________________
આકાશ-પાતાળનું અંતર
શાસ્ત્રોમાં પ્રતિપાદિત ધર્મ ને શ્રમણાચારના સ્વરૂપના પરિપ્રેક્ષ્યમાં ચૈત્યવાસીઓ દ્વારા પ્રચલિત કરેલા ધર્મ અને શ્રમણાચારના સ્વરૂપને જોઈને એ વિદિત થઈ જાય છે કે આ બંનેમાં આકાશ તથા પાતાળનું અંતર છે. ચૈત્યવાસીઓ દ્વારા પરિકલ્પિત ધર્મ અને શ્રમણાચારનું સ્વરૂપ જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોથી બિલકુલ પ્રતિકૂળ જ છે. ચૈત્યવાસીઓ દ્વારા કરેલ આ ૧૦ નિયમોના પ્રચાર-પ્રસારને સર્વજ્ઞ પ્રણીત આગમોની વિરુદ્ધ એક સુનિયોજિત વિદ્રોહ કહી શકાય છે. પોતાની કપોલ-કલ્પનાઓ પર આધારિત એ નિયમોથી ચૈત્યવાસીઓએ સર્વજ્ઞ પ્રણીત ધર્મ અને શ્રમણાચારના મૂળ સ્વરૂપને જ વિકૃત કરી દીધું. આ નિયમોમાંથી એક પણ નિયમ એવો નથી, જે શાસ્ત્રસંમત હોય. પ્રત્યેક નિયમમાં શાસ્ત્રો પ્રતિ અવજ્ઞા અને ઉપેક્ષા ઠાંસી-ઠાંસીને ભરેલી છે. આ નિયમોમાં જૈન ધર્મના પ્રાણભૂત મહાન સિદ્ધાંત અહિંસા, આધ્યાત્મિકતા અને અપરિગ્રહનું ગળું દાબી દીધું છે. સર્વજ્ઞ-સર્વદર્શી વીતરાગ પ્રભુની શાશ્વત સત્ય વાણીમાં ધર્મ અને આચારનું જે પરમપુનિત નિર્મળ સ્વરૂપ ચિત્રિત કરેલું છે, તેના પર આ અશાસ્ત્રીય ૧૦ નિયમોના ૧૦ મોટા-મોટા કાળા ડાઘ લગાવીને ચૈત્યવાસીઓએ એને મલિન કરી દીધું. ચૈત્યવાસીઓએ રત્નત્રયી જડેલ ધર્મરૂપી સ્વર્ણકુંભમાંથી અહિંસા, અપરિગ્રહ અને અધ્યાત્મરૂપી અમૃતને ધૂળ ભેગા કરીને તેમાં ઘોર આરંભ-સમારંભ અને આડંબરરૂપી હળાહળ ઝેર ભરી દીધું, જે આત્મવિનાશકારી હોવાના કારણે પ્રાણીઓને અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરાવવાવાળું પણ છે.
ઉત્તરકાલીન ધર્મસંઘમાં વિકૃતિઓ
વી. નિ. સં. ૧૦૦૦થી ઉત્તરવર્તીકાળમાં વિકસિત દ્રવ્ય પરંપરાઓની પાછળ એકમાત્ર શિથિલાચાર અથવા માન-સન્માન, યથકીર્તિની આકાંક્ષા જ મૂળ અને પ્રમુખ કારણ રહેલ હોય એવું એકતરફી નિષ્કર્ષ પર ન પહોંચી શકાય.
કારણ કે ઐતિહાસિક ઘટનાક્રમના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાથી બીજાં કારણ પણ પ્રકાશમાં આવે છે તે આ પ્રકારે છે :
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
: ૨૦