________________
છંદ, અલંકાર, ધનુર્વેદ આદિની કેળવણી પ્રાપ્ત કરીને એક વખત કુમાર શિકાર માટે જંગલમાં ગયો. તેણે એક હરણીને લક્ષ્યમાં રાખી બાણ ચલાવ્યું અને ગર્ભવતી હરણી તીર વાગતાં ઢળી પડી. પણ નીચે ઢળી કે તરત અંતિમ ક્ષણોમાં એક બચ્ચાને જન્મ આપ્યો અને નવજાતને જન્મ આપી તરત મરી ગઈ.
આ હૃદયદ્રાવક દશ્ય જોઈને રાજકુમારની આંખો સમક્ષ અંધારું છવાઈ ગયું. એના હૃદયમાં પશ્ચાત્તાપની ભીષણ જ્વાળા પ્રજ્વલિત થઈ. તે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. મહારાજા ભટ્ટાનિકે કુમારને સાંત્વન આપતાં તત્કાળ હરણી અને તેના બચ્ચાની સોનાની મૂર્તિ બનાવી અને બ્રાહ્મણોને બોલાવી કુમારના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે બંને મૂર્તિઓના ટુકડા કરાવી એ સોનું બ્રાહ્મણોમાં વહેંચી દીધું. આ પ્રકારના પ્રાયશ્ચિત્ત ઉપરાંત પણ કુમારના હૃદયને શાંતિ મળી નહિ. એક મધ્યરાત્રિએ વેશ બદલીને કોઈને કશું જ કહ્યા વગર ઉઘાડા પગે રાજમહેલમાંથી નીકળી નિર્જન વન તરફ ચાલ્યો ગયો.
ઘણા દિવસો પછી તે સ્થલવતી ભૂભાગના કોડમઘૂંટંક’ નામના નગરમાં પહોંચ્યો. ત્યાં એક શ્રાવક દ્વારા તે આચાર્ય સિદ્ધસિંહની પાસે પહોંચ્યો. આચાર્યનો ઉપદેશ સાંભળી રાજકુમાર પ્રતિબોધિત થયો અને તેમની પાસે શ્રમણધર્મમાં દીક્ષિત થયો. દીક્ષિત થયા પછી કુમારમુનિએ નિષ્ઠા અને લગનની સાથે પોતાના આચાર્યદેવ પાસે આગમોનું અધ્યયન કર્યું. એમણે આગમોના અધ્યયનની સાથે સાથે અનેક વિદ્યાઓમાં થોડા સમયમાં જ પ્રવીણતા પ્રાપ્ત કરી. એમની ગણના ઉચ્ચકોટિના આગમ વિદ્વાનોમાં થવા લાગી.
એક દિવસ કુમારમુનિએ પોતાના ગુરુ સિદ્ધસિંહસૂરિને નિવેદન કર્યું : “ભગવંત ! સર્વજ્ઞ પ્રણીત આગમોમાં જે શ્રમણાચારનું વર્ણન કરવામાં આવ્યું છે, એને અનુરૂપ આજે શ્રમણવર્ગમાં નિર્દોષ-વિશુદ્ધ શ્રમણાચાર દૃષ્ટિગોચર ન થવાનું કારણ શું છે ?”
શિષ્યના આ પ્રશ્નથી આચાર્ય સિદ્ધસિંહ ચોંકી ગયા. એમણે કહ્યું : “વત્સ ! દુષમકાળનો પ્રભાવ એટલો છે કે આગમાનુસાર ક્રિયાનું પાલન વર્તમાનકાળમાં નથી થતું.”
કુમારમુનિએ પ્રશ્ન કર્યો : “આચાર્યદેવ ! તો આ પ્રકારની શિથિલ અને સદોષ સાધુ-ક્રિયાઓનું પાલન કરનાર શ્રમણ આરાધક કહેવાય કે વિરાધક ?’’
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૧૯૦