________________
૧૬૦
આત્મપ્રબોધ હવે ચોથું અતિથિસંવિભાગ વ્રત કહેવામાં આવે છે.
તેમાં તિથિ, પર્વ વગેરે લોકવ્યવહારથી રહિત હોવાથી અતિથિ એટલે સાધુઓ. તેઓનો સંવિભાગ એટલે શુદ્ધ આહાર વગેરેનું સારી રીતે આપવું તે સ્વરૂપ જે વ્રત તેને અતિથિસંવિભાગ વ્રત કહેવામાં આવે છે. કેટલાક આ વ્રતને યથાસંવિભાગ કહે છે. તેમાં યથાપ્રવૃત્ત એટલે સ્વાભાવિક રીતે તૈયાર થયેલા આહાર વગેરેનું સારી રીતે સાધુઓને આપવું તે યથાસંવિભાગ. ગૃહસ્થ પૌષધના પારણે પરમ વિનયથી સાધુઓને જે શુદ્ધ અશનાદિ આપે તે ચોથું શિક્ષાવ્રત છે. તે આ પ્રમાણે
जं च गिही सुविसुद्धं, मुणिणो असणाइ देइ पारणए ।
परमविणएण एयं, तुरियमतिहिसंविभागवयं ॥६८॥ ગૃહસ્થ પારણામાં જે સુવિશુદ્ધ અશન આદિ પરમ વિનયથી મુનિઓને આપે તે ચોથું અતિથિસંવિભાગ વ્રત છે.
અહીં ઉપયોગી હોવાથી ચૂર્ણિમાં કહેલું કંઈક લખવામાં આવે છે. પૌષધ પારતા એવા શ્રાવકને સાધુને આપ્યા વિના પારણું કરવું યોગ્ય નથી. સાધુને આપીને પછી પારણું કરવું જોઈએ. કઈ વિધિથી આપવું જોઈએ ? જેવો દેશ, કાળ હોય તે પ્રમાણે. પોતે શરીરની સર્વ વિભૂષા કરીને સાધુના ઉપાશ્રયમાં જઈને નિમંત્રણ કરે કે- ભિક્ષાને ગ્રહણ કરો.” ત્યારે સાધુએ શું કરવું જોઈએ? ત્યારે અંતરાય દોષ અને સ્થાપના દોષ ન થાય માટે એક સાધુ પડલાનું પડિલેહણ કરે, બીજો સાધુ ભાજનનું પડિલેહણ કરે. તે શ્રાવક જો પહેલી પોરિસીમાં નિમંત્રણ કરે અને જો નવકારશી કરનારા હોય તો ગ્રહણ કરે. જો નવકારશી કરનારા ન હોય તો ગ્રહણ ન કરે, અને તેને સમજાવે કે કોઈ વાપરનાર નથી). છતાં તે ઘણો લાગી પડે અર્થાત્ અતિ આગ્રહ કરે તો ગ્રહણ કરે અને પાદોનપોરિસીમાં વાપરનારા હોય તો તેને આપે અથવા બીજો કોઈ પારણું કરનાર હોય તો તેને આપે. હવે તે શ્રાવકની સાથે સંઘાટકની સાથે જાય, એકલો ન જાય. સાધુ આગળ અને શ્રાવક પાછળ એ પ્રમાણે ઘરે લઈ જઈને આસન આપવા દ્વારા બેસવા નિમંત્રણ કરે, છતાં ન બેસે તો પણ વિનય કરેલો થાય. ત્યારે તે શ્રાવક ભક્તપાન સ્વયં આપે. અથવા પોતે ભાજનને ધારણ કરી રાખે અને તેની પતી આપે. અથવા જ્યાં સુધી આપે ત્યાં સુધી પોતે ઊભો રહે. સાધુએ પશ્ચાત્ કર્મ વગેરેનો ત્યાગ કરવા માટે સાવશેષ ગ્રહણ કરવું જોઈએ. આહાર આપીને વંદન કરીને પછી રજા આપે અને વળાવા જાય. પછી સ્વયં ભોજન કરે. તેમાં પણ જે વસ્તુ સાધુને ન આપી હોય તે વસ્તુ શ્રાવકે ખાવી ન જોઈએ. હવે જો સાધુ નથી તો દેશ, કાળ વેળાએ શુદ્ધ ભાવથી દિશાનું અવલોકન કરવું જોઈએ. જો સાધુઓ હોત તો હું નિસ્તાર પામેલો થાત. આ કહેવા દ્વારા સુશ્રાવકે હંમેશાં સાધુઓને દાન આપવું જોઈએ. પરંતુ અતિથિ સંવિભાગ વ્રતનો ઉચ્ચાર પર્વ પારણામાં જ થાય છે, અર્થાત્ અતિથિ સંવિભાગ દ્વત પર્વતિથિના પારણામાં જ થાય છે. આવશ્યક વૃત્તિમાં કહ્યું છે કેપૌષધ અને અતિથિસંવિભાગ તો પ્રતિનિયત દિવસે કરવા જોઈએ, દરરોજ ન કરવા જોઈએ. વિસ્તારથી સર્યું.