________________
આચાર્ય મુનિચંદ્રસૂરિએ મુનિ રામચંદ્રની પ્રતિભા જોઈ વિ. સં. ૧૧૭૪માં આચાર્યપદ પ્રદાન કર્યું, અને તેમનું નામ દેવસૂરિ રાખ્યું. આચાર્યપદ· પ્રદાનના પ્રસંગે શ્રીમુનિચંદ્રસૂરિએ તેમના પિતા વીર નાગને પંચમહાવ્રત ધારણ કરાવી ભાગવતી દીક્ષા પ્રદાન કરી અને અગાઉ દીક્ષિત થયેલાં માતેશ્વરી સાધ્વી જિનદેવીને મહત્તરાપદ પ્રદાન કરી તેમનું નામ ચંદનબાળા રાખ્યું.
આચાર્યપદ પર અભિષિક્ત કર્યા બાદ ગુરુઆજ્ઞા મુજબ દેવસૂરિએ ધોળકા આદિ અનેક ક્ષેત્રોમાં વિચરણ કરી જૈન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી અને પોતાના ઉપદેશોથી જિનશાસનનો ઉલ્લેખનીય પ્રસાર-પ્રચાર કર્યો. તપશ્ચરણની સાથે સાથે અહર્નિશ આત્મચિંતનમાં લીન રહેવાના પરિણામે આચાર્ય દેવસૂરિને અનેક પ્રકારની લબ્ધિસિદ્ધિ અનાયાસ જ ઉપલબ્ધ થઈ.
આચાર્ય દેવસૂરિએ થોડા સમય સુધી આબુ પર્વત પર રહીને સંપાદલક્ષ (સાંભર) તરફ વિહાર કરવાનો વિચાર કર્યો, પરંતુ એમને અદૃષ્ટ શક્તિથી પ્રેરણા મળી કે તેઓ સાંભર તરફનો વિહાર ન કરે અને યથાશક્ય શીઘ્રતાથી અણહિલપુર-પાટણ પહોંચી જાય, કારણ કે એમના ગુરુ શ્રી મુનિચંદ્રસૂરિનું આયુષ્ય કેવળ ૬ માસ જ બાકી રહી ગયું છે. આ પ્રકારના ભાવિનો બોધ થતા જ દેવસૂરિએ આબુથી અણહિલપુરપાટણ તરફ વિહાર કર્યો ને પાટણ પહોંચી ગુરુની સેવામાં લાગી ગયા.
દેવસૂરિ લગભગ ૫ માસ સુધી પોતાના ગુરુની સેવામાં રહ્યા અને તેમણે શ્રદ્ધા-ભક્તિપૂર્વક સેવા કરી. શ્રી મુનિચંદ્રસૂરિએ અંતિમ સમય નજીક સમજીને સંલેખના સંથારો કરી વિ. સં. ૧૧૭૮માં સમાધિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું.
ગુરુના સ્વર્ગારોહણ બાદ આચાર્ય દેવસૂરિને લગભગ ૬ માસ સુધી પાટણમાં જ રોકાવુ પડ્યું. એમની પ્રેરણાથી ધર્મનિષ્ઠ શ્રેષ્ઠી થાહડ દ્વારા પ્રારંભ થયેલ ભગવાન મહાવીરના મંદિરનું કાર્ય નિર્માણાધીન હતું. નિર્માણકાર્ય પૂરું થતાં જ શ્રેષ્ઠીવર્ય થાહડે એ મંદિરની પ્રતિષ્ઠા દેવસૂરિના કરકમળ દ્વારા કરાવી. આમ બધું મળીને ૧ વર્ષ સુધી પાટણમાં રહીને દેવસૂરિએ નાગપુર તરફ વિહાર કર્યો.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) ૐ
૯