________________
૯૬
આત્મપ્રબોધ
કોઈક વખત મિથ્યાત્વી બ્રાહ્મણોના સમૂહથી પ્રેરાયેલા રાજાએ યજ્ઞ કરવાની શરૂઆત કરી. તેમાં યજ્ઞ કરનારાઓ વડે હોમ માટે અગ્નિમાં નખાતા, પોકાર કરતા બકરાને જોઈને રાજાએ ધનપાલને પૂછયું: અહો ! આ બકરો શું કહી રહ્યો છે? તેણે કહ્યું: હે રાજન્ ! જે આ કહે છે તે સાંભળો
नाहं स्वर्गफलोपभोगरसिको नाभ्यर्थितस्त्वं मया, सन्तुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव । स्वर्गे यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो, यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः ? ॥ १ ॥
સ્વર્ગના ફળનો ઉપભોગ કરવામાં હું રસિક નથી. એ માટે તું પ્રાર્થના કરાયો નથી. તૃણ ભક્ષણથી સતત હું સંતુષ્ટ છું. સજ્જન એવા તને આ યોગ્ય નથી. જો યજ્ઞમાં તારા વડે હણાયેલા જીવો નક્કી સ્વર્ગમાં જાય છે તો માતા-પિતા, પુત્રો તથા બાંધવાથી યજ્ઞ કેમ કરતો નથી?
આ પ્રમાણે સાંભળીને રાજા અંદરથી ગુસ્સે થયેલો મૌન ધારણ કરીને રહ્યો. હવે એક વખત રાજાએ મોટું સરોવર કરાવેલું હતું. તેને વર્ષાકાળમાં નિર્મળ જળથી ભરાઈ ગયેલું સાંભળીને પાંચસો પંડિતો આદિ પરિવારની સાથે તેના દર્શન કરવા માટે ગયો. ત્યાં પંડિતો પોતપોતાની બુદ્ધિ અનુસારે નવાં કાવ્યો બનાવીને સરોવરનું વર્ણન કર્યું. ધનપાલ તો મૌન ધારણ કરીને રહ્યો. તેથી રાજાએ ધનપાલને કહ્યું. તું પણ સરોવરનું વર્ણન કર. ત્યારે તેણે કાવ્ય કહ્યું -
एषा तडागमिषतो बत दानशाला, मत्स्यादयो रसवती प्रगुणा सदैव । पात्राणि यत्र बकसारसचक्रवाकाः, पुण्यं कियद्भवति तत्र वयं न विद्यः ॥ १॥
અર્થ-આ સરોવરના બહાનાથી ખરેખર ! દાનશાળા છે. જેમાં હંમેશા જ માછલા વગેરે રસોઈ તૈયાર છે. બગલા, સારસો, ચક્રવાકો ખાનારા પાત્ર છે. ત્યાં પુણ્ય કેટલું થાય છે તે અમે જાણતા નથી.
આ ધનપાલના વચનને સાંભળીને રાજાએ અત્યંત ગુસ્સે થઈને ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યું “અહો ! આ મહાદુષ્ટ છે. મારી કીર્તિનું કારણ એવું આ સરોવર આની દૃષ્ટિને પણ સુખ આપતું નથી.'
વળી બીજું- આવાં વચનોથી ઓળખાયેલો આ મારો મોટો દ્વેષી છે. જો દ્વેષી ન હોય તો જે પર એવા બ્રાહ્મણોથી વખાણાયું તેની મારો પોતાનો માણસ નિંદા કેમ કરે ? હવે હું જ આનો પ્રતિકાર કરીશ. ત્યાં બીજા પ્રતિકારોથી સર્યું. કેવલ આની આંખોને જ દૂર કરું. આ પ્રમાણે મનમાં વિચારીને મૌન થઈને રહેલો રાજા ત્યાંથી ઊભો થઈને જેટલામાં રાજધાનીના ચોકમાં આવ્યો તેટલામાં જેનો હાથ કન્યાએ પકડેલો છે એવી એક વૃદ્ધા સન્મુખ આવી. તેણીને જોઈને રાજાએ કહ્યુંઃ હે વિદ્વાનજનો ! સાંભળો. કર કંપાવે છે, શિર ધૂણાવે છે એવી આ બુઢી શું કહે છે ? આ પ્રમાણે સાંભળીને કોઈક પંડિતે કહ્યું: યમના સુભટો હાંકી રહ્યાં છે ત્યારે આ ના, ના એમ કહે છે. ત્યારે અવસરને જાણનારા વિદ્વાન ધનપાલે કહ્યું: હે રાજન્ ! આ વૃદ્ધા જે કાંઈ કહે છે તે સાંભળો.