________________
૧૫૨
આત્મપ્રબોધ
હવે સામાયિકમાં રહેલાનું જે કાર્ય છે તે બતાવે છે–
सामायिकस्थः प्रवरागमार्थं, पृच्छेन्महात्माचरितं स्मरेच्च । आलस्यनिद्राविकथादिदोषान्, विवर्जयेत् शुद्धमना दयालुः ॥ ५९॥
શુદ્ધમનવાળો અને દયાળુ એવો સામાયિકમાં રહેલો શ્રાવક શ્રેષ્ઠ આગમના અર્થને પૂછે, અને મહાત્માઓના ચરિત્રને યાદ કરે, આળસ, નિદ્રા, વિકથા આદિ દોષોનો ત્યાગ કરે. આળસ વગેરે દોષો આ છે
સામાયિકના ૩૨ દોષો મનના દશ દોષો
(૧) અવિવેક દોષ- સામાયિકના સમય દરમિયાન આત્મ-હિત સિવાય અન્ય વિચારો કરવા તે અવિવેક દોષ છે.
(૨) યશઃકીર્તિ દોષ- લોકો વાહવાહ બોલે એવી ઇચ્છાથી સામાયિક કરવું તે યશઃકીર્તિ દોષ છે. (૩) લાભ-વાંછા દોષ- સામાયિક દ્વારા કોઈ પણ જાતના લાભની ઇચ્છા રાખવી તે લાભવાંછા દોષ છે.
(૪) ગર્વ દોષ- અન્ય લોકો કરતાં હું સારું સામાયિક કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાતો છું, એવો વિચાર કરવો તે ગર્વ દોષ છે.
(૫)ભય દોષ- હું સામાયિક નહિ કરું તો અન્ય લોકો શું કહેશે ? એવા ભયથી સામાયિક ક૨વું તે ભય દોષ છે.
(૬) નિદાન દોષ- સામાયિક કરીને તેના ફલ તરીકે સાંસારિક સુખની ઇચ્છા કરવી તે નિદાન દોષ છે.
(૭) સંશય દોષ- સામાયિકનું ફલ મળશે કે કેમ ? એવો વિચાર કરવો તે સંશય દોષ છે. (૮) રોષ દોષ- કોઈ પણ કારણથી ઉત્પન્ન થયેલા રોષમાં ને રોષમાં સામાયિક કરવા બેસી જવું તે રોષ દોષ છે.
(૯) અવિનય દોષ- જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનય વગર સામાયિક કરવું તે અવિનય દોષ છે.
(૧૦) અબહુમાન દોષ- ભક્તિભાવ, બહુમાન અને ઉમંગ સિવાય સામાયિક કરવું તે અબહુમાન દોષ છે.
વચનના દશ દોષો
(૧૧) કુવચન દોષ- કડવું, અપ્રિય કે અસત્ય વચન બોલવું, તે કુવચન દોષ છે. (૧૨) સહસાકાર દોષ- વગર વિચારે એકાએક વચન કહેવું તે સહસાકાર દોષ છે. (૧૩) સ્વચ્છંદ દોષ- શાસ્ત્રની દરકાર રાખ્યા વિના કોઈ પણ વચન બોલવું તે સ્વચ્છંદ દોષ છે.