________________
૧૪૨
આત્મપ્રબોધ
વાણીનો મહિમા ! અલ્પ પણ તે વાણીથી હું હમણા જીવતો બચ્યો. નિર્ભાગ્ય એવા મેં કલ્પવૃક્ષની જેમ સર્વ ઈષ્ટ સિદ્ધિને કરનારો, અકસ્માત્ ઉપસ્થિત થયેલો ગુરુની વાણીનો વિસ્તાર ફોગટ જ ગુમાવ્યો. ઈત્યાદિ ચિત્તમાં વિચારતો તે પલ્લીપતિ હર્ષ અને વિષાદની સાથે રાત્રિમાં પોતાની પલ્લીમાં આવ્યો. ત્યાં પોતાના ઘરના ચરિત્રને જોવા માટે છૂપી રીતે ઘરની અંદર પ્રવેશીને દીવાના પ્રકાશથી પુરુષના વેષવાળી પોતાની બહેનની સાથે સૂતેલી પોતાની પત્નીને જોઈને વિચાર્યું: “આ મારી સ્ત્રી દુરાચારિણી છે. આ કોઈક દુરાચારી માણસ છે. દુષ્ટ આ બંનેને તરત મારું.” આ પ્રમાણે વિચારીને એક પ્રહારથી તે બંનેને મારવા માટે જેટલામાં તલવારને ઉપાડી તેટલામાં એને બીજો નિયમ યાદ આવ્યો. ત્યારે સાત ડગલા પાછળ ખસતા, ક્રોધથી આકુળ થયેલા તેની તલવાર દરવાજામાં અથડાઈ. ત્યારે તલવારના ખકાર શબ્દથી તરત જાગેલી પુષ્પચૂલા “હે ભાઈલાંબુ જીવ' એ પ્રમાણે બોલી. તેથી બહેનને જાણીને અતિ લજ્જા પામેલા, તલવારની સાથે ગુસ્સાને સંકોચતા તેણે તેને પુરુષ વેષ પહેરવાનું કારણ પૂછયું. તેણીએ પણ કહ્યું: હે ભાઈ ! આજે સાંજે તને જોવા નટના વેષને ધારણ કરનારા તારા શત્રુના ગુપ્તચરો આવેલા હતા. ત્યારે મેં વિચાર્યું ભાઈ તો સપરિવાર ક્યાંય ગયો છે. જો આ પણ આ જાણશે તો આ અનાથ પલ્લીનો શત્રુઓ પરાભવ કરશે તેથી કોઈપણ ઉપાય કરવો જોઈએ. આ પ્રમાણે વિચારીને હું કપટથી તારા વેષને ધારણ કરનારી થઈને સભામાં બેસીને તેઓને નૃત્ય કરાવીને ક્ષણમાં યથાયોગ્ય ધન આપી વિસર્જન કરી આળસથી પુરુષના વેષને ઉતાર્યા વિના જ ભાભીની સાથે સુતી. આ વૃત્તાંતને સાંભળીને ગુરુકૃપાથી હું બહેન વગેરેની હત્યાના પાપથી બચી ગયો એમ વિચારતા વંકચૂલે વિશેષથી ગુરુની વાણીની પ્રશંસા કરી.
હવે એક વખત ચોરી માટે તે ઉજ્જયિની નગરીમાં ગયો. ત્યાં અર્ધી રાત્રિએ કોઈપણ ધનિક વણિકના ઘરમાં પ્રવેશ્યો. પરંતુ કોડીના વ્યયની ભ્રાંતિથી પુત્ર સાથે વિવાદ કરતા ગૃહપતિને જોઈને આવા લોકોના ધનને ધિક્કાર થાઓ. એ પ્રમાણે વિચારતો ત્યાંથી નીકળી ગયો. ત્યાર પછી લોક પાસેથી થોડું થોડું માગીને અલ્પ ભેગી કરેલી સંપત્તિવાળા બ્રાહ્મણોના ધનથી પણ સર્યું. એ પ્રમાણે વિચારીને તેઓના ઘરોનો પણ ત્યાગ કર્યો. ત્યારપછી જે અલ્પ પણ ધનની ઈચ્છાથી પોતાના રમણીય શરીરની પણ અપેક્ષા રાખ્યા વિના કોઢિયાને પણ સેવે છે તે વેશ્યાઓના ધનથી પણ મારે કાંઈ કામ નથી. એ પ્રમાણે વિચારીને તેઓના ઘરોને પણ છોડીને રાજાના દ્વારની નજીકમાં આવીને વિચાર્યું: જો ચોરી કરવી જ છે તો રાજાને જ લૂંટવો. જો તે ફળે એટલે કે ચોરવાનું સફળ થાય તો અફીણ ધનની પ્રાપ્તિ થાય, અને જો ન ફળે તો પણ (રાજાને ત્યાં પણ ચોરી કરવા ગયો એમ) યશ લાંબો કાળ સુધી રહે છે.
આ પ્રમાણે વિચારીને વનમાંથી ગોધા (ઘો નામના પ્રાણી)ને લાવીને તેની પુચ્છમાં લાગેલો રાજાના મહેલના અગ્રભાગ ઉપર ચઢીને આવાસભવનમાં પ્રવેશ્યો. ત્યાં અદ્ભુતરૂપને ધારણ કરનારી રાજાની પટ્ટદેવીએ તેને જોયો. તેણીએ કહ્યું: તું કોણ છે? અહીં શા માટે આવ્યો છે ? તેણે કહ્યું હું ચોર છું. ઘણા મણિ, રત વગેરે દ્રવ્યને ઈચ્છતો અહીં આવ્યો છું. ત્યાર પછી તેના રૂપમાં લુબ્ધ થયેલી રાણીએ મૃદુવાણીથી કહ્યું સૌમ્ય ! દ્રવ્યની શું વાત કરવી? આ બધું તારું જ છે. તે