________________
૧૦૨
આત્મપ્રબોધ
(૨) જીવ નિત્ય છે. તે જીવ ઉત્પત્તિ અને વિનાશથી રહિત છે. કેમકે ઉત્પન્ન કરનારું કોઈ કારણ દેખાતું નથી. તેથી સર્વથા વિનાશનો પણ યોગ નથી. જીવ જો અનિત્ય હોય તો બંધ-મોક્ષ આદિનું એક અધિકરણપણું ન થાય તે આ પ્રમાણે- જો આત્માને નિત્ય સ્વીકારવામાં ન આવે પરંતુ પૂર્વાપરક્ષણત્રુટિતાનુસંધાન સ્વરૂપ જ સ્વીકારવામાં આવે તો અન્યને બંધ થાય અને અન્યનો મોક્ષ થાય. અન્યને ભૂખ લાગે ને અન્યને તૃપ્તિ થાય. અનુભવ કરનારો અન્ય હોય અને યાદ કરનારો અન્ય હોય. ચિકિત્સાના દુઃખને અન્ય અનુભવે અને વ્યાધિથી મુક્ત અન્ય થાય. તપના ક્લેશને અન્ય સહન કરે અને અન્ય સ્વર્ગના સુખને અનુભવે. શાસ્ત્ર અભ્યાસ અન્ય કરે અને શાસ્ત્રના અર્થને અન્ય પ્રાપ્ત કરે. આ પ્રમાણે અતિપ્રસંગ આવતો હોવાથી આ યુક્ત નથી. આ કહેવા દ્વારા બોદ્ધસિદ્ધાંતરૂપી અંધકારનો નાશ કર્યો.
(૩) જીવ કર્મનો કર્તા છે. વળી તે જીવ મિથ્યાત્વ- અવિરતિ- કષાય આદિ કર્મબંધના કારણોથી યુક્ત હોવાથી તે તે કર્મોને કરે છે. જો તેમ માનવામાં ન આવે તો દરેક જીવમાં પ્રસિદ્ધ વિચિત્ર સુખ દુઃખ આદિનો અનુભવ ઘટી શકે નહીં. તે આ પ્રમાણે- લોકમાં વિચિત્ર સુખ અથવા દુઃખનો અનુભવ જીવ કરે છે. આ વિચિત્ર સુખ-દુઃખનો અનુભવ નિષ્કારણ નથી. શાથી? હંમેશા સુખ-દુઃખના અનુભવના સદ્ભાવના અભાવનો પ્રસંગ આવે. તેથી આ સુખ-દુઃખના અનુભવનું કારણ સ્વકૃત કર્મ જ છે, એ સિવાય બીજું કશું નથી. આ પ્રમાણે કર્મનો કર્તા જીવ સિદ્ધ થયો. આ કહેવા દ્વારા કપિલમતની કલ્પના દૂર કરાઈ.
પ્રશ્ન- આ જીવ હંમેશા સુખનો જ અભિલાષી છે. પરંતુ ક્યારે પણ પોતાના દુઃખને ઈચ્છતો નથી. તેથી જો આ સ્વયં જ કર્મનો કર્યા છે તો પણ દુઃખરૂપી ફળને આપનારા કર્મો કેમ કરે છે?
ઉત્તર- જે પ્રમાણે રોગી રોગની નિવૃત્તિને ઈચ્છતો હોવા છતાં પણ રોગથી અભિભૂત થયો હોવાથી અને અપથ્યક્રિયાથી ઉત્પન્ન થનારા ભાવી કષ્ટને જાણતો હોવા છતાં અપથ્ય ક્રિયાને સેવે છે, તેની જેમ આ જીવ પણ મિથ્યાત્વ આદિથી અભિભૂત થયો હોવાથી કંઈક જાણતો હોવા છતાં પણ દુઃખરૂપી ફળને આપનારા કર્મો કરે છે. આ પ્રમાણે કંઈ દોષ નથી.
(૪) જીવ કર્મનો ભોક્તા છે. તે જીવ સ્વયં કરેલા શુભાશુભ કર્મને વેદે છે = ભોગવે છે. અનુભવ, લોક અને આગમ પ્રમાણથી તે જ પ્રમાણે ઘટે છે. તે આ પ્રમાણે
જો સ્વકૃત કર્મફળના ભોક્તા રૂપે જીવને સ્વીકારવામાં ન આવે તો સુખ-દુઃખના અનુભવનું કારણ સાતા-અસાતા વેદનીય કર્મનો ઉપભોગ પણ નહીં થાય, અને એમ થશે તો સિદ્ધ અને આકાશની જેમ જીવને સુખ-દુઃખનો અનુભવ પણ નહીં થાય. સુખ-દુઃખનો અનુભવ દરેક પ્રાણીમાં સ્વસંવેદન પ્રમાણથી સિદ્ધ છે. તેથી અનુભવ પ્રમાણથી જીવનું સ્વકૃત કર્મફળનું ભોક્તાપણું સિદ્ધ થયું. તથા લોકમાં પણ આ જીવ પ્રાયઃ ભોક્તા સિદ્ધ છે. કારણ કે કોઈક સુખી પુરુષને જોઈને લોકમાં કહેનારા હોય છે કે આ પુણ્યવાન છે, જે આવા પ્રકારના સુખને અનુભવે છે.