________________
૧૫૦
આત્મપ્રબોધ તૈયાર થયા. પરંતુ મૃગસુંદરી પોતાના નિયમને યાદ કરતી ભોજન માટે તૈયાર ન થઈ. ત્યારે સસરા વગેરેએ પણ શુભમતિ પ્રગટ થવાથી તેના આગ્રહથી ભોજન ન કર્યું. તેથી જેના ઘરમાં અન્ન રાંધેલું હતું તેના જ કુટુંબે તેનું ભોજન કર્યું અને મરણ પામ્યું.
હવે સવારે તે સંબંધીઓને મરેલા જોઈને સસરા વગેરે જેટલામાં અહીં તહીં જુએ છે તેટલામાં થાળમાં પડેલા સાપના ટુકડા જોયા. ત્યારે બધાએ વિચાર્યું: “ખરેખર ! રાત્રે અન્નના પાત્રમાં ધૂમાડાથી આકુલ થયેલો સાપ પડ્યો. તેથી આ લોકો મરણ પામ્યા. પાછળથી બધાએ પુત્રવધૂની માફી માંગી. તેણીએ કહ્યું: હે આર્યો ! આથી જ હું ચૂલા ઉપર ચંદરવો બાંધતી હતી, અને રાત્રે ખાતી ન હતી. ત્યાર પછી તેના વચનથી તે બધા પણ બોધ પામ્યા. જીવનદાન આપ્યું હોવાથી સાક્ષાત્ કુલદેવીની જેમ તેને માનતા પાછા (ઘરે) આવ્યા અને તેના ઉપદેશથી સુશ્રાવકો થયા. ત્યાર પછી મૃગસુંદરી અને ધનેશ્વર લાંબાકાળ સુધી સારી રીતે ધર્મને આરાધી અંતે સમાધિથી કાળ કરી, સ્વર્ગના સુખોને અનુભવી તમે બે ઉત્પન્ન થયા છો. તે પૂર્વભવમાં સાત ચંદરવા બાળ્યા તે દુષ્કર્મને નિંદા વગેરેથી ઘણું ખપાવ્યું છતાં પણ તેનો થોડો અંશમાત્ર રહી ગયો તેથી તને સાત વર્ષનો વ્યાધિ થયો. ત્યાર પછી રાજા અને રાણી આ પ્રમાણે ગુરુના મુખથી પૂર્વભવના વૃત્તાંતને સાંભળવાથી જાતિ સ્મરણને પામીને સંસારથી વિરક્ત થયેલા પુત્રને રાજ્ય ઉપર બેસાડીને દીક્ષા ગ્રહણ કરીને અંતે સ્વર્ગના ભાગી થયા. આ પ્રમાણે અનર્થદંડ વિરમણમાં મૃગસુંદરીની કથા પૂર્ણ થઈ.
આ પ્રમાણે બીજા પણ સમ્યગ્દષ્ટિઓએ ચૂલા ઉપર ચંદરવાને નહીં બાંધવા રૂપ અનર્થદંડથી અટકવું જોઈએ. અહીં ભાવના આ પ્રમાણે કરવી
चिंतेअव्वं च नमो, सअट्ठगाइं च जेहिं पावाइं ।
साहूहिं वज्जियाई, निरट्ठगाइं च सव्वाइं ॥१॥ અર્થ સ્વાર્થક અને નિરર્થક એમ બધાં પાપોનો જેમણે ત્યાગ કર્યો છે તે સાધુઓને નમસ્કાર થાઓ. આ પ્રમાણે મનમાં ચિંતવવું. વળી બીજું
तुल्ले वि उअरभरणे, मूढअमूढाणमंतरं पिच्छ ।
एगाण नरयदुक्खं, अन्नेसिं सासयं सुक्खं ॥ २ ॥ અર્થ- ઉદરને ભરવાનું બંનેને સમાન હોવા છતાં મૂઢ અને અમૂઢ બંનેનું અંતર તો જો. એકને નરકનું દુઃખ અને બીજાને શાશ્વત સુખ ! આ પ્રમાણે ત્રીજું ગુણવ્રત કહ્યું. (૫૬)
ચાર શિક્ષાવ્રત હવે ચાર શિક્ષાવ્રતોનો અવસર છે. તેમાં શિક્ષા એટલે ફરી-ફરી પ્રવૃત્તિ. તેની પ્રધાનતાવાળા વ્રતો તે શિક્ષાવ્રતો. જે પ્રમાણે શિષ્ય વારંવાર વિદ્યાનો અભ્યાસ કરે છે તે રીતે શ્રાવકે પણ આ વ્રતોનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ.
હવે આમાં જે પહેલું સામાયિક વ્રત છે તે કહેવામાં આવે છે