________________
ત્યાર બાદ પોતાના ગુરુને મળવા માટે જિનવલ્લભે મરુકોટ્ટથી પ્રસ્થાન કર્યું. આશીદુર્ગથી ત્રણ કોસ અગાઉ માઈયડ નામના ગામમાં જિનવલ્લભ રોકાઈ ગયા. સ્વયં પોતાના ગુરુની પાસે જવાને બદલે એમણે એક પત્રવાહક દ્વારા ગુરુજીને સંદેશો મોકલ્યો કે - “આપની કૃપાથી સદ્ગુરુ શ્રી અભયદેવસૂરિ પાસે સંપૂર્ણ આગમોની વાચના ગ્રહણ કરી હું માઈયડ ગામમાં આવી ગયો છું. કૃપા કરી ગુરુદેવ અહીં પધારે.”
પત્ર વાંચી ચૈત્યવાસી આચાર્ય જિનેશ્વરસૂરિને ખૂબ આશ્ચર્ય થયું. મનોમન વિચારવા લાગ્યા કે – “અરે જિનવલ્લભ સ્વયં કેમ ન આવ્યા? આવો નિર્દેશાત્મક પત્ર કેમ લખ્યો ?'
આમ થવા છતાં એમના શિષ્યએ આગમોની વાચના પ્રાપ્ત કરી છે એ સમાચારથી પારાવાર હર્ષ હતો. બીજા દિવસે જિનેશ્વરસૂરિ અનેક વિદ્વાનો, પ્રતિષ્ઠિત નાગરિકો અને અનુયાયીઓના વિશાળ સમૂહ સાથે માઈયડ ગામમાં જિનવલ્લભ પાસે આવ્યા. જિનવલ્લભ પણ ગુરુની સન્મુખ ઉપસ્થિત થયા અને વંદન કર્યા. પારસ્પરિક કુશળક્ષેમ વાર્તાલાપ પછી બ્રાહ્મણ વિદ્વાનોની જિજ્ઞાસા શાંત કરવા જિનવલ્લભ પોતાના જ્યોતિષજ્ઞાનનાં અનેક ચમત્કાર બતાવ્યા. પોતાના જ્યોતિષજ્ઞાનના આધારે થોડી ક્ષણોમાં જ બનનારી ઘટનાઓની જિનવલ્લભે ભવિષ્યવાણી પણ કરી. જેને તત્કાળ સાચી પડતી જોઈ આચાર્ય જિનેશ્વરસૂરિ પણ આશ્ચર્યવિભોર થઈ ગયા. અંતે જિનેશ્વરસૂરિએ પોતાના શિષ્ય જિનવલ્લભને એકાંતમાં પૂછ્યું: વત્સ! એવું તે શું કારણ છે કે તમે આશીદુર્ગ ન આવ્યા અને વચ્ચેના આ ગામમાં જ રોકાઈ ગયા?” - જિનવલ્લભસૂરિએ પોતાના ગુરુના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું : “ભગવાન ! સાચા ગુરુના મુખેથી જિનેશ્વર પ્રભુનાં વચનામૃતનું પાન કર્યા પછી હવે હું આચાર-શિથિલ ચૈત્યવાસનો અંગીકાર કઈ રીતે કરી શકું?”
જિનેશ્વરસૂરિએ તેમને સમજાવવાનો પ્રયાસ કરતાં એમની સમક્ષ પ્રલોભનપૂર્વક કહ્યું : “વત્સ ! મેં એમ વિચાર્યું હતું કે - “તમને આચાર્યપદ પર પ્રતિષ્ઠિત કરી ગચ્છ અને દેવગૃહ તથા શ્રાવકશ્રાવિકા-વર્ગની વ્યવસ્થા તમને સોંપી હું અભયદેવસૂરિ પાસે વસતિનિવાસને ગ્રહણ કરી લઉં.' જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 96969696969696969696969 ૦૧