરે ધર્મકાર્યનો નિષેધ કેવી રીતે હોય? એ પ્રમાણે વિવેકીઓએ વિચારવું. અથવા આ યુક્તિ એક બાજુ રહો. પરંતુ પાપાચારવાળા માણસોને આશ્રયીને જ આ મંદબુદ્ધિપણું કહ્યું છે, પણ બીજાઓને મંદબુદ્ધિપણું કહ્યું નથી. કારણ કે ત્યાં જ હિંસા કરનારના દ્વારમાં કસાય- માછીમાર આદિ અશુભ પરિણામવાળા, પાપરુચિવાળા જ જીવો તેવા પ્રકારની હિંસા કરનારા કહેલા છે. પરંતુ જિનમંદિર આદિને કરાવનારા, શુભ પરિણામવાળા શ્રાવકોને હિંસા કરનારા કહેલા નથી. ૧. કુલિંગ = કીડા વગેરે ક્ષુદ્ર જંતુ.