________________
આત્મપ્રબોધ
અંતરાત્મા હવે જે જીવ તત્ત્વશ્રદ્ધાથી યુક્ત છે, કર્મબંધના કારણો વગેરેના સ્વરૂપને સારી રીતે જાણે છે. જેમકે- આ જીવ આ સંસારમાં મિથ્યાત્વ- અવિરતિ- કષાય અને યોગ આ કર્મબંધનાં કારણોથી પ્રતિસમય કર્મો બાંધે છે અને તે કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આ જીવ સ્વયં જ ભોગવે છે. બીજો કોઈ પણ જન તેમાં સહાયતા કરતો નથી...... વળી દ્રવ્યાદિ કોઈક વસ્તુ નાશ પામે છે ત્યારે આ પ્રમાણે વિચારે છે કે- મારો આ પરવસ્તુ સાથેનો સંબંધ નાશ પામ્યો. મારું દ્રવ્ય તો આત્મપ્રદેશની સાથે જોડાયેલું જ્ઞાનાદિ છે અને તે તો ક્યાંય જતું નથી. વળી- દ્રવ્યાદિ કોઈક વસ્તુનો લાભ થાય ત્યારે આ પ્રમાણે વિચારે છે કે મને આ પૌગલિક વસ્તુનો સંબંધ થયો એમાં એના ઉપર આનંદ શું? અર્થાત્ એના ઉપર આનંદ કરવાથી શું? વળી- વેદનીય કર્મના ઉદયથી કષ્ટ વગેરેની પ્રાપ્તિ થાય ત્યારે સમભાવને ધારણ કરે છે અને આત્માને પરભાવથી ભિન્ન માનીને તેમના ત્યાગનો ઉપાય કરે છે અને મનમાં તો પરમાત્માનું ધ્યાન કરે છે. આવશ્યકાદિ ધર્મકાર્યમાં વિશેષથી ઉદ્યમવાળો થાય છે. તે ચોથા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાનવર્તી જીવ અંતર્દષ્ટિથી અંતરાત્મા કહેવાય છે.
પરમાત્મા વળી જે જીવ શુદ્ધ આત્મસ્વભાવમાં પ્રતિબંધ કરનારા કર્મશત્રુઓને હણીને નિરૂપમ ઉત્તમ કેવળજ્ઞાન આદિ પોતાની સંપત્તિને પામીને હાથમાં રહેલા આમળાની જેમ સમસ્ત વસ્તુસમૂહને સંપૂર્ણપણે જાણે છે અને જુએ છે અને પરમાનંદના સમૂહથી સંપન્ન છે તે તેરમા- ચૌદમા ગુણસ્થાને રહેલો જીવ અને સિદ્ધનો આત્મા શુદ્ધસ્વરૂપવાળો હોવાના કારણે પરમાત્મા કહેવાય છે.
આત્મબોધનો શબ્દાર્થ, વોયનં વોલ' યથાવસ્થિત સ્વરૂપે વસ્તુનું જ્ઞાન તે બોધ. હમણાં જ કહેલા લક્ષણવાળા આત્માનો અને તેનાથી અભિન્ન એવા સમ્યકત્વ આદિ ધર્મનો બોધ તે આત્મબોધ. આને પ્રતિપાદન કરનારો ગ્રંથ પણ ઉપચારથી આત્મબોધ કહેવાય છે. આ પ્રમાણે આત્મપ્રબોધનો શબ્દાર્થ છે.
આત્મબોધનો મહિમા હવે આત્મબોધના મહિમાનું વર્ણન કરાય છે. જે જીવને આત્મબોધ થયો છે તે જીવ પરમાનંદમાં મગ્ન હોવાના કારણે સાંસારિક સુખનો અભિલાષી ક્યારે પણ થતો નથી. કારણ કે તે સાંસારિક સુખ અલ્પ અને અસ્થિર છે. જેમ કોઈ જન વિશિષ્ટ ઈચ્છિત વસ્તુને સંપાદન કરાવવામાં સમર્થ એવા કલ્પવૃક્ષને પામીને લુખા ભોજનની પ્રાર્થના કરનારો થતો નથી. તેમ આ જીવ પરમાનંદમાં અત્યંત મગ્ન થઈ સંસાર સુખનો અભિલાષી થતો નથી. વળી- સારા માર્ગે ચાલનારો દેખતો પુરુષ કૂવામાં પડતો નથી તેની જેમ જે જીવો આત્મજ્ઞાનમાં નિરત છે તે જીવો નરકાદિ દુ:ખને ક્યારે પણ પામતાં નથી. વળી- જેણે અમૃતનો સ્વાદ લીધો હોય તેવા પુરુષને જેમ ખારા પાણીને પીવાની રુચિ થતી નથી. તેની જેમ જેણે આત્મબોધને પ્રાપ્ત કર્યો છે તેને બાહ્ય વસ્તુના સંસર્ગની ઈચ્છા થતી નથી.
હવે જેને આત્મબોધ થયો નથી તે જીવ મનુષ્ય દેહવાળો હોવાના કારણે શીંગડા અને પૂંછડા વગેરેથી રહિત હોવા છતાં તેને પશુ જ જાણવો. કારણ કે આહાર-નિદ્રા-ભય અને મૈથુનથી યુક્ત