________________
આત્મપ્રબોધ માટે ગ્રહણ કરતો હોય ત્યારે પરમેશ્વર વિના કોનું શરણું સ્વીકારાય? અને કોની આગળ પોતાના દુઃખને જણાવાય? કહ્યું છે કે
माता यदि विषं दद्यात्, पिता विक्रीण(णी)ते सुतं ।
राजा हरति सर्वस्वं, शरणं कस्य जायते ? ॥ १॥ અર્થ- માતા જો ઝેર આપે, પિતા પુત્રને વેંચે, રાજા સર્વસ્વ હરી લે તો કોનું શરણ થાય?
તેથી હે રાજન્ ! પરમેશ્વરને જ શરણ કરીને ધીરપણાથી મરણના દુઃખને સહન કરવું જોઈએ. આ પ્રમાણે તેના વચનને સાંભળીને અતિ કરુણારસમાં ડૂબેલા રાજાએ કહ્યું હે લોકો ! શા માટે તમે આ બાળકને મારવા આદિનો પ્રયાસ કરો છો ? આવા પ્રકારના પાપના કારણે આ નગરથી અને આ નગરના દરવાજાથી મારે કાંઈ પ્રયોજન નથી જ. કારણ કે આ સંસારમાં જે કોઈ જીવો છે તે બધા પણ જીવવાની ઈચ્છાવાળા છે. પરંતુ કોઈ પણ મરણને ઈચ્છતું નથી. તેથી આત્મહિતને ઈચ્છતા પુરુષે કોઈની પણ હિંસા ન કરવી જોઈએ. બધા પણ જીવો વિશે અનુકંપા કરવી જોઈએ. હવે આ પ્રમાણે વૈર્યપૂર્વક અનુકંપામાં તત્પર રાજાને અને સત્ત્વવાળા બાળકને જોઈને ખુશ થયેલી નગરની અધિષ્ઠાયિકા દેવીએ બંને ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને તે જ ક્ષણે તે નગરનો દરવાજો બનાવ્યો. ત્યાર પછી આનંદિત થયેલો સર્વ પણ લોક સાચા ભાવથી રાજાના ગુણોની પ્રશંસા કરતો અને દયામય શ્રી જિનધર્મની અનુમોદના કરતો પોત-પોતાના સ્થાને ગયો. રાજા પણ મોટા ઉત્સવપૂર્વક તે જ દરવાજાથી નગરમાં પ્રવેશીને પોતાના ઘરે આવ્યો. ઇદ્રદત્ત પણ હર્ષપૂર્વક પોતાના ઘરે ગયો. બધાય લોકો સુખી થયા. ત્યારે ઘણા ભવ્ય જીવોએ દયામય શ્રી જિનધર્મનો સ્વીકાર કર્યો. આ પ્રમાણે અનુકંપા ઉપર સુધર્મ રાજાનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ પ્રમાણે બીજાઓએ પણ આત્મધર્મને બતાવનારી, સર્વ સુખની શ્રેણિને પ્રાપ્ત કરાવનારી, સંપૂર્ણ જગતના જીવો ઉપર અનુકંપા કરવી જોઈએ. આ પ્રમાણે અનુકંપા નામનું ચોથું લક્ષણ કહ્યું.
(૫) આસ્તિક્ય- વસ્તિ = છે, એ પ્રમાણે જેની મતિ છે તે આસ્તિક કહેવાય. આસ્તિકનો ભાવ અથવા કર્મ આસ્તિક્ય કહેવાય. બીજા તત્ત્વને સાંભળવા છતાં જિનોક્ત તત્ત્વ વિષયમાં કોઈ પણ જાતની આકાંક્ષા રાખ્યા વિના સ્વીકાર એટલે કે જિનવચનમાં વિશ્વાસ તે આસ્તિક્ય છે. આસ્તિક્ય જીવનો ધર્મ હોવાથી અપ્રત્યક્ષ એવું પણ સમ્યકત્વ તેનાથી જણાય છે. સમ્યકત્વવાળો આસ્તિક કહેવાય છે. આગમમાં પણ
मन्नइ तमेव सच्चं, निस्संकं जं जिणेहिँ पन्नत्तं ।
सुहपरिणामो सम्मं, कंखाइविसुत्तियारहिओ ॥ १॥ અર્થ- જે જિનેશ્વર ભગવંતે કહ્યું છે તે જ શંકા વિના સાચું છે, એવું માને. કાંસા આદિ દુષ્ટ ચિંતનથી રહિત આત્માનો શુભ પરિણામ સમ્યકત્વ છે.
ભાવાર્થ તે પદ્મશખરની કથાથી જાણવો. તે કથા આ પ્રમાણે છે