________________
૧૭૨
આત્મપ્રબોધ
કરીને પોતાના સ્થાનમાં આવ્યો. ત્યાર પછી આનંદની જેમ ક્રમે કરીને શ્રાવકની અગિયાર પ્રતિમા સારી રીતે વિધિથી આરાધીને વશ વર્ષ શ્રાવક પર્યાય પાળીને એક મહિનાની સંલેખનાથી કાળ કરીને સૌધર્મ દેવલોકમાં અરુણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ પ્રમાણે કામદેવનો વૃત્તાંત પૂર્ણ થયો.
ચુલની પિતા વારાણસી નગરીમાં ચલની પિતા નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને સામા નામની પતી હતી. તથા ચોવીસ ક્રોડ સોનૈયા દ્રવ્ય હતું. તેમાં આઠ ક્રોડ સોનૈયા નિધાન તરીકે મૂકેલા હતા. આઠ ક્રોડ સોનૈયા વ્યાજ તરીકે મૂકેલા હતા. અને આઠ ક્રોડ સોનૈયા ઘરવખરી તરીકે હતા. તથા દશ-દશ હજાર ગાયના એક એવા કુલ આઠ ગોકુળ હતા. ત્યાર પછી તે પણ આનંદ શ્રાવકની જેમ શ્રીવીર સ્વામીની પાસે બારવ્રત ગ્રહણ કરીને અવસરે મોટા પુત્ર ઉપર કુટુંબનો ભાર સ્થાપીને સ્વય પૌષધ શાળામાં પૌષધ કરીને રહ્યો. ત્યાં અર્ધ રાત્રિના સમયે એક દેવે પ્રગટ થઈને હાથમાં તલવાર લઈને તેને આ પ્રમાણે કહ્યું : અરે ચુલનીપિતા ! તું આ ધર્મનો ત્યાગ કર, જો નહીં કરે તો તારા મોટા વગેરે પુત્રોને આ તલવારથી મારી નાખીશ. આ પ્રમાણે કહેવાયો હોવા છતાં પણ તે જ્યારે ક્ષોભ ન પામ્યો ત્યારે તે દેવે ક્રમે કરીને તેના મોટા પુત્રને, મધ્યમ પુત્રને અને નાના પુત્રને ત્યાં લાવીને તેની આગળ હણીને તપેલી કડાઈમાં નાખીને તે પુત્રોના માંસથી અને લોહીથી તે શ્રાવકના શરીરને સીંચ્યું. તો પણ તે ક્ષોભ ન પામ્યો. ત્યારે તે દેવે ચોથીવાર તે શ્રાવકને આ પ્રમાણે કહ્યું: અરે ! ચુલનીપિતા ! તું જો મારું કહેલું નહીં માને તો આજે હું ભદ્રા સાર્થવાહી નામની તારી માતાને અહીં લાવીને તારી આગળ મારીને તપેલી કડાઈમાં નાખીને તેના માંસથી અને લોહીથી તારા શરીરને સીંચવાનું કરીશ. જેથી તું દુઃખથી દુઃખી થયેલો અકાળે જ મૃત્યુ પામીશ.
આ પ્રમાણે એકવાર કહેવાથી તેને ક્ષોભ નહીં પામેલો માનીને બીજીવાર, ત્રીજીવાર ફરી આ પ્રમાણે કહ્યું. ત્યારે તે શ્રાવકના મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો. “અહો ! આ કોઈ પણ પુરુષ અનાર્ય, અનાર્ય બુદ્ધિવાળો નહીં આચરવા યોગ્ય પાપ કર્મોને આચરે છે. જેથી આણે મારા ત્રણે પણ પુત્રોને તેવી કદર્થનાપૂર્વક માર્યા અને હમણાં મારી માતાને પણ તે જ પ્રમાણે મારવા માટે ઇચ્છે છે. આથી હું આ પુરુષને તરત પકડું તો સારું.” આ પ્રમાણે વિચારીને તેણે તરત ઊભા થઈને તેને પકડવા માટે કેટલામાં હાથ લાંબા કર્યા તેટલામાં તે દેવ આકાશમાં ઉડ્યો અને તેના હાથમાં થાંભલો આવ્યો. તેથી તે શ્રાવકે મોટા અવાજથી કોલાહલ કર્યો. ત્યારે ભદ્રા સાર્થવાહીએ પુત્રના તે શબ્દને સાંભળીને ચુલની પિતા પાસે આવીને કોલાહલનું કારણ પૂછ્યું. તેથી તેણે પણ સ્વયં અનુભવેલો બધો પણ વૃત્તાંત માતાને જણાવ્યો. ત્યારે માતાએ કહ્યું હે પુત્ર! કોઈ પુરુષ નથી, કોઈએ પણ તારા પુત્રોને માર્યા નથી. આ કોઈ પણ પુરુષે તને ઉપસર્ગ કર્યો છે. હમણાં તું ભગ્ન વ્રતવાળો અને ભગ્ન પૌષધવાળો થયો છે. તેથી હે પુત્ર! તું આ સ્થાનની આલોચના વગેરે ગ્રહણ કર. તેથી તે ચુલની પિતા શ્રાવકે માતાના વચનને તહત્તિ કરી, સ્વીકારીને તે સ્થાનની આલોચના વગેરે ગ્રહણ કરી. ત્યાર પછી આનંદ શ્રાવકની જેમ ક્રમે કરી અગિયાર પ્રતિમા આરાધી અંતે સમાધિથી કાળે કરીને અરુણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. મહાવિદેહમાં સિદ્ધ થશે.