________________
૯૦
આત્મપ્રબોધ
પછી એક વખત અવસર જાણીને રાજાનું આભરણ વિજયના રતકરંડિયામાં નાખીને રાજાને સર્વ વૃત્તાંત જણાવ્યો. ત્યાર પછી રાજાએ નગરમાં આ પ્રમાણે ત્રણ વાર ઉઘોષણા કરાવી. હે લોકો ! સાંભળો. આજે એક મહામૂલ્ય રાજાનું આભરણ જડતું નથી. તેથી કોઈએ પણ જો તે ગ્રહણ કર્યું હોય તો જલદી પાછું આપી દેવું. જો તેમ નહીં કરે અને પાછળથી પણ ખબર પડશે તો ગ્રહણ કરનારને મહાદંડ થશે. આ પ્રમાણે ઉદ્ઘોષણા કરાવીને નગરના બધા લોકોના ઘરની તપાસ કરવા માટે પોતાના સેવકોને આદેશ કર્યો. ત્યાર પછી ઘરની શોધ કરતા તેઓએ વિજયના ઘરમાં રતકરંડિયામાં રહેલા રાજાના રનના આભરણને જોઈને પૂછયુંઃ હે ! આ શું છે? તેણે કહ્યું: હું જાણતો નથી. ફરી તેઓએ કહ્યું: હે ! જાતે જ આ આભરણને ચોરીને હું જાણતો નથી એમ કેમ કહે છે ? ત્યારે વિજય ભયથી કંઈપણ બોલવા માટે અસમર્થ થયેલો મૌન ધારણ કરીને રહ્યો. ત્યાર પછી તેઓ પણ તેને બંધનોથી ગાઢ બાંધીને રાજાની આગળ લાવ્યા. રાજાએ “તમારે આનો વધ ન કરવો.” એ પ્રમાણે ગુપ્ત રીતે આદેશ કરીને સભા સમક્ષ “આ ચોર છે આથી આ મારવા યોગ્ય છે એ પ્રમાણે કહીને મારાઓને સોંપ્યો. ત્યારે તેના સ્વજન સંબંધી વગેરે બધાય લોકો જુએ છે પરંતુ પ્રત્યક્ષ જ ચોર જાણીને કોઈ પણ તેને છોડવતા નથી. ત્યાર પછી જીવિતથી નિરાશ થયેલા વિજયે દીન વચનોથી યક્ષને કહ્યું: હે મિત્ર ! તું કોઈ પણ રીતે રાજાને પ્રસન્ન કરીને કોઈ પણ પ્રચંડ દંડથી પણ મને જીવન અપાવ. ત્યારે યક્ષે પણ તેના વચનને અવધારીને વિનંતી કરી. તે સ્વામી ! યથાયોગ્ય દંડ કરીને આ મારા મિત્રને છોડો અને સકલ કલ્યાણનું આશ્રય એવું જીવન આપો. ત્યાર પછી રાજા જાણે ગુસ્સે થયો હોય તેમ ક્રૂર દૃષ્ટિ કરીને બોલ્યોઃ જો આ મારા ઘરેથી તેલથી ભરેલા પાત્રને લઈને બિંદુ જેટલું પણ ભૂમિ ઉપર પાડ્યા વિના આખાય નગરમાં ભમીને તે પાત્રને મારી આગળ મૂકે તો એના જીવનનું રક્ષણ કરું. બીજી રીતે નહીં. આ આદેશ યક્ષે વિજય આગળ કહ્યો. મરણના ભયથી ભય પામેલા વિજયે પણ પોતાના જીવન માટે તે બધુંય સ્વીકાર્યું.
ત્યાર પછી પદ્મશેખર રાજાએ પોતાના નગરના બધાય લોકોને બોલાવીને આ પ્રમાણે આદેશ કર્યો. તે લોકો ! આજે નગરની અંદર સ્થાને સ્થાને વીણા, વેણુ, મૃદંગ વગેરે વિવિધ વાજિંત્રો વગાડો તથા અતિ મનોહર રૂપને ધારણ કરનારી વેશ્યાઓના ગણને દરેક ઘરમાં નચાવો. લોકોએ પણ રાજાની વાણીથી તે પ્રમાણે જ કર્યું. પણ મરણના ભયથી વિજયે ઇંદ્રિયના વિકારોને રોકીને, મનને કાબૂમાં રાખીને તે તેલથી ભરેલા પાત્રને સકલ પણ નગરમાં ભમાવીને પાછો રાજાની સભામાં આવીને તે પાત્ર પ્રયતથી રાજાની આગળ મૂકીને રાજાને પ્રણામ કર્યા. ત્યાર પછી રાજાએ કંઈક હસીને વિજયને કહ્યું: હે વિજય ! આ ગીત નૃત્ય વગેરે અત્યંત પ્રવર્તતા હોવા છતાં વિજળી જેવા ચંચળ મન અને ઇન્દ્રિયને તે કેવી રીતે રોક્યા ? નમીને તેણે કહ્યું: હે સ્વામી ! મરણના ભયથી રોક્યા. કહ્યું છે કે- “મરણ સમાન ભય નથી.” ત્યાર પછી રાજાએ કહ્યું: હે વિજય ! વિષયમાં તૃષાવાળા તેં જો એક ભવના મરણના ભયથી આ પ્રમાણે પ્રમાદને મારી હટાવ્યો તો પછી અનંતભવ ભ્રમણના ભીરુ, તત્ત્વને જાણનારા મુનીશ્વરો અનંત અનર્થને ઉત્પન્ન કરનારા પ્રમાદને કેવી રીતે સેવે ? રાજાના આ વચનને સાંભળીને મોહનો ઉદય જેનો ચાલ્યો ગયો છે.એવો તે વિજય પણ જિનધર્મના પરમાર્થને જાણનારો થયો અને શ્રાવક ધર્મને સ્વીકાર્યો.