________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૮૯ રાત્રિના આઠમા ભાગમાંરાત્રિના ચાર ઘડી પ્રમાણ કાળમાં નિદ્રાનો ત્યાગ કરીને અને શયનમાંથી ઉઠવાના સમયે જ ઉજ્જવળ એવા પંચપરમેષ્ઠી નમસ્કારને યાદ કરીને તે શ્રાવક સૂઈને ઊભો થયેલો હોવાથી હજી ઘરના બીજા કાર્યમાં નહીં લાગેલો આથી જ વિશુદ્ધ મનવાળો = અકલુષિત ચિત્તવાળો ધર્મજાગરિકા કરે. (૮૦) કેવી રીતે ધર્મજાગરિકા કરે એવી શંકા કરીને તેનો પ્રકાર બતાવવામાં આવે છે
कोऽहं का मेऽवस्था, किं च कुलं के पुनर्गुणा नियमाः ।
किं न स्पृष्टं क्षेत्रं, श्रुतं न किं धर्मशास्त्रं च ? ॥ ८१॥ રાત્રિમાં નિદ્રાથી જેની ચેતના આવરાઈ ગઈ છે એવો શ્રાવક તે વખતે પ્રથમ જ (=હમણાં જ) જાગેલો હોવાથી હજી પણ તેણે ચિત્તની પટુતાને પ્રાપ્ત કરી નથી. આવો શ્રાવક પહેલાં આ પ્રમાણે વિચારે- હું કોણ છું? મનુષ્ય છું કે દેવ વગેરે છું? મનુષ્ય છું તો પછી મારી અવસ્થા કઈ છે ? બાલ્ય અવસ્થા છે ? યૌવન અવસ્થા છે કે વૃદ્ધાવસ્થા છે ? જો હું યુવાન છું તો મારી બાલ્ય અવસ્થાને ઉચિત ચેષ્ટા ન થાઓ. અથવા હું વૃદ્ધ છું તો તરુણ અવસ્થાને ઉચિત ચેષ્ટા ન થાઓ. વળી મારું કુલ કયું છે ? શ્રાવક સંબંધી મારું કુલ છે કે બીજું કોઈ ? જો શ્રાવક કુલ છે, તો મારા મૂલગુણો ક્યા છે? અથવા ઉત્તરગુણો કયા છે? વળી મારા નિયમો = અભિગ્રહવિશેષો કયા છે ? તથા મારી પાસે વિભવ છે તો જિનભવન, જિનબિંબ, તેની પ્રતિષ્ઠા, પુસ્તક, ચતુર્વિધ સંઘ અને શત્રુજ્ય વગેરે તીર્થની યાત્રા આ નવ ક્ષેત્રોમાંથી મેં ક્યા ક્ષેત્રને સ્પર્યું નથી. અને મેં દશવૈકાલિક વગેરે કયા ધર્મશાસ્ત્રને સાંભળ્યું નથી. તેથી તે ક્ષેત્ર સ્પર્શવામાં અને તે શાસ્ત્ર સાંભળવામાં યત કરું.
તથા તે શ્રાવક ભવવૈરાગ્યવાળો થયો હોવાથી હંમેશા દીક્ષાના ધ્યાનને છોડતો નથી જ. તો પણ ત્યારે બીજા વ્યાપારવાળો ન હોવાના કારણે વિશેષથી જેને દીક્ષાનો અભિલાષ ઉલ્લસિત થયો છે એવો તે આ પ્રમાણે વિચારે-તે વજસ્વામી વગેરે મહામુનીશ્વરો ધન્ય છે કે જેઓએ બાલ્યાવસ્થામાં જ દુઃખેથી નિવારી શકાય એવા સંસારના સકલ કારણોનો ત્યાગ કરીને અતિ શુદ્ધ મનથી સંયમ માર્ગને સેવ્યો છે, અને હજી પણ ગૃહવાસમાં પડેલો હું તે શુદ્ધમાર્ગનું સેવન કરવા માટે સમર્થ નથી. હવે જ્યારે તેવો શુભ દિવસ આવશે? જ્યારે હું પણ પોતાને ધન્ય માનતો સંયમ માર્ગમાં પ્રવર્તીશ. ઇત્યાદિ ન કહેલું હોવા છતાં પણ જાણી લેવું. (૮૧) હવે રાત્રિના અંતે આ પ્રમાણે વિચાર્યા પછી શ્રાવક જે કરે છે તે બતાવે છે
विभाव्य चेत्थं समये दयालु-रावश्यकं शुद्धमनोङ्गवस्त्रः । जिनेन्द्रपूजां गुरुवन्दनं च, समाचरेन्नित्यमनुक्रमेण ॥८२॥
શ્રાવક છ આવશ્યક કરે દયાળુ શ્રાવક આ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી પોતાના મનમાં વિચારીને અવસરે અર્થાત્ એક મુહૂર્ત રાત્રિ બાકી રહે ત્યારે સામાયિકથી માંડીને પચ્ચકખાણ સુધીનું લોકોત્તર ભાવ આવશ્યક કરે. જે વ્યાકુળ હોવાના કારણે જ આવશ્યક કરવા માટે સમર્થ નથી તે પણ નિયમા પ્રત્યાખ્યાન આવશ્યક યથાશક્તિ વિચારે. કારણ કે જઘન્યથી પણ શ્રાવકે નવકારશી પચ્ચકખાણ તો કરવું જ જોઈએ.