________________
૨૧૦
આત્મપ્રબોધ શાસન ઉડાહ નિવારણ માટે કરાતી માયા ઉપર મુનિનું દૃષ્ટાંત એક નગરમાં કોઈક મહામિથ્યાત્વી રાજા રાજ્યનું પાલન કરતો હતો. તેની રાણી જિનધર્મની પરમ અનુરાગિણી હતી. તેથી પરસ્પર અત્યંત અનુરાગી હોવા છતાં પણ તે બંનેનો ધર્મની વિચારણામાં હંમેશાં વિવાદ થતો. ત્યારે રાજાએ વિચાર્યું. જો કોઈ પણ પ્રકારથી આના ગુરુનો અનાચાર પ્રગટ કરીને બતાવું તો આ મૌન થઈને રહેશે, બીજી કોઈ રીતે મૌન નહીં રહે. આ પ્રમાણે વિચારીને એક વખત ઉપાયને પ્રાપ્ત કર્યો છે જેણે એવા તેણે નગરની નજીકમાં રહેલા ચંડિકા દેવીના મંદિરના પૂજારીને બોલાવીને એકાંતમાં કહ્યું. જ્યારે કોઈ પણ જૈન મુનિ ચંડિકાના મંદિરમાં નિવાસ કરે ત્યારે તારે કોઈક વેશ્યાને પણ તેની અંદર દાખલ કરીને તરત દ્વારના કપાટ બંધ કરીને આ વાત મને જણાવવી. ત્યાર પછી તેણે પણ રાજાની આજ્ઞાનું પ્રમાણ કરીને પોતાના સ્થાનમાં જઈને કેટલાક દિવસો પછી તે જ પ્રમાણે તે કાર્ય કરીને રાજાને જણાવ્યું. રાજાએ કહ્યું: સવારે જ્યારે હું આવું ત્યારે તારે કમાડ ખોલવા. ત્યાર પછી તે રાજાના વચનને અંગીકાર કરીને પોતાના સ્થાનમાં ગયો. તે અવસરે સાધુએ વિચાર્યું કોઈ પણ મિથ્યાત્વીએ ટ્વેષની બુદ્ધિથી મને આ ઉપસર્ગ કર્યો દેખાય છે. હવે હું આ ઉપસર્ગને સારી રીતે સહન કરીશ. પરંતુ સવારે અહીં આવતા માણસોમાં મારા નિમિત્તે જિનમતની અપભ્રાજના થશે. આથી તેના નિવારણ માટે અહીં કંઈ પણ ઉપાય કરું. આ પ્રમાણે વિચારીને તરત જેને બુદ્ધિ ઉત્પન્ન થઈ છે એવા તે મુનિએ મંદિરની અંદર રહેલા દીવડાથી પોતાના વસ્ત્ર આદિ સર્વ ઉપકરણનો સમૂહ બાળીને તેની ભસ્મથી ચારે બાજુ પોતાના શરીરને લેપીને અને રજોહરણની અંદરની લાકડીને હાથમાં ગ્રહણ કરીને વેશ્યાએ જે ખૂણાનો આશ્રય કર્યો હતો તેનાથી દૂરના મંદિરના ખૂણામાં જઈને નિશ્ચિત થઈને રહ્યો. વેશ્યા તો તેના તેવા પ્રકારના ભયાનક સ્વરૂપને જોઈને મનમાં અતિ ભય પામતી મૌન ધારણ કરીને એકાંત પ્રદેશમાં રહી.
ત્યાર પછી સવારે રાણીને સાધુના અનાચાર બતાવવાને ઇચ્છતા રાજાએ અતિ આગ્રહથી રાણીને પોતાની સાથે લઈ જઈને નગરના મુખ્ય ઘણાં લોકોની સાથે ત્યાં જઈને પૂજારીને કહ્યું છે પૂજારી ! જલદી કમાડ ઉઘાડ જેથી અમે માતાના દર્શન કરીએ. તેણે રાજાના આદેશથી જેટલામાં કમાડ ઉઘાડ્યા, તેટલામાં તે મુનિ હાથમાં લાકડી લઈને નગ્ન સ્વરૂપવાળા થયેલા તરત મુખેથી “અલખ નિરંજન નાથકી જય” એ પ્રમાણે બોલતા ત્યાંથી નીકળીને રાજા વગેરે બધા લોકોની મધ્યમાં થઈને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. તેની પાછળ વેશ્યા પણ નીકળી. ત્યારે રાજા તો તે પોતાના ગુરુના આવા દુઃસ્વરૂપને જોઈને અત્યંત લજ્જાવાળો થયેલો નીચે મોટું કરીને રહ્યો. ત્યારે રાણીએ કહ્યું છે સ્વામી ! અહીં ચિંતા શું કરવી ? મિથ્યાત્વના ઉદયથી જીવોને કઈ-કઈ વિડંબના નથી થતી ? ત્યાર પછી રાજાએ તરત ઊભા થઈને પોતાના સ્થાનમાં આવીને પૂજારીને ક્રોધથી તેનું સ્વરૂપ પૂછયું. એટલે તેણે કહ્યું કે સ્વામી ! મેં તો આપના કહેવા અનુસારે જ કાર્ય કર્યું હતું અને હમણાં જે આ વિપરીત થયું તે હું જાણતો નથી. ત્યાર પછી રાજાએ તે વેશ્યાને બોલાવીને તેનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે વેશ્યાએ બધો પણ વૃત્તાંત જણાવ્યો અને મુનિના મનની ધીરતાની પ્રશંસા કરી. ત્યારે રાજા તેની પ્રવૃત્તિ સાંભળવાથી તથા રાણીના વચનથી પ્રતિબોધ પામેલો સમ્યગ્દષ્ટિ શ્રાવક થયો. તે મુનિ તો ફરી મુનિના વેશને ધારણ કરીને તે કષાય સ્થાનની આલોચના કરીને શુદ્ધ સંયમને આરાધીને અંતે સદ્ગતિના ભાગી થયા. આ પ્રમાણે શાસનના ઉડ્ડાહનું નિવારણ કરવા નિમિત્તે માયા કરનાર મુનિનું દૃષ્ટાંત પૂર્ણ થયું. (૧૧)