________________
આત્મપ્રબોધ
શીલગુણથી સ્પર્શાયેલ સ્ત્રીને કે પુરુષને નિઃશંકપણે નમસ્કા૨ ક૨ અને શીલગુણથી ભ્રષ્ટ થયેલા સ્ત્રીને કે પુરુષને જલદીથી છોડી દે. (૩૭) હવે દુઃશીલતાના ફળને બતાવે છે—
૧૨૮
पंडुत्तं पंडत्तं, दोहग्गमरूवया य अबलत्तं ।
दुस्सीलयालयाए, इणमो कुसुमं फलं नरओ ॥ ३८ ॥
પાંડુત્વ, પંડત્વ, દૌર્ભાગ્ય, અરૂપતા, અને અબલત્વ એ દુઃશીલતારૂપી વૃક્ષનું ફૂલ છે. એનું ફળ તો નરક છે. પાંડુત્વ એટલે કોઢ અથવા પાંડુરોગ. પંડત્વ એટલે બાયલાપણું. (૩૮) હવે સુશીલતાનું ફળ બતાવે છે–
अरुग्गं सोहग्गं, संघयणं रूवमाउबलमडलं ।
अन्नं पि किं अदिज्जं सीलव्वयकप्परुक्खस्स ॥ ३९ ॥
આરોગ્ય, સૌભાગ્ય, અતુલ સંઘયણ, રૂપ, આયુષ્ય, બળ, આ બધું શીલવ્રતરૂપ કલ્પવૃક્ષનું ફળ છે. શીલવ્રતરૂપી કલ્પવૃક્ષને બીજું પણ શું આપવા યોગ્ય નથી. અર્થાત્ શીલવ્રતરૂપી કલ્પવૃક્ષ બધું જ આપે છે. (૩૯)
હવે ચોથા વ્રતને દૃષ્ટાંતથી વર્ણવે છે—
चालणिजलेण चंपा, जीए उग्घाडियं कवाडतिअं ।
कस्स न हरेइ चित्तं, तीए चरिअं सुभद्दाए ॥ ४० ॥
જે પ્રમાણે સુભદ્રાએ ચાલણીથી કૂવામાંથી પાણીને ખેંચીને તે પાણીથી ચંપાનગરીના ત્રણ કપાટ ઉઘાડ્યા. તેનું ચરિત્ર કયા પુરુષના ચિત્તને હરણ નથી કરતું ? બધાના પણ ચિત્તને હરણ કરે છે. આ બધું શીલનું જ માહાત્મ્ય જાણવું. અહીં સુભદ્રાનો વૃત્તાંત આ પ્રમાણે છે
સુભદ્રાની કથા
વસંતપુરમાં જિનદાસ નામનો શ્રાવક રહેતો હતો. તેની અત્યંત શીલપ્રિય જિનમતી નામની પતી હતી. તેઓને સુભદ્રા નામની પુત્રી હતી. તે બાલપણાથી જ શુદ્ધ સમ્યક્ત્વને ધારણ કરનારી મહાશ્રાવિકા હતી. તેના રૂપમાં મોહ પામેલા ઘણા મિથ્યાત્વી વણિક પુત્રોએ માગી હોવા છતાં પણ કાગડાઓને દૂધની જેમ મિથ્યાત્વી એવા તેઓને જિનદાસે ન આપી. કોઈ વખત બૌદ્ધધર્મમાં વિશારદ બુદ્ધદાસ નામનો વણિકપુત્ર વેપાર માટે ચંપા નગરીથી ત્યાં આવ્યો. વ્યાપાર માટે શ્રેષ્ઠિના ઘરે આવેલા તેણે તે સુભદ્રાને જોઈને પાણિગ્રહણ માટે માગી. પરંતુ તેના પિતાએ તે મિથ્યાર્દષ્ટિ હોવાના કારણે તેને ન આપી. ત્યારે કન્યાનો અર્થી તે દંભથી જૈન મુનિની સેવા કરવા દ્વારા શ્રાવક આચારને શીખીને કપટી શ્રાવક થયો. શ્રદ્ધા વિના પણ નિત્ય દેવપૂજા, સાધુસેવા, આવશ્યક આદિ ધર્મકાર્યોને કરતો તે રહ્યો. તેથી તેને જિનદાસની સાથે મૈત્રી થઈ. ત્યારે શ્રેષ્ઠીએ મિત્ર હોવાના કારણે અને સાધર્મિક હોવાના કારણે તેને સુભદ્રા પરણાવી.