________________
૨૨૨
આત્મપ્રબોધ
અર્થ- હે જીવ ! આયુષ્ય પરિમિત છે, યૌવન કાયમ રહેતું નથી. શરીર વ્યાધિથી બાધા પામનારું છે, વિષયો પરિણામે વિરસ છે, તો પછી તેમાં રાગ કેમ કરે છે ? જે સાધુ ઇંદ્રિયોનો નિગ્રહ કરતો નથી પરંતુ ઉદ્ધત ઘોડાઓની જેમ ઇંદ્રિયોને સ્વેચ્છાચારી કરે છે, તે સાધુ આ લોકમાં અને પરલોકમાં મહા દુઃખનો ભાગી થાય છે. અહીં અન્વયવ્યતિરેકથી જ્ઞાતાધર્મકથાગમાં કહેલું બે કાચબાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે
બે કાચબાનું દષ્ટાંત વારાણસી નગરીની નજીકમાં ગંગા નદીમાં મૃદંગતીર નામના દ્રહમાં ગુખેંદ્રિય અને અગુફેંદ્રિય નામના બે કાચબા રહેતા હતા. એક વખત સ્થલચારી કીડા વગેરેના માંસના અર્થી તેઓ બંને દ્રહની બહાર નીકળ્યા અને દુષ્ટ બે શિયાળોએ તેમને જોયા. ત્યારે ભયભીત થયેલા તેઓ બંનેએ પોતાના ચારેય પગોને અને ડોકને કરોટિમાં ખોપરીમાં છૂપાવીને નિશ્રેષ્ટ થયેલા જાણે નિર્જીવ ન હોય તેમ રહ્યા. ત્યાર પછી બંને શિયાળો વારંવાર હલાવવા - ઊંચે ફેંકવા - નીચે ફેંકવા - પગથી ઘાત કરવો વગેરેથી કંઈ પણ બગાડવા સમર્થ ન થયા એટલે કેટલેક દૂર જઈને એકાંતમાં રહ્યાં. ત્યારે અગુસેંદ્રિય કાચબાએ ચપળતાથી પોતાના પગોને અને ડોકને જેટલામાં બહાર કાઢ્યા તેટલામાં તે બંને શિયાળે તરત તેના ટુકડેટુકડા કરી નાખ્યા. એટલે તે મરણ પામ્યો. અને બીજો અચપળ કાચબો ઘણા કાળ સુધી તે પ્રમાણે જ રહ્યો કે જ્યાં સુધી તે બંને શિયાળો ઘણો કાળ રહીને થાકેલા બીજી જગ્યાએ ગયા. ત્યાર પછી તે કાચબો ધીમે ધીમે દિશાનું અવલોકન કરીને કૂદકો મારીને તરત દ્રહમાં ગયો અને સુખી થયો. આ પ્રમાણે પાંચે અંગને ગોપવનાર કાચબાની જેમ પાંચે ઇદ્રિયોને ગોપવનારા ભવ્યાત્માઓ સદા સુખી થાય છે અને બીજા તો બીજા કાચબાની જેમ દુઃખી થાય છે. આથી મુનિઓએ પાંચે ઈદ્રિયનો જય કરવામાં પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે ઇંદ્રિયજયમાં બે કાચબાનો ઉપનય છે. આ પ્રમાણે ઈદ્રિયનિગ્રહરૂપ સંયમ કહ્યું.
હવે કષાયજયનું સ્વરૂપ આ પ્રમાણે છે- પાંચે ઇંદ્રિયનો નિગ્રહ કરનાર સાધુ ઉદયમાં નહીં આવેલા ચારે ય કષાયોને ઉદયમાં નહીં આવવા દેવાથી અને ઉદયમાં આવેલા ચારે ય કષાયોને નિષ્ફળ કરવાથી જય કરે. અર્થાત્ નિરોધ કરે. જ્યાં પ્રાણીઓ કષાય છે = ખેંચાય છે તે કષ એટલે સંસાર. જેનાથી તે સંસારમાં જાય છે તે કષાય. અને તે ક્રોધ-માન-માયા-લોભના ભેદથી ચાર પ્રકારે છે. વળી તે ચારેયના પણ અનંતાનુબંધી વગેરે ચાર ભેદ છે.
તેમાં અનંત ભવભ્રમણ કરાવવા દ્વારા બાંધે છે તે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ. જેના ઉદયે જીવો સમ્યકત્વને પામતા નથી. અથવા સમ્યકત્વને પામ્યા હોય તો વમી નાંખે છે.
જે કષાયો વિદ્યમાન હોય ત્યારે વિરતિરૂપ પચ્ચકખાણ સર્વથા પણ નથી થતું તે અપ્રત્યાખ્યાન કષાયો. જેના ઉદયે પ્રાપ્ત કરેલા સમ્યકત્વવાળા જીવોને પણ દેશવિરતિરૂપ પરિણામ થતો નથી. કદાચ થયો હોય તો પણ નાશ પામે છે.
સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આવરણ કરે તે પ્રત્યાખ્યાનાવરણ. જેના ઉદયે જીવો સર્વવિરતિને પામતા નથી. પ્રાપ્ત થયેલી સર્વવિરતિને પણ નાશ કરે છે. પણ દેશવિરતિનો નિષેધ નથી.