________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨૪૩ પ્રકારનો તપ છ-છ પ્રકારનો હોવાથી સકામ નિર્જરા બાર પ્રકારની છે. તે તપના ભેદો પૂર્વે પતિધર્મના અધિકારમાં કહેલા જ છે. આથી ફરી અહીં કહેવામાં આવતા નથી. આ બારે ય પ્રકારની નિર્જરા વિરતિના પરિણામેવાળાને હોય છે. કારણ કે તેઓ જ પોતાની ઇચ્છાથી કર્મક્ષય માટે બાર પ્રકારનો તપ કરે છે. અકામ નિર્જરા વિરતિના પરિણામથી રહિત બાકીના જીવોને હોય છે. કારણ કે તેઓ ઇચ્છા વિના જ શીત-ઉષ્ણ-સુત-પિપાસા વગેરેને સહન કરે છે. આવા પ્રકારની નિર્જરાનું ચિંતન કરવું તે નિર્જરા ભાવના છે. કહ્યું છે કે
कम्माण पुराणाणं, निक्कंतणं निजरा दुवालसहा ।
विरयाण सा सकामा, तहा अकामा अविरयाणं ॥ १ ॥ અર્થ-પુરાણ ( પૂર્વે બાંધેલાં) કર્મોનું નિઃકર્તન ( નાશ) કરવું તે બાર પ્રકારની નિર્જરા છે. વિરતિવાળાને સકામ નિર્જરા તથા અવિરતિવાળાને અકામ નિર્જરા હોય છે.
(૧૦) લોક સ્વભાવ ભાવના- અલોકની મધ્યમાં ચૌદ રજુ પ્રમાણ લોક છે. તે કેડ ઉપર બે હાથ રાખીને તિર્જી બે પગ પહોળા કરીને ઊભા રહેલા પુરુષનો જેવો આકાર થાય તેવા આકારવાળો છે. અથવા ઊંધા કરેલા મોટા શરાવની ઉપર રહેલા નાના શરાવ સંપુટનો જે આકાર થાય તે આકારે રહેલ છે.
અહીં આ તાત્પર્ય છે- સાત રજુ વિસ્તારવાળા અધોલોકના તળિયાથી જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ થોડો થોડો સંકોચાતો લોક તિચ્છ લોકમાં એક રજુ પહોળો રહે છે. ત્યાર પછી ઉપર જતાં ક્રમે કરી વિસ્તારને પામતો પાંચમા બ્રહ્મલોકના ત્રીજા પ્રતરે પાંચ રજુ વિસ્તારવાળો થાય છે. ત્યાર પછી ફરી થોડો થોડો સંકોચાતો સર્વથી ઉપર લોકાગ્ર પ્રદેશ રહેલ પ્રતરે એક રજુ વિસ્તારવાળો છે. તેથી યથોક્ત સંસ્થાનવાળો લોક છે. તે લોકમાં ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યો છે. તેમાં સ્વભાવથી ગતિમાં પ્રવૃત્ત થયેલા જીવો અને પુદ્ગલોને માછલાઓને જલની જેમ જે ઉપખંભ કરનારો છે તે ધર્માસ્તિકાય છે. મુસાફરોને છાયાની જેમ જીવ-પુગલોને સ્થિતિમાં જે ઉપખંભ આપનારો છે તે અધર્માસ્તિકાય છે. આ બંને પ્રદેશથી અને પ્રમાણથી લોકાકાશ તુલ્ય છે. તથા ગતિ- સ્થિતિમાં પ્રવૃત્ત થયેલા જીવ-પુગલોને જે અવકાશ આપવાથી અવગાહના ધર્મવાળો છે, તે આકાશાસ્તિકાય છે. તથા ચેતના લક્ષણવાળો, કર્મોનો કર્તા અને ભોક્તા, જીવન ધર્મવાળો જીવાસ્તિકાય છે. તથા પૃથ્વી-પર્વત-વાદળ વગેરે સમસ્ત વસ્તુઓનું જે પરિણામી કારણ છે, પૂરણગલન ધર્મવાળો છે, તે પુલાસ્તિકાય છે. તથા વર્તના લક્ષણવાળો, અભિનવ પૌદ્ગલિક વસ્તુઓને જીર્ણ કરનારો, સમય ક્ષેત્રની અંદર રહેલો કાલ છે. આ છ દ્રવ્યમાંથી પુદ્ગલ દ્રવ્યને છોડીને બાકીના બધાય દ્રવ્યો અરૂપી છે. પુદ્ગલદ્રવ્ય રૂપી છે. તથા જીવ દ્રવ્યને છોડીને બાકીના બધાય દ્રવ્યો અચેતન છે.
પ્રશ્ન- લોકાકાશ અસંખેય પ્રદેશાત્મક છે. તેમાં અનંતાનંત જીવ દ્રવ્યો અને તેનાથી પણ અનંતગુણાધિક પુદ્ગલ દ્રવ્યો કેવી રીતે રહી શકે? સંકડાશ કેમ ન થાય?