________________
અગાઉ જણાવ્યા મુજબ ચૈત્યવાસીઓના વ્યાપક વર્ચસ્વના કારણે રક્ષિતસૂરિ અને એમના સાધુઓને નિર્દોષ આહાર-પાણી પણ મળતાં નહિ અને એવી સ્થિતિમાં એમણે આજીવન અનશન રૂપે પોતાના પ્રાણને પણ જોખમમાં મૂક્યો. રક્ષિતસૂરિના ત્યાગ-તપમય જીવન અને પરિષહ સહન કરવાથી જનમાનસ એમના પ્રત્યે આકર્ષિત થયું. એમના જીવનકાળમાં જ વિધિમાર્ગ (અંચલગચ્છ) એક સુદઢ અને સશક્ત ધાર્મિક સંઘ તરીકે લોકપ્રિય બનતો ગયો. એમના પટ્ટધર જયસિંહસૂરિએ વિ. સં. ૧૨૩૬ થી ૧૨૫૮ સુધીના પોતાના આચાર્યકાળમાં અંચલગચ્છને નવી ઊંચાઈઓ આપી. તેઓ પોતાના સમયના મહાન વાદી હતા. જયસિંહસૂરિએ અનેક ક્ષત્રિય વંશોને જૈનધર્મી બનાવીને વિધિપક્ષના અનુયાયીઓની સંખ્યામાં ઉલ્લેખનીય અભિવૃદ્ધિ કરી. એમના સમયમાં ૨૧૨૦ સાધુ, ૧૧૩૦ સાધ્વીઓ, ૧૨ આચાર્ય, ૨૦ વાચનાચાર્ય (ઉપાધ્યાય), ૧૭૩ પંડિત, ૧ મહત્તરા અને ૮૨ પ્રવર્તિનીઓ થયાં.
જયસિંહસૂરિ પછી એમના વિશિષ્ટ શિષ્ય અને વિધિપક્ષ-ગચ્છના તૃતીય પટ્ટધર ધર્મઘોષસૂરિ, એમના પછી ચોથા પટ્ટધર મહેન્દ્રસૂરિ અને પાંચમા પટ્ટધર આચાર્ય સિંહપ્રભ પણ મહાન પ્રભાવક આચાર્ય થયા. સિંહપ્રભ વિ. સં. ૧૩૦૯માં આચાર્યપદ પર પ્રતિષ્ઠિત થયા. સિંહપ્રભસૂરિ પોતાના સમયમાં સુપ્રસિદ્ધ વાદી હતા. એમણે અનેક શાસ્ત્રાર્થોમાં વિજય પ્રાપ્ત કરી વિધિમાર્ગની પ્રતિષ્ઠામાં ઉલ્લેખનીય વૃદ્ધિ કરી.
મેરૂતુંગીયા લઘુશતપદી' તથા મેરૂતુંગીય પટ્ટાવલી અનુસાર આટલા મોટા વિદ્વાન ને પ્રતિભાશાળી હોવા છતાં પણ સિંહપ્રભસૂરિ ધીમે ધીમે શિથિલાચાર તરફ ઉન્મુખ થતા ગયા અને અંતે એક રીતે ચૈત્યવાસીઓની જેમ નિયત-નિવાસી બની ગયા. વિધિસંઘના છઠ્ઠા આચાર્ય અજિતસિંહસૂરિએ તો શિથિલાચારમાં ચૈત્યવાસી પરંપરાના આચાર્યોને પણ પાછળ રાખી. દીધા હતા. સુવિહિત કહેવાતા અધિકાંશ ગચ્છ પણ ધીમે ધીમે ચૈત્યવાસીઓ દ્વારા નિર્મિત વિકૃતિઓના પોષક ને શિથિલ પથના પથિક બનવા લાગ્યા.
અગર વખતોવખત જન-જન સમક્ષ જૈન ધર્મના આગમિક સ્વરૂપને પ્રકાશિત કરવા માટે સાહસી ક્રિયોદ્ધારકોએ ક્રિયોદ્ધારનું અભિયાન ન ચલાવ્યું હોત તો સંભવતઃ આજે આગમોમાં પ્રતિપાદિત ધર્મનું વિશુદ્ધ સ્વરૂપ વિકૃતિઓનાં પ્રચુર આવરણોથી એ રીતે ઢંકાઈ ગયું હોત જે રીતે શ્રાવણ-ભાદરવાનાં વાદળોથી સૂર્ય ઢંકાઈ જાય છે. ૧૯૨ 969696969696969696963ન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪)