________________
૧૪૪
આત્મપ્રબોધ નગરીમાં આવ્યો. ત્યાં તેની પીડાથી પીડાયેલા રાજાએ ઘણાં વૈદ્યોને બોલાવીને આની ચિકિત્સા કરાવી. પરંતુ કોઈ પણ રીતે પ્રહારો ન રુઝયા. ત્યારે રાજાએ ગુસ્સાપૂર્વક વૈદ્યોને પૂછ્યું. ત્યારે વૈદ્યોએ કાગડાનું માંસ ઔષધરૂપ બતાવ્યું. તે સાંભળીને વંકચૂલને ગાઢ આલિંગન કરીને જેની આંખમાંથી આંસુ વહી રહ્યા છે એવા રાજાએ આ પ્રમાણે કહ્યું: હે વત્સ ! તારી આપત્તિને છેદવા જે-જે ઉપચારો કર્યા તે બધા પણ મારા દુર્ભાગ્યથી નકામા ગયા. હવે એક કાગડાનું માંસ ઔષધ છે. તેને ગ્રહણ કર. જેથી તારું શરીર સારું થાય. તેણે કહ્યું: હે નાથ ! હું સર્વથા માંસ ભક્ષણથી નિવૃત્ત થયો છું. તેથી મારે કાગડાના માંસથી કોઈ કામ નથી. રાજાએ કહ્યું: હે વત્સ ! જીવતા માણસને ઘણા નિયમો હોય, પરંતુ મરણ આવે છતે બધા દૂર થાય છે. તેથી આનું ભક્ષણ કર. ત્યારે રાજાએ કહેલા વચનને સાંભળીને તેણે કહ્યું હે નાથ ! મને જીવવામાં જરા પણ તૃષ્ણા નથી. એક વખત અવશ્ય મૃત્યુ આવવાનું છે. તેથી જીવિત જતું હોય તો હમણાં જ જાઓ. પરંતુ આ અકાર્ય હું નહીં કરું.
ત્યાર પછી રાજાએ શાલિગામમાં રહેતા વંકચૂલના મિત્ર જિનદાસ શ્રાવકને બોલાવવા માટે પોતાના માણસને મોકલ્યો. તે પણ મિત્રના સ્નેહથી તરત ત્યાંથી ચાલ્યો. માર્ગમાં રડવામાં ઉદ્યત થયેલી દિવ્ય બે સ્ત્રીને જોઈને તમે કોણ છો ? કેમ રડો છો ?' એમ પૂછ્યું. તે બંનેએ કહ્યું અમે સૌધર્મ દેવલોકમાં રહેનારી દેવીઓ છીએ. પતિનું ચ્યવન થવાથી વિરહમાં વિઠ્ઠલ થયેલી વંકચૂલ નામના ક્ષત્રિયને પતિ થવાની પ્રાર્થના કરીએ છીએ. જો તે આજે તારા વચનથી નિયમને ભાંગશે તો તરત દુર્ગતિમાં જશે. તેથી હમણાં રડીએ છીએ. તેથી જિનદાસે કહ્યું તમે રડો નહીં. તમને જે ઈષ્ટ છે તે જ હું કરીશ. એ પ્રમાણે કહીને તે બંનેને આશ્વાસન આપીને તે શ્રાવક ઉજ્જયિની નગરીમાં આવ્યો. ત્યાં રાજાના આદેશથી મિત્રના ઘરે આવીને કુશલ સમાચાર પૂછવા પૂર્વક ઔષધિ વગેરેમાં પ્રવૃત્તિ કરતા તેણે તેને નિયમમાં અતિ સ્થિર જાણીને અને શરીરને જર્જરિત જોઈને રાજા વગેરે સર્વ લોક સમક્ષ કહ્યું: આને ધર્મ એ જ ઔષધ યુક્ત છે. આથી બીજી કોઈ પણ ઔષધિ આદિની પ્રવૃત્તિ ન કરવી. વંકચૂલે પણ કહ્યું: હે મિત્ર! જો તું મારા ઉપર સ્નેહને ધારણ કરે છે તો આળસને છોડીને મને અંતકાળનું ભાથું આપ. તેથી તેણે પણ સારી રીતે આરાધના કરાવી.
ત્યારે વંકચૂલ ચારે પ્રકારના આહારનું પચ્ચખાણ કરીને, ચાર શરણાનો સ્વીકાર કરીને, પંચ પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરતો, સર્વ જીવો વિશે મૈત્રીભાવને ધારણ કરતો, પૂર્વે કરેલા દુષ્કતોની નિંદા કરતો અને સુકૃતોની અનુમોદના કરતો સમાધિથી કાળ કરીને બારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાર પછી જિનદાસે તેની મરણ પછીની ક્રિયા કરીને ઘરે જતાં માર્ગમાં તે બંને પણ દેવીઓને પૂર્વની જેમ રડતી જોઈને પૂછ્યું: હે ભદ્રે ! હજી પણ તમે અહીં જ શા માટે વિલાપ કરો છો ? અખંડિતવ્રતવાળો તે અહીંથી મરીને શું તમારો પતિ નથી થયો ? ત્યારે તે બે દેવીઓએ નિસાસો નાખીને કહ્યું સ્વચ્છ આશય ! શું પૂછે છે ? તે તારો મિત્ર અંતે પરિણામની વિશુદ્ધિથી અમને ઓળંગીને બારમા દેવલોકમાં ગયો. આ સાંભળીને પરમ આનંદને પામેલો જિનદાસ મિત્રનું ધ્યાન કરતો અને શ્રી જિનધર્મની અનુમોદના કરતો પોતાના ઘરે ગયો. આ પ્રમાણે નિયમ પાલનમાં વંકચૂલનો વૃત્તાંત પૂર્ણ થયો. આ પ્રમાણે અલ્પ પણ અભક્ષ્ય ભક્ષણનો નિયમ મહા ફળવાળો છે એમ જાણીને ભવ્ય આત્માઓએ વિશેષથી તેનું પાલન કરવામાં તત્પર થવું જોઈએ. (૫૦)