________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૮૯
પાશેખર રાજાની કથા આ જંબૂદ્વીપમાં, ભરતક્ષેત્રમાં પૃથ્વીપુર નામનું નગર છે. તેમાં પધશેખર નામનો રાજા રાજ્ય કરે છે. એક વખત તે નગરના નજીકના ચૈત્યમાં ઘણા સાધુઓથી પરિવરેલા શ્રી વિનયંધર સૂરિ સમોસર્યા. ઘણા લોકોથી યુક્ત રાજા તેમને વંદન કરવા ગયો. ગુરુએ સકલ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારે પદ્મશેખર રાજાએ શ્રી ગુરુની પાસેથી સારી રીતે જીવાદિ તત્ત્વના પરમાર્થને જાણીને વજલેપની જેમ પોતાના હૃદયમાં ધારણ કર્યો. બીજા પણ ઘણા ભવ્ય જીવોએ સમ્યકત્વરને પ્રાપ્ત કર્યું. ત્યાર પછી સર્વ પણ રાજા વગેરે લોક ગુરુને નમન કરીને પોતાના સ્થાને ગયો. ગુરુ પણ ત્યાંથી વિહાર કરીને બીજા સ્થળે ગયા.
હવે પધશેખર રાજા શ્રી જિનોક્તતત્ત્વમાં પરમ આસ્તિક્યને ધારણ કરતો સુખેથી કાળ પસાર કરે છે. તથા જે કોઈ પણ મંદબુદ્ધિવાળો શઠ જીવાદિ તત્ત્વને માનતો નથી તે પુરુષને જેમ શ્રેષ્ઠ સારથિ વૃષભને દમીને સન્માર્ગે લાવે તેમ દમીને સન્માર્ગે લાવે છે. રાજા સભામાં ઘણા પ્રકારે બધા લોકોની આગળ ભક્તિરાગથી ગુરુના ગુણોની પ્રશંસા કરે છે. તે આ પ્રમાણે- લોકો ! તમે સાંભળો. આ લોકમાં મમત્વથી રહિત, જીવદયાની પ્રરૂપણા કરનારા, દુષ્ટ વાદીગણને જીતનારા, કષાય વગરના, નિરુપમ ઉપશમ રસના સમૂહથી ભરેલા હૃદયવાળા, રાગ-દ્વેષથી મૂકાયેલા, સંસારથી ' વિરાગ પામેલા, જેમનો કામ વિકાર નાશ પામ્યો છે એવા, સિદ્ધિરૂપી રમણીની સેવા કરનારા, સકલ દ્રવ્યનો ત્યાગ કરનારા, શ્રેષ્ઠ ચારિત્ર રતને ધારણ કરનારા, સર્વ જીવો વિશે કરુણા કરવામાં તત્પર થયેલા, દુર્ધર પ્રમાદરૂપી હાથીનો નાશ કરવામાં સિંહ સમાન, આવા પ્રકારના ગુરુ હોય છે. જે જીવો ખરેખર મનુષ્યપણું આદિ સકલ ધર્મસામગ્રીને પામીને આવા પ્રકારના ગુણોથી યુક્ત ગુરુની સેવા કરે છે તેઓ ધન્ય છે. જે તેઓનું વચનરૂપી અમૃત પીએ છે તે અતિ ધન્ય છે ઇત્યાદિ. તથા આવા પ્રકારના વચન રસથી તે રાજા ઘણા ભવ્ય લોકોને ધોવાઈ ગયેલા પાપ કર્મરૂપમલવાળા કરીને જિનધર્મમાં સ્થાપે છે. પરંતુ ત્યાં જ એક વિજય નામના શ્રેષ્ઠીના પુત્રે રાજાના તે વચન ઉપર વિશ્વાસ નહીં કરતાં કહ્યું હે નરનાથ ! જે તમે મુનિઓને વખાણો છો તે બધું પણ પરાળ તુલ્ય છે. કારણ કે તેઓ પવનથી ચાલેલા ધ્વજાના પટની જેમ ચંચળ ચિત્તને, અને પોતપોતાના વિષયોમાં આસક્ત ઇંદ્રિયોને કેવી રીતે રોકવા માટે સમર્થ છે? દેવ વગેરે પણ તેઓને રોકવા સમર્થ નથી. આ સાંભળીને રાજાએ વિચાર્યું. આ દુષ્ટબુદ્ધિવાળો વાતોડિયો આ પ્રમાણે અગડંબગડ બોલતો બીજા ભોળા માણસોને સુમાર્ગથી પાડશે. આથી આ કોઈપણ ઉપાયથી બોધ કરવા યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને પોતાના પરમ સેવક યક્ષ નામના પુરુષને એકાંતમાં આદેશ કર્યો કે- હે યક્ષ ! તારે વિજયની સાથે મૈત્રી કરીને પોતાના વિશે અતિ વિશ્વાસ ઉત્પન્ન કરાવીને કોઈ પણ રીતે મારું આ મહામૂલ્યવાળું રતનું આભરણ તેના રતકરંડિયામાં નાખવું. ત્યારે યક્ષે પણ રાજાના વચનને તહત્તિ કરીને સ્વીકારીને વિજયની સાથે મહામૈત્રી કરી, અને તેને સારી રીતે વિશ્વાસ ઉત્પન્ન કરાવ્યો.