________________
બીજો પ્રકાશ -
- દેશવિરતિ
सव्वेसिं साहूणं, नमामि जेहिं अहियं ति नाऊणं । तिविहेण कामभोगा, चत्ता एवं विचिंतिज्जा ॥ १ ॥
૧૪૭
અર્થ- જેઓએ ‘કામભોગ અહિત કરનાર છે એમ જાણીને' ત્રિવિધથી કામભોગોનો ત્યાગ
કર્યો છે તે સર્વ સાધુઓને હું નમસ્કાર કરું છું. એ પ્રમાણે વિચારે.
આ પ્રમાણે બીજું ગુણવ્રત કહ્યું. (૫૨)
હવે ત્રીજું અનર્થદંડ વિરમણ વ્રત કહેવાય છે
તેમાં જે સ્વજન, શરીર અને ધર્મ માટે આરંભ કરાય છે તે અર્થદંડ, બાકીના બધા અનર્થદંડ. તેનાથી વિરમણ એટલે નિવૃત્તિ. તે સ્વરૂપ જે વ્રત તે અનર્થદંડ વિરમણ વ્રત કહેવાય છે. આ અપધ્યાન આદિ ચાર પ્રકારના અનર્થદંડના ત્યાગ સ્વરૂપ છે.
તે આ પ્રમાણે
दंडिज्जइ जेण जिओ, वज्जिय नियदेहसवणधम्मट्ठे । सो आरंभी केवल - पावफलोऽणत्थदंड त्ति ॥ ५३ ॥ अवज्झाण पावउवएस-हिंसदाणप्पमायचरिएहिं । जं चउहा सो मुच्चइ, गुणव्वयं तं भवे तइअं ॥ ५४ ॥
જેનાથી જીવ (નિરર્થક) દંડાય છે તે અનર્થદંડ. પોતાના શરીર, સ્વજન અને ધર્મ માટે કરાતા આરંભને છોડીને બાકીનો આરંભ કેવલ પાપફળવાળો હોવાથી અનર્થદંડ છે. તે અપધ્યાન, પાપોપદેશ, હિંસ્રદાન, પ્રમાદાચરણ એમ ચાર પ્રકારે છે. અનર્થદંડનો જેમાં ત્યાગ કરાય છે તે ત્રીજું ગુણવ્રત છે. આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન અપધ્યાન છે. આ બેનું સ્વરૂપ આ પ્રમાણે છે- રાજ્ય, ઉપભોગ, શયન, આસન, વાહનને વિશે તથા સ્ત્રી, ગંધ, માળા, મણિ, રત, આભૂષણોને વિશે મોહના કારણે અતિ અભિલાષ ઉત્પન્ન થાય છે. તેવા ધ્યાનને જ્ઞાનીઓ આર્તધ્યાન કહે છે. છેદવામાં, બાળવામાં, ભાંગવામાં, મારવામાં, બાંધવામાં, પ્રહાર કરવામાં, દમન કરવામાં, કાપવામાં જે રાજી થાય પણ અનુકંપા ન કરે તેવું જે ધ્યાન તેને જ્ઞાનીઓ રૌદ્રધ્યાન કહે છે. પ્રાયઃ કરીને ધાર્મિક લોકોને પણ વચ્ચે વચ્ચે અપધ્યાન થાય જ છે. પરંતુ તેઓ જ્ઞાનના બળથી ઉન્માર્ગે જતા એવા પણ પોતાના ચિત્તને સંયમિત કરીને ફરી સન્માર્ગમાં લાવે છે. જેઓ નિરંતર અપધ્યાનમાં પ્રવર્તે છે તેઓને તે અનર્થદંડ છે. ખેતી વગેરે કર્મ પાપનો હેતુ હોવાથી પાપ છે. તેનો દાક્ષિણ્યસ્થાન વિના જે ઉપદેશ આપવો તે પાપોપદેશ. હિંસ એટલે હણવાના સ્વભાવવાળા વિષ, અગ્નિ, હળ, શસ્ત્ર વગેરે. તેનું દાન એટલે દાક્ષિણ્ય વિના અસંયતોને આપવું તે હિંસદાન. મદ્ય વગેરે પ્રમાદ છે. તેનાથી અથવા તેનું આચરણ તે પ્રમાદાચરણ. તે સાત વ્યસન, જલક્રીડા, વૃક્ષની શાખા વગેરેને આશ્રયીને રહેલા હિંડોળા ઉપર હિંચકવું, કુકડા વગેરે જીવોને લડાવવા, કુશાસ્ત્રનો અભ્યાસ કરવો, વિકથા કરવી વગેરે સ્વરૂપ જાણવો. અથવા પ્રમાદાચરણ એટલે બધી જ જગ્યાએ આળસ કરવી. તે નહીં શોધેલા ઇંધન, ધાન્ય, જલ વગેરેને વાપરવાથી, ચૂલા ઉપર ચંદરવો નહીં બાંધવાથી, ઢાંક્યા વિનાનો દીવો, ફૂલો, ઘી- દહીં વગેરેના ભાજનને ધારણ કરવાથી સ્વ-પર જીવ ઉપઘાત વગેરે ઘણા અનર્થનું કારણ જાણવું.