________________
૨૦૦
આત્મપ્રબોધ
ગૌતમને લગાડીને પોતાના ઘરે લઈ ગયો. ત્યારે ખુશ થયેલી શ્રીદેવીએ ભક્તિથી ગૌતમને નમીને ભિક્ષા વહોરાવી. ત્યાર પછી અતિમુક્તકે ફરી આ પ્રમાણે કહ્યું- તમે ક્યાં રહો છો? ગૌતમે કહ્યું છે ભદ્ર! જે ઉદ્યાનમાં અમારા ધર્માચાર્ય શ્રી વર્ધમાન સ્વામી રહે છે ત્યાં અમે રહીએ છીએ. ત્યારે તેણે કહ્યું છે સ્વામી ! હું આપની સાથે શ્રી વીર સ્વામીને વંદન કરવા માટે આવું છું. ગૌતમે કહ્યું છે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી ગૌતમની સાથે આવીને અતિમુક્તક કુમારે ભગવાનને વંદન કર્યા. ભગવાને ધર્મનો ઉપદેશ આપ્યો. તે સાંભળીને પ્રતિબોધ પામેલા દીક્ષા ગ્રહણ કરવાને ઇચ્છતા અતિમુક્તકે માતા-પિતાની અનુજ્ઞા લેવા માટે ઘરે આવીને માતા-પિતાને આ પ્રમાણે કહ્યું: હે માત ! હે તાત ! મેં આજે શ્રી વીર સ્વામી પાસે ધર્મ સાંભળ્યો. તે ધર્મ મને ગમ્યો છે. ત્યારે માતા-પિતાએ કહ્યું: હે પુત્ર! તું ધન્ય છે, તું કૃતપુણ્ય છે, તું કૃતાર્થ છે. જે તે વીર : સ્વામી પાસે ધર્મ સાંભળ્યો, અને તે તને ગમ્યો. - ત્યાર પછી તે કુમારે ફરી આ પ્રમાણે કહ્યું: હે માત ! હે તાત ! હું તે ધર્મ સાંભળવાથી સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું અને જન્મ મરણના ભયથી ભયભીત થયેલો છું. તેથી આપની અનુજ્ઞાથી શ્રી વીર પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું. ત્યાર પછી તે અનિષ્ટ, એકાંતે અપ્રિય, પૂર્વે ક્યારેય ન સાંભળેલા વચનને સાંભળીને તેની માતા તરત શોકના ભારને પામેલી દીનવદનવાળી થયેલી મૂર્છાને પામીને આંગણામાં ધસ કરતી શરીરથી પડી. ત્યારે દાસીઓએ તરત સુવર્ણ કળશ લાવીને તેના મુખમાંથી નીકળતી શીતળ નિર્મળ ધારાથી તેને સીંચી. કરાયેલા ઠંડા પવનના ઉપચાર વગેરેથી ચેતનાને પામીને વિલાપ કરતી માતા પુત્રને આ પ્રમાણે કહેવા લાગી. હે પુત્ર ! તું અમારો ઈષ્ટ, કાંત, પ્રિય, આભરણના કરંડીયા સમાન; અમૂલ્ય રત સમાન, હૃદયને આનંદ આપનારો, ઉબર પુષ્પની જેમ દુર્લભ એક પુત્ર છે. આથી જ ક્ષણ પણ તારા વિયોગને સહન કરવા માટે અમે સમર્થ નથી. તેથી તે પુત્ર ! જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી તું રહે. પછી સુખેથી દીક્ષા ગ્રહણ કરજે. ત્યારે કુમારે કહ્યું હે માત ! તારું કહેલું સાચું છે, પરંતુ અનેક જન્મ-જરા-મરણ સ્વરૂપ જે શારીરિક-માનસિક ઘણાં દુઃખો, ઘણી વેદનાઓ, ઘણા ઉપદ્રવો એ બધાથી અભિભૂત થયેલો, અધુવ, અશાશ્વત, સંધ્યાના વાદળના રંગ સમાન, જલના બુદ્ બુદ્ સમાન, વિજળી લતા જેવો ચંચળ, સડન-પાન અને નાશ પામવાના ધર્મવાળો આ મનુષ્યભવ પહેલાં કે પછી અવશ્ય છોડવા યોગ્ય છે. હવે કોણ જાણે છે કે આપણામાંથી કોણ પહેલાં પરલોકમાં જશે? અથવા કોણ પાછળ જશે? તેથી આપની આજ્ઞાથી હમણાં જ હું દીક્ષા લેવા ઇચ્છું છું.
ત્યાર પછી ફરી માતા-પિતાએ તેને આ પ્રમાણે કહ્યું: હે પુત્ર ! આ તારું શરીર વિશિષ્ટ રૂપવાળું, લક્ષણ-વ્યંજન-ગુણથી યુક્ત, વિવિધ વ્યાધિથી રહિત, સૌભાગ્યવાળું, નહિ હણાયેલી, ઉદાત્ત અને કાંત પાંચ ઇંદ્રિયથી શોભતું, અનેક ઉત્તમગુણોથી યુક્ત છે. તેથી પહેલાં પોતાના શરીરના રૂ૫, સૌભાગ્ય આદિ ગુણોને અનુભવીને પરિણત વયવાળો થઈને પછી દીક્ષા લેજે. ત્યારે કુમારે ફરી આ પ્રમાણે કહ્યું: હે માત ! હે તાત ! તમે જે શરીરનું સ્વરૂપ કહ્યું, તે મનુષ્યનું શરીર ખરેખર દુઃખનું ઘર છે, વિવિધ સેંકડો વ્યાધિનું ઘર છે, હાડકારૂપી લાકડા ઉપર ઊભું રહેલું, શિરા અને સ્નાયુના સમૂહથી વિંટળાયેલું, માટીના વાસણની જેમ દુર્બલ, અશુચિ પુદ્ગલથી ભરેલું,