________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨૪૭. અભયકુમારને સમર્પિત કર્યો. અભયકુમારે રાજાને સોંપ્યો. ત્યાર પછી રાજાએ તેને ચોરેલા દ્રવ્યથી રહિત જોઈને તું કોણ છે એ પ્રમાણે પૂછયું. એટલે તેણે કહ્યું: હે રાજન ! હું તો શાલિગ્રામનો રહેવાસી દુર્ગચંડ નામનો રાજાના કરને આપનારો ખેડૂત છું. અહીં કાંઈક પોતાનું કાર્ય કરીને રાત્રિમાં પોતાના ગામ જવા માટે ચાલ્યો ત્યાં તમારા યોદ્ધાઓએ મને બીવડાવ્યો તેના ભયથી કિલ્લો ઓળંગીને બહાર પડતા મને આ ભટોએ ચોરની બુદ્ધિથી ધારણ કર્યો. આથી તે વિચારજ્ઞ ! તમે વિચારો ! જો હું ચોર હોઉં તો મારો નિગ્રહ કરો. અથવા મારે મરાયે છતે જો અભયકુમાર જીવતો રહેતો હોય તો તેમ કરો. આ પ્રમાણે તેના વચન સાંભળીને રાજાએ તેને દૃઢ બંધનથી બાંધીને ખાતરી કરવા માટે તે ગામમાં પોતાના નોકરને મોકલ્યો. તે ચોરે તે ગામમાં પૂર્વે જ સંકેત કરેલો હતો. કારણ કે તે બીજી પૃથ્વીને લૂંટતો હોવા છતાં તે ગામનું પાલન અને પોષણ કરતો હતો. રાજાના નોકરે ત્યાં જઈને તેની વાત પૂછી એટલે આખા યે ગામના લોકોએ કહ્યું: વાત સાચી છે. અહીં દુર્ગચંડ નામનો ખેડૂત રહે છે અને તે ગઈકાલે નગરમાં ગયો હતો પણ હજી પણ તે પાછો આવ્યો નથી. તેથી આ સઘળો ય જન તેની હકીકતને જાણવા માટે આતુર રહેલો છે.
ત્યાર પછી તે નોકરે પાછા આવીને એ પ્રમાણે જ જણાવે છતે રાજાએ વિચાર્યું અહો ! અભયકુમાર મૃત્યુના ભયથી ગામના સરળ લોકોને ચોર તરીકે ગણાવે છે. ત્યારે અભયકુમારે મુખચેષ્ટા વગેરેથી રાજાના અભિપ્રાયને જાણીને “મારે આની કપટાઈ કઈ બુદ્ધિથી પ્રગટ કરવી ? આ પ્રમાણે વિચારમાં પડ્યો. તરત ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા તે અભયકુમારે વિવિધ મોતીઓથી શણગારેલા વિચિત્ર ચંદરવાઓથી, રંભા જેવી રૂપવાળી નારીઓથી અને દેવતુલ્ય પુરુષોથી દેવલોકના વિમાન જેવો સાતમાળવાળો એક આવાસ તૈયાર કરાવીને ચોરને કહ્યું: દુબુદ્ધિવાળા મને ધિક્કાર થાઓ. કારણ કે બહુમાન કરવા યોગ્ય તને મેં આ રીતે વિડંબના કરી. હવે એકવાર તું મારા આવાસમાં આવ. જેથી તારી ભક્તિ કરીને પોતાના અપરાધને દૂર કરું. માયાવી તે પણ મંત્રીની સાથે તેના ઘરે ગયો. ત્યાં મિષ્ટ આહારથી અતિપ્રીતિને પામ્યો. ત્યારપછી અભયે મદિરા પીવડાવીને દિવ્ય વસ્ત્ર પહેરાવવાપૂર્વક ત્યાં પલંગ ઉપર સુખેથી સુવડાવ્યો.
હવે આનંદિત મનવાળો તે ચોર તે દિવ્ય મંદિરને જોતો પોતાને જાણે સ્વર્ગમાં રહેલો હોય તેમ માનવા લાગ્યો. ત્યાર પછી અભયકુમારની આજ્ઞાથી ચારે બાજુ નરનારીનો સમૂહ તેને આશ્રયીને “જય-જય નંદા' એ પ્રમાણે મંગલ વચન બોલવા લાગ્યો, અને પૂર્વના સુકૃતથી તમે અહીં વિમાનમાં અમારા સ્વામી થયા છો. અમે બધા ય તમારા નોકરો છીએ. એ પ્રમાણે કહીને તેઓએ નાટક કરવાનું શરૂ કર્યું એટલે અભયકુમારના આદેશથી જેના હાથમાં સોનાનો દંડ છે એવા એક માણસે ત્યાં આવીને તેઓને કહ્યું જ્યાં સુધી આ દેવને દેવલોકની સ્થિતિ કરાવું અર્થાત્ દેવલોકની વિધિથી માહિતગાર કરાવું ત્યાં સુધી નાટક બંધ કરો. આ પ્રમાણે તેઓને કહીને ત્યાર પછી તેણે તેને કહ્યું: હે નવા દેવ ! પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા પોતાના પુણ્ય-પાપને પહેલાં જણાવો. પછી સ્વર્ગના સુખોને ભોગવો. ત્યારે રૌહિણેય વિચાર્યું. શું સાચે જ આ સ્વર્ગ છે ? કે મારા માટે અભયકુમારે કરેલો કોઈ પણ આ પ્રપંચ છે ? એ પ્રમાણે વિચારીને ધીરબુદ્ધિવાળા તે ચોરે પગમાંથી કાંટો કાઢવાના સમયે સાંભળેલી દેવસ્વરૂપને વર્ણવનારી “દેવોની આંખો પલકારાથી