________________
૧૮૪
આત્મપ્રબોધ ત્યાર પછી સૂર્યોદય સમયે પ્રાતઃક્રિયા કરીને તે નગરને જોવા માટે જતાં માર્ગમાં ઉદ્યાનની અંદર રહેલા, રાજા વગેરે લોકોને ધર્મનો ઉપદેશ આપતા કોઈક આચાર્યને જોઈને તેને મહામંગળ માનતો તરત ત્યાં જઈને ગુરુને નમીને આગળ બેઠો. ત્યાર પછી દેશનાને અંતે તે નગરના સ્વામી ધનંજય નામના રાજાએ પ્રણામપૂર્વક ગુરુને વિનંતિ કરી કે- હે સ્વામી ! હું જરાથી ઘેરાયો છું. આથી જો વ્રત ગ્રહણ કરું તો સારું થાય. પરંતુ સ્વયં પુત્ર વિનાનો હું આ રાજયનો ભાર ક્યાં મૂકું ? આ પ્રમાણે ચિંતા કરતો હું રાત્રિમાં સુતો. ત્યારે રાત્રિના અંતે કોઈક દિવ્ય પુરુષે મને સ્વપ્રમાં આ પ્રમાણે કહ્યું કે- જે પ્રાતઃ કાળે દેશાંતરમાંથી આવીને તારા ગુરુની આગળ રહેશે તે સત્પરુષ ઉપર પોતાના રાજ્યનો ભાર નાખીને તારે પોતાનો મનોરથ પૂરો કરવો. તેથી હું આજે નિદ્રા વગરનો થયેલો અર્થાત્ જાગેલો, પ્રાતઃ કાર્યો કરીને અહીં આવેલો છું, અને મેં આ પુરુષને જોયો છે. ત્યારે ગુરુએ જ્ઞાનના બળથી કેશવનો સર્વ પણ રાત્રિભોજન ત્યાગનો વૃત્તાંત રાજાની આગળ જણાવ્યો. ત્યાર પછી રાજાએ પૂછ્યું: હે સ્વામી ! મને સ્વપ્રમાં કયા દેવે આ જણાવ્યું? ગુરુએ કહ્યું: આની પરીક્ષા કરનારા અગ્નિ નામના દેવે આ જણાવ્યું. ત્યાર પછી રાજાએ ગુરુને નમીને કેશવની સાથે નગરમાં પ્રવેશ કરીને પોતાના રાજ્ય ઉપર કેશવનો અભિષેક કરીને સ્વયં ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારે કેશવ ત્યાં દરરોજ ચૈત્યપૂજા કરતો, દુઃખી વગેરેને દાન આપતો પોતાના પ્રતાપથી સીમાડાના રાજા ઉપર આક્રમણ કરતો, ન્યાય માર્ગને અનુસરતો સુખેથી પ્રજાનું પાલન કરવા લાગ્યો.
એક વખત ઝરુખામાં બેઠેલા તેણે પિતાને જોવાની ઇચ્છા કરી. તેટલામાં માર્ગમાં થાકેલા, ભૂમિ પર જતા પોતાના પિતાને જોયા. ત્યારે કેશવ તેમને ઓળખીને તરત મહેલ ઉપરથી ઉતરીને ઘણા લોકોથી અનુસરાતો ત્યાં જઈને પિતાના પગે પડ્યો, અને હે પિતાજી ! તેવા પ્રકારની સમૃદ્ધિવાળા આપ અત્યારે રંક જેવા કેમ છો ? એ પ્રમાણે પૂછ્યું. ત્યારે યશોધન પુત્રને રાજયની પ્રાપ્તિ થવાથી આનંદિત થયો હોવા છતાં પણ દુઃખના આંસુ મૂકતા તેણે ઘરની વાત કહી કે- હે પુત્ર ! તારા ગયા પછી મેં હંસને ભોજન કરાવવા માટે બેસાડ્યો, ત્યારે અકસ્માત્ જેને ચક્કર આવી રહ્યા છે એવો તે અર્થે ભોજન મૂકીને ભૂમિ ઉપર પડ્યો. ત્યાર પછી આ શું થયું? એ પ્રમાણે વિચારતી તેની માતાએ દૂરથી દીવો લાવીને કેટલામાં દૃષ્ટિ કરી તેટલામાં અન્નમાં ઝેર જોયું અને તેના ઉપરના ભાગમાં ચંદરવા ઉપર લાગેલા સર્પને જોયો. ત્યારે સાક્ષાત્ તેવા પ્રકારના રાત્રિભોજનના ફળને જોઈને તને ધર્મ જાણનારો માનતા સઘળાય કુટુંબે મહા આક્રંદ કર્યો. ત્યાર પછી તે સાંભળવાથી ઘણા લોકો ભેગા થયા. તેમાં એક વિષ વૈદ્ય પણ આવ્યો. ત્યારે તેને સર્વ કુટુંબે પૂછયું: શું આ વિષ પ્રયોગ સાધ્ય છે કે અસાધ્ય છે? તેણે કહ્યું: શાસ્ત્રમાં તિથિ-વાર-નક્ષત્ર વગેરેને આશ્રયીને સર્પદંશના સાધ્ય-અસાધ્યનો વિચાર કહેલો છે. તે આ પ્રમાણે
પાંચમ-છઠ્ઠ-આઠમ-નોમ તથા ચૌદસ આ તિથિઓ અને અમાસ પણ આ તિથિઓ સર્પથી દંશાયેલાને મૃત્યુ આપનારી છે. બાકીની તિથિઓ મૃત્યુ આપનારી નથી. રવિ-મંગળ-શનિ આ વારો દંશાયલાના મૃત્યુ માટે થાય છે. સવાર અને સાંજની સંધ્યા તથા સંક્રાંતિનો સમય, ભરણી, કૃત્તિકા, આશ્લેષા, વિશાખા, મૂળ, અશ્વિની, રોહિણી, આદ્ર, મઘા, પૂર્વાફાલ્ગની, પૂર્વાષાઢા અને