________________
૧૭૮
આત્મપ્રબોધ
ધર્મ કૃત્યોથી પોતાના આત્માને ભાવિત કરીને અગિયાર પ્રતિમા આરાધીને અંતે અરુણગ વિમાનમાં ઉત્પન્ન થયો. મહાવિદેહમાં સિદ્ધ થશે.
તેલીપિતા શ્રાવસ્તી નગરીમાં તેલીપિતા નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને ફાલ્ગની નામની પતી હતી. તથા ઋદ્ધિનો વિસ્તાર પૂર્વની જેમ જાણવો. વ્રતો પણ તે જ પ્રમાણે જાણવાં. ત્યાર પછી તે પણ મોટા પુત્રની આજ્ઞાથી પૌષધશાળામાં અગિયાર પ્રતિમા આરાધીને અંતે તે જ પ્રમાણે સૌધર્મ દેવલોકમાં અરૂણકીલ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિથી દેવપણે ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે.
આ દશે પણ શ્રાવકોને પંદરમા વર્ષમાં વર્તતા હતા ત્યારે ગૃહવ્યાપારના ત્યાગનો અધ્યવસાય થયો. તથા બધાને વીશ વર્ષનો શ્રાવક પર્યાય થયો. તથા બધા ય સૌધર્મ દેવલોકમાં સરખા આયુષ્યપણે ઉત્પન્ન થયા. તથા આમાંથી પહેલા, છટ્ટા, નવમા, દસમા શ્રાવકોને ઉપસર્ગો થયા ન હતા. બાકીના છે ને ઉપસર્ગો થયા હતા. વિશેષ એટલે કે પહેલાને ગૌતમ સાથે પ્રશ્નોત્તર થયો. છઠ્ઠાને દેવ સાથે ધર્મચર્ચા થઈ. આ પ્રમાણે સમુદિત બાર વ્રત ઉપર ઉપાસકદશાંગને અનુસાર સંક્ષેપથી દશ શ્રાવકોનાં દૃષ્ટાંતો બતાવ્યાં. આ સાંભળીને બીજા પણ સમ્યગ્દષ્ટિઓએ બાર વ્રતના પાલનમાં તત્પર થવું જોઈએ. (૭૪)
શ્રાવકની અગિયાર પ્રતિમા હવે પ્રસંગથી શ્રાવકની અગિયાર પ્રતિમાનું સ્વરૂપ બતાવવામાં આવે છે
दसणवयसामाइय, पोसहपडिमा अबंभसच्चित्ते ।
आरंभपेसउद्दिट्ट, वज्जए समणभूए य ॥७५॥ (૧) દર્શન = સમ્યકત્વ (૨) વ્રતો = અણુવ્રતો વગેરે (૩) સામાયિક (૪) પૌષધ (૫) પ્રતિમા = કાયોત્સર્ગ- આ પાંચ વિશે અભિગ્રહવિશેષરૂપ પ્રતિમાઓ વિધાન સ્વરૂપે જાણવી. (૬) અબ્રહ્મ (૭) અને સચિત્ત આ બે વિશે અભિગ્રહવિશેષરૂપ પ્રતિમાઓ ત્યાગ સ્વરૂપે જાણવી. (૮) આરંભ એટલે સ્વયં પાપકર્મ કરવું. (૯) પ્રેષણ એટલે બીજાઓને પાપકર્મમાં જોડવા. (૧૦) ઉદિષ્ટ એટલે તે જ શ્રાવકને ઉદેશીને સચિત્તને અચિત્ત કરવું અથવા આહારાદિ પકાવવું. આઠમી વગેરે પ્રતિમાને ધારણ કરનારો આ ત્રણનો ત્યાગ કરનાર હોય. તથા (૧૧) શ્રમણભૂત એટલે સાધુ જેવો. શ્રાવક આ અગિયાર પ્રતિમાને ધારણ કરનારો હોય.
ભાવાર્થ તો આ પ્રમાણે છે. એક મહિના સુધી શંકા વગેરે દોષથી રહિત અને રાજાભિયોગ વગેરે છ આગારોથી રહિત હોવાથી કેવલ શુદ્ધ સમ્યકત્વને ધારણ કરનારને પહેલી પ્રતિમા હોય છે. બે મહિના સુધી અતિચારથી રહિત અને અપવાદથી રહિત વ્રતો અને સમ્યકત્વને સારી રીતે ધારણ કરનારને બીજી પ્રતિમા હોય છે. ત્રણ મહિના સુધી સમ્યકત્વ અને વ્રતથી યુક્ત હોય અને દરરોજ બંને સંધ્યાએ સામાયિક કરનારને ત્રીજી પ્રતિમા હોય છે. આ પ્રમાણે આગળ પણ પૂર્વપૂર્વની પ્રતિમાનાં અનુષ્ઠાનો પછી પછીની પ્રતિમામાં જાણવા. જે વિશેષ છે તે કહેવામાં આવે છે.