________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૫૧
તેમાં સમનો એટલે કે રાગ-દ્વેષના અભાવનો આય એટલે કે લાભ તે સમાય. તે પ્રયોજન જે ક્રિયારૂપ અનુષ્ઠાનનું છે તે સામાયિક. તે સ્વરૂપ જે વ્રત તે સામાયિક વ્રત કહેવાય છે. તે આ પ્રમાણે
सामाइअमिह पढम, सावजे जत्थ वज्जिउं जोगे ।
समणाणं होइ समो, देसेणं देसविरओ वि ॥५७॥ અહીં સામાયિક નામનું પહેલું શિક્ષાવ્રત છે. જે સામાયિક કરે છતે દેશવિરત એવો પણ શ્રાવક સાવદ્ય મન-વચન-કાયાના વ્યાપારને છોડીને સર્વવિરત જેવો થાય છે. સર્વ વિરત જેવો કેમ થાય છે ? તે કહે છે- એક દેશની ઉપમાથી આમ કહેવાય છે. જેમકે લલના ચંદ્રમુખી છે. તળાવ સમુદ્ર જેવું છે. બીજી રીતે તો સાધુ અને શ્રાવકનો મહાન ભેદ છે જ. તે આ પ્રમાણે- સાધુ ઉત્સર્ગથી દ્વાદશાંગીને ભણે છે. શ્રાવક તો પજીવનિકાય અધ્યયનને જ ભણે છે. વળી સાધુ ઉત્સર્ગથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં પણ ઉત્પન્ન થાય છે. શ્રાવક તો બારમા દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. તથા મરેલા સાધુની દેવગતિ અથવા સિદ્ધિગતિ થાય છે. શ્રાવકની તો દેવગતિ જ થાય છે. વળી- સાધુને ચાર સંજવલન કષાયો જ હોય છે અથવા કષાયથી રહિત હોય છે. શ્રાવકને તો ચાર પ્રત્યાખ્યાનાવરણ અને ચાર સંજવલન એમ આઠ કષાયો હોય છે. વળી- સાધુને પાંચ વ્રતોનો એક સાથે જ સ્વીકાર હોય છે. શ્રાવકને તો છૂટા અથવા એક સાથે ઈચ્છા અનુસાર વ્રતો હોય છે. તથા સાધુને એકવાર પણ સ્વીકારેલું સામાયિક યાવજીવ રહે છે. શ્રાવક તો વારંવાર તેનો સ્વીકાર કરે છે. વળીસાધુને એક વ્રતના ભંગમાં સર્વ વ્રતનો ભંગ થાય છે. કારણ કે સાધુનાં વ્રતો અન્યોન્ય સાપેક્ષ છે. શ્રાવકને તો તે પ્રમાણે નથી હોતું. (૫૭) હવે આ સામાયિક ક્યાં કરાય છે? એ પ્રમાણે આશંકા કરીને કહે છે
मुनेः समीपे जिनमन्दिरे वा, गृहेऽथवा यत्र निराकुलः स्यात् । .सामायिकं तत्र करोति गेही, सुगुप्तियुक्तः समितश्च सम्यक् ॥५८॥
ગૃહસ્થ પહેલાં તો મુનિ પાસે સામાયિક કરે. તેના અભાવમાં જિનમંદિરમાં કરે. તે બેના પણ અભાવમાં ઘરે કરે. અથવા ઘણું કહેવાથી શું ? જે કોઈ ક્ષેત્રમાં, શૂન્ય ઘરમાં અથવા માર્ગ વગેરેમાં સ્વયં નિરાકુલ થાય, સ્વસ્થ ચિત્તવાળો થાય તેવા સ્થાને સુગુપ્તિથી યુક્ત, સમ્યક્ સમિતિવાળો થયેલો સામાયિક કરે. અહીં જિનમંદિરમાં સામાયિક કરનારાઓ યોગ્ય થાય છે, એટલે કે સમ્યક સમાધિવાળા થાય છે. માટે તેનું ગ્રહણ પહેલાં કર્યું. તેમાં પણ મુનિ પાસે ધર્મવાર્તા સાંભળવાથી વિશેષ લાભ થાય છે. માટે જિનમંદિર કરતાં પ્રથમ મુનિ પાસે ગ્રહણ કરે. વળી- જે ઘર વગેરેમાં સામાયિક કરે તે અંગીકાર કરેલા સામાયિકવાળો જ સમિતિ-ગુપ્તિથી યુક્ત ગુરુ પાસે આવીને તેની સાક્ષીએ સામાયિકવ્રત ઉચ્ચરે. આ અલ્પ ઋદ્ધિવાળા શ્રાવકની વિધિ છે. મહાઋદ્ધિવાળા રાજા વગેરે તો સામાયિક લીધા વિના જ સાધુ પાસે આવીને ત્યાર પછી સામાયિક કરે. જો તેમ ન કરે અને સામાયિક લઈને આવે તો તેની પાછળ આવતા હાથી-ઘોડા-સૈનિક વગેરે અધિકરણ થાય. આથી વિસ્તારથી સર્યું. વિસ્તારથી જાણવું હોય તેણે આવશ્યક ચૂર્ણિ જોવી. (૫૮) ૧. અહીં જિનમંદરિમાં એટલે જિનમંદિરને અડીને રહેલા મંડપ વગેરેમાં એમ સમજવું.