________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૭૯
ચાર મહિના સુધી દર મહિને છ પર્વમાં ચાર પ્રકારના પૌષધ કરનારને ચોથી પ્રતિમાં હોય છે. પાંચ મહિના સુધી સ્નાનનો ત્યાગ કરનાર, દિવસે પ્રકાશમાં ભોજન કરનાર અને રાત્રિમાં સર્વથા ભોજનનો ત્યાગ કરનાર, પરિધાનમાં કરચ્છાને નહીં બાંધનાર, દિવસે બ્રહ્મચર્યને ધારણ કરનાર, રાત્રિમાં અપર્વતિથિમાં સ્ત્રીઓનું અને તેના ભોગોનું પ્રમાણ ધારણ કરનાર અને પર્વતિથિમાં રાત્રિએ ચતુષ્પથમાં કાયોત્સર્ગ કરતા શ્રાવકને પાંચમી પ્રતિમા હોય છે.
અહીં રાત્રિભોજનનો ત્યાગ કરવાથી એ સૂચવ્યું કે- શ્રાવકે કેશવ વગેરેની જેમ ક્યારે પણ રાત્રિભોજન ન જ કરવું જોઈએ. પરંતુ જે કોઈપણ શ્રાવક તે નિયમ કરવા માટે સમર્થ ન હોય તેણે પણ પાંચમી પ્રતિમાથી માંડીને અવશ્ય રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ. કેશવનો વૃત્તાંત તો આગળ કહેવાશે.
તથા છ મહિના સુધી દિવસ અને રાત્રે સર્વથા બ્રહ્મચર્યને ધારણ કરનારને છઠ્ઠી પ્રતિમા હોય છે. સાત મહિના સુધી અચિત્ત અશન વગેરેનું ભોજન કરનારને સાતમી પ્રતિમા હોય છે. આઠ મહિના સુધી સ્વયં આરંભનો ત્યાગ કરનારને આઠમી પ્રતિમા હોય છે. નવ મહિના સુધી બીજા પાસે પણ આરંભ નહીં કરાવનારને નવમી પ્રતિમા હોય છે. દશ મહિના સુધી અસ્ત્રાથી મુંડન કરાવનાર અથવા મસ્તકમાં ચોટલી ધારણ કરનાર, સાથે સાથે ઉદિષ્ટ આહારનો ત્યાગ કરનારને દશમી પ્રતિમા હોય છે. અગિયાર મહિના સુધી અસ્ત્રાથી મુંડન કરાવનાર અથવા લોચથી કેશનો લોચ કરનાર, રજોહરણ અને પાત્રા વગેરે સાધુના ઉપકરણને ધારણ કરનાર, સાધુની જેમ એષણીય અશન વગેરેને ગ્રહણ કરનાર, આજે પણ સ્વજનો વિશેનો સ્નેહસંબંધ છૂટ્યો નથી એવા, અને ગોચરી સમયે “પ્રતિમા સ્વીકારેલા શ્રાવકને ભિક્ષા આપો' એ પ્રમાણે બોલતાને અગિયારમી પ્રતિમા હોય છે. આ ઉત્કૃષ્ટથી કાળનું માન બતાવ્યું. જઘન્યથી અગિયારેય પ્રતિમાનું કાળમાન દરેકનું અંતર્મુહૂર્ત જ જાણવું, અને તે જો મરણ થઈ જાય અથવા તો દીક્ષાનો સ્વીકાર કરી લે તો સંભવે છે. બીજી રીતે સંભવતો નથી. અહીં આગળની સાત પ્રતિમા ક્યાંક બીજી રીતે પણ કહેલી છે. તેનો વિચાર પ્રવચન સારોદ્ધારથી જ જાણી લેવો. હવે પૂર્વે સૂચવેલો કેશવનો વૃત્તાંત આ પ્રમાણે છે
કેશવનું દૃષ્ટાંત કુંડિનપુર નગરમાં મિથ્યાત્વથી મોહિત થયેલી મતિવાળો યશોધન નામનો વણિક રહેતો હતો. તેને રંભા નામની પતીથી ઉત્પન્ન થયેલા હંસ અને કેશવ નામના બે પુત્રો હતા. તે બંને એક વખત યૌવન અવસ્થામાં રમવા માટે વનમાં ગયા. ત્યાં ધર્મઘોષ નામના મુનિને જોઈને જેમણે વિવેકને પ્રાપ્ત કરેલો છે એવા તે બંને પણ ગુરુને નમીને આગળ બેઠા. ગુરુએ ધર્મનો ઉપદેશ આપ્યો. તેમાં રાત્રિભોજનના આ લોક સંબંધી અને પરલોક સંબંધી ઘણા દોષો બતાવ્યા. તે આ પ્રમાણે- રાત્રિમાં ક્રીડા માટે સ્વેચ્છાથી પૃથ્વી ઉપર ભમતા રાક્ષસો રાત્રિભોજન કરતા માણસોને ૧. કચ્છા = કમરે બાંધવાનું વસ્ત્ર.