________________
૨૩૮
આત્મપ્રબોધ
સંબંધી શોણિતને આહારરૂપે ગ્રહણ કરે છે અને આ જ (શુક્ર-શોણિતમિશ્રણ) ઓજાહાર કહેવાય છે. તે અપર્યાપ્ત અવસ્થા સુધી હોય છે. ત્યાર પછી જીવ જ્યારે પર્યાપ્ત થાય છે ત્યારે ગર્ભમાં રહેલા તેને લોમાહાર જ હોય છે..
હવે જીવને આશ્રયીને રહેલું શુક્ર-શોણિત દ્રવ્ય સાત દિવસ સુધી કલલ સ્વરૂપ રહે છે. ત્યાર પછી સાત દિવસ સુધી બુદ્દબુદ સ્વરૂપ રહે છે. ત્યાર પછી પહેલા માસે 'કર્ણોપલ પ્રમાણ માંસની પેશી થાય છે. બીજા માસે તે જ માંસની પેશી ઘન બને છે. ત્રીજા માસે માતાને દોહદ ઉત્પન્ન કરે છે. ચોથા માસે માતાનાં અંગોને પીડે છે. પાંચમા માસે તે જીવ અંકુરાની જેમ તે માંસ પેશીમાંથી બે હાથ, બે પગ અને મસ્તક એમ પાંચ અવયવવાળો થાય છે. છઠ્ઠા માસે પિત્ત અને શોણિત ઉત્પન્ન કરે છે. સાતમા માસે સાતસો નસોને, પાંચસો માંસપેશીઓને, નવ ધમનીની નાડીઓને અને સાડા ત્રણ ક્રોડ રોમકૂપોને ઉત્પન્ન કરે છે. આઠમા માસે કંઈક ન્યૂન નિષ્પન્ન થાય છે અને નવમા માસે સુનિષ્પન્ન સમસ્ત અંગ-ઉપાંગવાળો થાય છે.
વળી- ગર્ભ અવસ્થામાં માતાના જીવના રસને હરણ કરનારી અને પુત્રના જીવના રસને હરણ કરનારી એમ બે નાડીઓ છે. તેમાંથી પહેલી માતાના જીવ સાથે બંધાયેલી પુત્રના જીવને સ્પર્શેલી હોય છે. તે નાડી દ્વારા પુત્રનો જીવ માતાએ ખાધેલા વિવિધ પ્રકારના રસ-વિગઈઓને એક દેશથી ઓજાહાર (? લોમાહાર) રૂપે ગ્રહણ કરે છે. જયારે બીજી નાડી પુત્રના જીવ સાથે બંધાયેલી માતાના જીવને સ્પર્શેલી હોય છે. તેના દ્વારા તે જીવ પોતાના શરીરને બાંધે છે, અર્થાત્ શરીરની રચના કરે છે. તે અવસ્થામાં કાવલિક આહાર ગ્રહણ કરતો નથી ત્યારે તેને મળ-મૂત્ર વગેરે પણ સંભવતા નથી. તે જે આહાર દ્રવ્યને ગ્રહણ કરે છે તે પોતાની શ્રોત્ર આદિ પાંચ ઇંદ્રિયરૂપ અને અસ્થિમજ્જા-કેશ-રોમ-નખ રૂપ પરિણમે છે.
વળી- ગર્ભમાં રહેલો જીવ જ્યારે માતા શયન કરે છે ત્યારે તે પણ શયન કરે છે. જ્યારે માતા જાગે છે ત્યારે તે પણ જાગે છે. જ્યારે માતા સુખી હોય છે ત્યારે તે પણ સુખી હોય છે. જ્યારે માતા દુઃખી હોય છે ત્યારે તે પણ દુઃખી હોય છે. આ પ્રમાણે કર્મના ઉદયથી અતિઅંધકારવાળા, વિષ્ઠાથી ભરેલા ગર્ભપ્રદેશમાં મહાદુઃખને અનુભવતો રહે છે.
ત્યાર પછી નવમો માસ પસાર થયા પછી અથવા નવમો માસ ચાલતો હોય ત્યારે અથવા નવમો માસ આવવાનો હોય ત્યારે માતા સ્ત્રી, પુરુષ, નપુંસક અને બિંબ (માંસનો પિંડ) એ ચારમાંથી કોઈ પણ એકને જન્મ આપે છે. તેમાં શુક્રનું પ્રમાણ અલ્પ હોય અને શોણિતનું પ્રમાણ અધિક હોય ત્યારે સ્ત્રી જન્મે છે. જ્યારે શુક્રનું પ્રમાણ અધિક હોય અને શોણિતનું પ્રમાણ અલ્પ હોય ત્યારે પુરુષ જન્મે છે. બંનેનું પ્રમાણ સમાન હોય ત્યારે નપુંસક જન્મે છે. શુક્રના મિશ્રણ વિના ફક્ત શોણિતનો સમાયોગ થયો હોય ત્યારે નિર્જીવ માંસના પિંડરૂપ બિંબનો જન્મ થાય છે. ક્યારેક પ્રગટ થયેલા અતિઘણા પાપના કારણે જીવનો પરાભવ થયો હોય ત્યારે વાત-પિત્ત વગેરેથી
૧. ૮૦ રતિ પ્રમાણ વજન.