________________
મલધારી આચાર્ય હેમચંદ્રસૂરિ
મલધારી હેમચંદ્રસૂરિ વિક્રમની બારમી શતાબ્દીના ઉત્તરાર્ધના એક મહાન પ્રભાવક રાજમાન્ય મહાપુરુષ અને ગ્રંથકાર આચાર્ય હતા. તેઓ પ્રશ્નવાહન કુળની મધ્યમ શાખાના હર્ષપુરીય-ગચ્છના આચાર્ય મલધારી અભયદેવસૂરિના પ્રમુખ શિષ્ય અને પટ્ટધર હતા. ‘યથા ગુરુસ્તથા શિષ્યઃ’ આ ઉક્તિ અનુસાર આચાર્ય હેમચંદ્રસૂરિ પણ પોતાનું શરીર અને વસ્ત્ર-પ્રક્ષાલન બાબતે કાળજી રાખતા ન હતા. આ કારણે જ ગુરુની જેમ જીવનભર મલધારી બિરુદથી જાણીતા હતા.
મલધારી આચાર્ય હેમચંદ્રસૂરિના ત્રણ મુખ્ય શિષ્ય હતા - વિજયસિંહ, શ્રીચંદ્ર અને વિબુધચંદ્ર. એમાંથી શ્રીચંદ્ર એમના પટ્ટધર આચાર્ય હતા. આચાર્ય શ્રીચંદ્રએ પોતાની કૃતિ ‘મુનિસુવ્રત ચરિત્ર’ની પ્રશસ્તિમાં પોતાના ગુરુ મલધારી હેમચંદ્રસૂરિ અને દાદાગુરુ મલધારી અભયદેવસૂરિનો પરિચય આપ્યો છે. હેમચંદ્રસૂરિ પોતાના સમયના એક સમર્થ પ્રવચન પારગામી વ્યાખ્યાતા હતા. ‘વિયાહ પણતિ' (ભગવતી સૂત્ર) જેવો વિશાળકાય આગમ એમને કંઠસ્થ હતો. એમણે પોતાના અધ્યયનકાળમાં મૂળ આગમો, ભાષ્યો અને આગમિક ગ્રંથોની સાથે સાથે વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ અનેક વિષયોનું તલસ્પર્શી અધ્યયન કર્યું હતું. એમનો રાજાઓ, અમાત્યો અને પ્રજાના દરેક વર્ગ પર મોટો પ્રભાવ હતો. તેઓ જિનશાસનની પ્રભાવનાનાં કાર્યોમાં ખૂબ રુચિ ધરાવતા હતા. તેઓ વ્યાખ્યાનલબ્ધિ સંપન્ન હતા. ઉપમિતિ ભવ પ્રપંચ કથા જેવા દુરુહ ગ્રંથ પર શ્રદ્ધાળુ ભક્તોની વિનંતીને માન આપી લગાતાર ત્રણ વર્ષ સુધી પ્રવચન આપ્યાં એમની સરળ સુગમ વ્યાખ્યાન શૈલીથી ઉપમિતિ ભવ પ્રપંચ કથા એમના સમયમાં ખૂબ લોકપ્રિય થઈ.
મલધારી હેમચંદ્રએ અનેક ગ્રંથોની રચના કરી. વિશેષાવશ્યક ભાષ્ય ટીકા એમનું સર્વાધિક મહત્ત્વપૂર્ણ કાર્ય છે. એમણે વિ.સં. ૧૧૬૪ની ચૈત્ર સુદ ચોથ સોમવારના રોજ અણહિલપુર-પાટણમાં સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાળ દરમિયાન ‘જીવસમાસ વૃત્તિ'ની રચના કરી.
છેલ્લે પોતાનો અંતિમ સમય નજીક આવતો જાણી મલધારી હેમચંદ્રસૂરિએ પોતાના સ્વર્ગસ્થ ગુરુ અભયદેવસૂરિની જેમ આલોચનાપૂર્વક સંથારો સ્વીકાર્યો. ૭ દિવસના સંથારા બાદ તેમણે નશ્વરદેહનો ત્યાગ કર્યો. રાજા સિદ્ધરાજ સ્વયં તેમની મહાપ્રયાણયાત્રામાં સામેલ થયા હતા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૧૦૬