________________
આ ગ્રંથોના બે ઉલ્લેખોથી એ સ્પષ્ટ થાય છે કે વિ.સં. ૧૧૫૦માં ૫ વર્ષની વયનો બાળક ચંગદેવ દેવચંદ્રસૂરિના આસન પર અને ૩ વર્ષની શિશુવયે રાજકુમાર સિદ્ધરાજ જયસિંહ પોતાના પિતા ચાલુક્યરાજના રાજસિંહાસન પર બાળક્રીડા કરતાં કરતાં જ બેસી ગયા. આ અભુત સંયોગની જ વાત છે કે એક જ સમયમાં બે ભિન્નભિન્ન ક્ષેત્રોમાં ઊંચા આસને બિરાજનાર બંને બાળક પોતપોતાનાં ક્ષેત્રમાં પોતાના યુગમાં શીર્ષસ્થ યુગપુરુષ સિદ્ધ થયા. સમય આવ્યે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિના નામથી વિખ્યાત બાળક ચંગદેવે બે રાજાઓને જનકલ્યાણના માર્ગ પર આરૂઢ કરી પ્રજાજીવનમાં સંસ્કારનું સિંચન કર્યું. એમણે લાંબા સમય સુધી વિસ્તૃત ક્ષેત્ર-વિસ્તારમાં અમારિપ્રવર્તન (અહિંસાપ્રસાર) માધ્યમથી અસંખ્ય પશુ-પક્ષીઓને અભયદાન પ્રદાન કર્યું અને મોટી સંખ્યામાં આધ્યાત્મિક ગ્રંથ રત્નોના માધ્યમથી જૈન સાહિત્યની ગુણસમૃદ્ધિમાં વધારો કરી જિનશાસનની યશોગાથા ચિરકાલીન ટકે એવી સેવા-પ્રભાવના કરી.
બીજી બાજુ બાળક રાજકુમાર સિદ્ધરાજ જયસિંહે આગળ જતાં ગુજરાત રાજ્યની સીમાઓનો દૂર-દૂર સુધી વિસ્તાર કર્યો અને શક્તિશાળી ગુર્જર સામ્રાજ્યની સ્થાપના કરી. *
આચાર્ય દેવચંદ્રસૂરિએ પ્રણામ કરતી પાહિની તરફ વરદ મુદ્રામાં જોઈને કહ્યું: “પુણ્યશાલિની ધર્મનિષ્ઠ ! તમને તમારા એ શ્રેષ્ઠ સ્વપ્નનું
સ્મરણ હશે જ. આજે તમે સ્વયં પ્રત્યક્ષ નિહાળો. એ મહાસ્વપ્નના માધ્યમથી પોતાના આગમનની પૂર્વસૂચના આપતું તમારું આ તેજસ્વી બાળક તમારા આ અતિ સુંદર શ્રેષ્ઠ સ્વપ્નને સાકાર કરવાની ભૂમિકાનો શુભારંભ કરી રહ્યું છે.” જિનશાસન આચાર્યના આ ઉચ્ચ આસન પર બેઠેલું આ બાળક માત્ર તમને કે મને નહિ, પણ સમગ્ર સંસારને પોતાની ચેષ્ઠાથી જણાવી રહ્યું છે કે તેનો જન્મ આ આસન કે પદ માટે જ થયો છે. શ્રાવિકા ! તમે શ્રેષ્ઠ સ્વપ્નમાં જે ચિંતામણિનું મને દાન કર્યું હતું, એ ચિંતામણિ રત્ન આ તમારો પુત્ર જ છે. આવો ! આ ચિંતામણિ મને સોંપીને સ્વપ્ન સાકાર કરો.”
માતા પાહિનીએ દેવચંદ્રસૂરિની વાત સાંભળીને કહ્યું: “ભગવાન! આ બાળકના પિતા પાસે જ આપ એની માગણી કરો એ ઉચિત રહેશે, તેઓ અત્યારે અહીં નથી, કામથી અન્યત્ર ગયા છે." ૧૧૪ 9696969696969696969696. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪)