________________
પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ
ધનપાલને પૂછ્યુંઃ તેં દેવપૂજા કરી ? તેણે કહ્યું: હે મહારાજ ! સારી રીતે કરી. રાજાએ કહ્યું: ભવાનીની પૂજા કર્યા વિના જ ચકિત થયેલો તેના મંદિરમાંથી કેમ બહાર નીકળી ગયો ? તેણે કહ્યુંઃ લોહીથી ખરડાયેલા હથિયાર જેના હાથમાં હતા, લલાટ તટ ઉપર જેણે ભ્રકૃટી કરી હતી, પાડાની મર્દનક્રિયા જે કરતી હતી, આવી ભવાનીને જોઈને ભય પામેલો હું તરત બહાર નીકળી ગયો. હમણાં યુદ્ધનો સમય છે પણ પૂજાનો સમય નથી એ પ્રમાણે વિચારીને તેની પૂજા પણ ન કરી. ફરી રાજાએ પૂછ્યુંઃ મહાદેવની પૂજા કેમ ન કરી ? તેણે કહ્યું:
अकण्ठस्य कण्ठे कथं पुष्पमाला ?, विना नासिकायाः कथं गन्धधूपः ?, अकर्णस्य कर्णे कथं गीतनादा ?, अपादस्य पादे कथं मे प्रणामः ? ॥ १ ॥
૯૫
અર્થ- કંઠ વિના કંઠમાં કેવી રીતે પુષ્પમાળા ચઢાવવી ? નાસિકા વિના કેવી રીતે ગંધૂપ કરવો ? કર્ણ વિના કર્ણમાં કેવી રીતે ગીતનાદો કરવાં ? પગ વિના પગમાં કેવી રીતે મારે પ્રણામ કરવાં ?
ફરી રાજાએ કહ્યું: વિષ્ણુની પૂજા કર્યા વિના તેની સન્મુખ વજ્ર મૂકીને તું જલદીથી કેમ બહાર નીકળી ગયો ? ધનપાલે કહ્યુંઃ પોતાની સ્ત્રીને ખોળામાં ધારણ કરીને તે રહેલો હતો ત્યારે મેં વિચાર્યું કે- હમણાં આ અંતઃપુરમાં રહેલા છે આથી આ પૂજાનો સમય નથી. જે કોઈ સામાન્ય પણ માણસ જ્યારે પોતાની સ્ત્રીની નજીકમાં રહેલો હોય છે ત્યારે સત્પુરુષ તેની નજીક જતો નથી. આ તો ત્રણ ખંડના સ્વામી છે. આથી હમણાં આની પાસે મારે જવું યોગ્ય નથી. એ પ્રમાણે વિચારીને દૂરથી જ પાછો વળીને ચોકમાંથી જતાં પણ માણસોની દષ્ટિપાતનું વારણ કરવા માટે તેની સન્મુખ મેં વસ્ત્ર મૂક્યું. ફરી રાજાએ કહ્યું: મારી આજ્ઞા વિના જ તેં ઋષભ દેવની પૂજા કેમ કરી ? તેણે કહ્યુંઃ રાજન્ ! આપે દેવપૂજા કરવાની આજ્ઞા આપી હતી. અને દેવપણું તો ઋષભદેવ સ્વામીમાં જ મેં જોયું. આથી તેની જ પૂજા કરી. તે દેવપણાના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે છે
प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः ।
करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवन्ध्यं तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ १॥
અર્થ- તારી (બે) આંખો પ્રશમરસમાં નિમગ્ન છે, તારું વદનકમલ પ્રસન્ન છે. તારું અંગ કામિનીના સંગથી શૂન્ય છે. તારા બે હાથો પણ શસ્ત્રના સંબંધથી રહિત છે. તેથી જગતમાં વીતરાગ એવો તું જ દેવ છે.
ફરી ધનપાલે કહ્યું: હે રાજન ! જે રાગ-દ્વેષથી યુક્ત છે તે દેવ નથી. તેમાં દેવત્વનો અભાવ હોવાથી એમાં સંસારથી તા૨વાપણું પણ નથી. દેવ તો સંસારથી તારનારા જ હોય છે. તેવા પ્રકારના દેવ તો લોકમાં એક શ્રી જિનરાજ જ છે. આથી બુદ્ધિશાળીએ મુક્તિ માટે તેને જ સેવવો જોઈએ. આ પ્રમાણે વિવિધ યુક્તિથી યુક્ત ધનપાલના વચનને સાંભળીને કુદેવમાં સંદિગ્ધચિત્તવાળા થયેલા ભોજરાજાએ તેની પ્રશંસા કરી.