________________
પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ
ત્યાર પછી પોતાનો સાધર્મિક થવાથી તેનું બહુમાન કરીને મહાન આડંબરથી રાજા તેને ઘરે લઈ ગયો. ત્યારે આનંદિત થયેલા સર્વ લોકે પણ પગલે પગલે રાજાના ગુણ ગાયા. આ પ્રમાણે પદ્મશેખર રાજા ઘણા ભવ્યજીવોને જિનધર્મમાં સ્થાપીને દ૨૨ોજ સદ્ધર્મના મહિમાને વિસ્તારીને, લાંબા કાળ સુધી રાજ્યનું પાલન કરીને શ્રેષ્ઠ આસ્તિક્યનું જેણે આરાધન કર્યું છે એવો તે દેવલોકમાં ઉત્પન્ન થયો. આ પ્રમાણે આસ્તિક્ય ઉપર પદ્મશેખર રાજાનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ ચરિત્રને ભવ્યજીવોએ સારી રીતે પોતાના હૃદયમાં પરિભાવન કરીને આસ્તિક્યમાં વિશેષથી યત્ન કરવો જોઈએ. જેથી સુખેથી મુક્તિની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે આસ્તિક્ય નામનું પાંચમું લક્ષણ કહ્યું. આ ઉપશમ વગેરે પાંચ સમ્યક્ત્વનાં લક્ષણો છે. આ લક્ષણોથી બીજામાં રહેલું પરોક્ષ સમ્યક્ત્વ સારી રીતે જણાય છે.
૯૧
યતના-૬
હવે છ પ્રકારની યતના કહેવામાં આવે છે- અન્યદર્શનીઓને વંદન-નમસ્કાર ન કરવા, અન્યદર્શનીઓની સાથે આલાપ-સંલાપ ન કરવા, અન્યદર્શનીઓને આહાર વગેરેનું દાન ન કરવું, અન્યદર્શનીઓના દેવની અને અન્યદર્શનીઓએ ગ્રહણ કરેલાં અરિહંતબિંબોની પૂજા ન કરવી એમ છ પ્રકારની યતના છે.
(૧)પરતીર્થિકાદિ વંદન-(૨) નમસ્કાર- પરતીર્થિકો એટલે પરિવ્રાજક, ભિક્ષુ, ભૌત સાધુ વગેરે ૫રદર્શનવાળા. આદિ શબ્દથી રુદ્ર, વિષ્ણુ, સુગત વગેરે પરતીર્થિક દેવો સમજવા. તથા અરિહંત પ્રતિમા સ્વરૂપ સ્વપક્ષના દેવ પણ દિગંબર આદિ કુતીર્થિકોએ સ્વીકારેલા હોય, અથવા ભૌતિક આદિએ ગ્રહણ કરેલા મહાકાલ વગે૨ે, તે બધાને વંદન કરવું એટલે કે તેમની સ્તવના કરવી, તેમને નમસ્કાર કરવા એટલે કે મસ્તકથી અભિવાદન કરવું. આ બંને પણ સમ્યગ્દષ્ટિઓએ ન કરવું જોઈએ. જો તેમ કરવામાં આવે તો તેના ભક્તોને મિથ્યાત્વ વગેરેમાં સ્થિર કરવાનું થાય. પ્રવચન સારોદ્વારની વૃત્તિમાં તો વંદન એટલે મસ્તકથી અભિવાદન અને નમસ્કાર એટલે પ્રણામપૂર્વક પ્રશસ્ત ધ્વનિથી ગુણોનું ઉત્કીર્તન એ પ્રમાણે કહ્યું છે. અને બીજી જગ્યાએ તો આ પ્રમાણે દેખાય છે કે
वंदणयं करजोडण, सिरनामण पूयणं च इह नेयं । वायाइ नमुक्कारो, नमंसणं मणपसाओ य ॥ १॥
અર્થ- હાથ જોડવા, મસ્તક નમાવવું, પૂજન કરવું એ વંદન જાણવું. અને વાણીથી નમસ્કાર કરવો અને મનની પ્રસન્નતા એ નમસ્કાર જાણવો.
(૩-૪) આલાપ- સંલાપ- જો પરતીર્થિકોએ પહેલાં બોલાવ્યા ન હોય તો સમ્યગ્દષ્ટિએ તેઓની સાથે આલાપ એટલે કે અલ્પ વાતચીત અને સંલાપ એટલે કે વારંવાર વાતચીત તે બંનેનો પણ ત્યાગ કરવો જોઈએ. કારણ કે તેઓની સાથે વાતચીત કરવામાં તેઓની સાથે પરિચય થાય. ત્યાર પછી કેટલાકને તેઓના વિનષ્ટ આચારને સાંભળવાથી મિથ્યાત્વ વગેરેનો ઉદય પણ થાય. જો તેઓએ પહેલાં બોલાવ્યા હોય તો સંભ્રમ વિના લોક અપવાદના ભયથી કંઈક થોડી વાતચીત કરે પણ.