________________
૧૮૨
આત્મપ્રબોધ
લોકોએ દિવસે ઉપવાસ કરીને અધરાત્રિમાં કોઈપણ અતિથિને આદરથી ભોજન કરાવીને પછી પારણું કરવું જોઈએ. જેથી તેઓને મહાપુણ્યની પ્રાપ્તિ થાય. તેથી તું આજે અમારો અતિથિ થા. કેશવે કહ્યું: રાત્રિ વિદ્યમાન હોવાથી મહાપાપને કરનાર આ પારણામાં હું ભોજન નહીં કરું. વળી
જ્યાં આ પ્રમાણે રાત્રે ભોજન કરવામાં આવે છે તે આ ઉપવાસ જ કહેવાતો નથી. કારણ કે ધર્મશાસ્ત્રોમાં આઠ પહોર સુધી ભોજનત્યાગ કરવામાં ઉપવાસ કહેલો છે. જેઓ ધર્મશાસ્ત્રની વિરુદ્ધ તપ કરે છે દુર્બુદ્ધિવાળા તેઓ દુર્ગતિમાં જાય છે. ત્યારે તેઓએ કહ્યું કે- આ દેવના વ્રતમાં આ જ વિધિ છે. આથી અહીં શાસ્ત્રોક્તિને અનુસરીને યુક્તાયુક્તની વિચારણા ન કરવી જોઈએ. અતિથિને શોધતાં અમારી ઘણી રાત થઈ છે. તેથી હું વિચારને છોડીને તરત આ પારણામાં અગ્રેસર થા. આ પ્રમાણે કહીને તેઓ બધા પણ ઊભા થઈને તેના પગતલમાં લાગ્યા, અર્થાત્ આગ્રહ કર્યો. તો પણ કેશવે તેના વચનને ન માન્યું.
ત્યારે તરત યક્ષના શરીરમાંથી એક ભયંકર આકારવાળો માણસ નીકળીને હાથમાં મુગર ઉપાડીને વિકરાળ નેત્રવાળો થયેલો, તીક્ષ્ણ અને કઠોર વાણીથી એને આ પ્રમાણે કહેવા લાગ્યોઃ અરે દુષ્ટ આત્મા ! તું મારા ધર્મને દોષ આપે છે? અને મારા ભક્તોની અવગણના કરે છે ? હમણાં જલદી ભોજન કર. જો નહીં કરે તો તારા મસ્તકના સાત ટુકડા કરું છું. ત્યારે હસતા કેશવે કહ્યું છે યક્ષ ! તું શું મને ક્ષોભ પમાડે છે ? ભવાંતરમાં ઉપાર્જિત કરેલા ઉત્તમધર્મના ભાગ્યોદયથી મને મરણનો જરા પણ ભય નથી. ત્યાર પછી યક્ષે પોતાના નોકરોને કહ્યું હે નોકરો ! જેણે આને આવા પ્રકારનો ધર્મોપદેશ આપ્યો છે એવા આના ધર્મગુરુને ધારણ કરીને અહીં લાવીને આની આગળ મારવો. ત્યારે ચાબૂકને ધારણ કરનારા તેના નોકરોએ કરુણ અવાજ કરતા ધર્મઘોષમુનિને તરત લાવીને યક્ષની આગળ મૂક્યા. યક્ષે કહ્યું: અરે ! તારા શિષ્યને હમણાં ભોજન કરવા કહે. નહીં તો તને હું મારું છું. ત્યારે તે મુનિએ કેશવને કહ્યું: હે ભદ્ર ! દેવ-ગુરુ અને સંઘ માટે અકાર્ય પણ કરવું જોઈએ. આથી તું ભોજન કર. આ લોકોથી હણાતા તારા ગુરુ એવા મારું રક્ષણ કર.
આ વચન સાંભળીને કેશવે વિચાર્યું જે મહાધર્ય વગેરે ગુણથી સંપન્ન, સ્વપ્રમાં પણ આ વાત ન કહે તે મારા ગુરુ મૃત્યુના ભયથી બીજી રીતે ઉપદેશ આપવાથી કેવી રીતે પાપકાર્યમાં અનુમતિ આપે ? તેથી નક્કી આ મારા ગુરુ નથી. પરંતુ આ યક્ષની કોઈ પણ માયા છે. આ પ્રમાણે વિચારીને તે મૌન ધારણ કરીને રહ્યો. ત્યારે યક્ષે મુનિ ઉપર મુદ્રગર ઉપાડીને કેશવને કહ્યું : અરે ! તું ભોજન કર. જો નહીં કરે તો તારા ગુરુને મારું છું. કેશવે પણ નિઃશંકપણે કહ્યું: અરે માયાવી ! આ મારા ગુરુ નથી. કારણ કે તેવા પ્રકારના ચારિત્રપાત્ર મારા ગુરુ મંદશક્તિવાળા તારા જેવાને વશ ક્યારે પણ ન થાય. ત્યારે તે જ હું તારો ગુરુ છું, મારું રક્ષણ કર- રક્ષણ કર.” એ પ્રમાણે રટણ કરતા તે ગુરુને યક્ષે મુદ્દગરના પ્રહારથી હણ્યા એટલે તે ભૂમિ ઉપર પડ્યા. ત્યાર પછી તે યક્ષ કેશવની પાસે આવીને મુદ્ગરને ભમાવતો બોલ્યોઃ જો તું હમણાં ભોજન કરીશ તો હું તરત તારા ગુરુને જીવાડું, અને તને ઘણી રાજય ઋદ્ધિ આપું. જો તે પ્રમાણે તું ન કરે તો આ મુદ્દગરથી તને પણ યમગૃહનો અતિથિ કરું. ત્યારે હસતા કેશવે કહ્યું હે યક્ષ ! આ મારા ગુરુ નથી જ. આથી હું આના વચનથી મારા નિયમનો ભંગ નહીં કરું. વળી જો તું મરેલાને જીવાડે છે તો તે આ તારા ભક્તોના પૂર્વજોને કેમ ન જીવાડ્યા?