________________
સિદ્ધના અટલ નિશ્ચયને જોઈ શુભંકરને પૂરો વિશ્વાસ થઈ ગયો કે તેના પુત્રના મનમાં કોઈ પણ પ્રકારનો આક્રોશ કે વિદ્રોહ નથી. તેનું અંતરમન સાચા વૈરાગ્યના અમિટ રંગમાં રંગાઈ ગયું છે. સંસારની કોઈ શક્તિ તેને હવે યોગમાર્ગેથી વાળીને ભોગમાર્ગમાં પ્રવૃત્ત કરી શકે તેમ નથી. અન્ય કોઈ ઉપાય ન જોઈને શુભંકરે આચાર્યદેવનાં ચરણોમાં સવિનય પ્રાર્થના કરી : “વિશ્વબંધુ આચાર્યદેવ ! કૃપા કરી આપ મારા આ મુમુક્ષુ પુત્ર સિદ્ધને શ્રમણધર્મમાં દીક્ષિત કરી સદાને માટે આપની ચરણ-શરણમાં લઈ લો.'
શુભંકરની પ્રાર્થના સ્વીકારીને આચાર્યશ્રીએ થોડા દિવસો બાદ શુભ મુહૂર્તમાં સિદ્ધને શ્રમણધર્મની દીક્ષા આપી. દીક્ષા પછી સિદ્ધ મુનિ પોતાના ગુરુ આચાર્ય ગર્ગર્ષિની આજ્ઞાનુસાર શુદ્ધ શ્રમણાચાર ને ઉગ્ર તપશ્ચર્યાની સાથોસાથ નિષ્ઠાપૂર્વક આગમોનો અભ્યાસ કરવાનો આરંભ કર્યો. કુશાગ્ર બુદ્ધિના ધણી સિદ્ધમુનિએ અપેક્ષિત સમયથી પહેલા જ ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, ગણિત, નીતિ વગેરે તમામ વિદ્યાઓમાં નિષ્ણાતતા પ્રાપ્ત કરી લીધી. અને તેઓ અંગશાસ્ત્રોના વિશિષ્ટ મર્મજ્ઞ - વિદ્વાન બની ગયા. વિભિન્ન દર્શનોના તર્કગ્રંથોનું અધ્યયન કરીને ન્યાયશાસ્ત્રમાં વિશિષ્ટ પાંડિત્ય પ્રાપ્ત કરી લીધા પછી સિદ્ધર્ષિના મનમાં બૌદ્ધન્યાયનું અધ્યયન કરવાની પ્રબળ ઇચ્છા ઉત્પન્ન થઈ. એક દિવસ તેમણે પોતાના ગુરુની સેવામાં ઉપસ્થિત થઈને તેમની સમક્ષ પોતાની બૌદ્ધન્યાય ભણવાની ઇચ્છા પ્રગટ કરીને સુદૂરસ્થ (દૂર હોય તેવી જગ્યા) બૌદ્ધ વિદ્યાપીઠમાં અધ્યયનાર્થે (ભણતર માટે) જેવા દેવા માટેની રજા આપવાની પ્રાર્થના કરી.
પોતાના નિમિત્તજ્ઞાનનો ઉપયોગ કરીને ગર્ષિએ પોતાના શિષ્ય સિદ્ધર્ષિને કહ્યું : “વત્સ ! વિધાધ્યયનના વિષયમાં સંતોષ નહિ કરવો તે શુભ લક્ષણ છે. પરંતુ તારા આ પ્રસ્તાવના સંદર્ભમાં મને સ્પષ્ટ રીતે એ આભાસ થઈ રહ્યો છે કે - ‘બૌદ્ધોના કુતર્કોથી તારી મતિ(બુદ્ધિ) ભ્રમિત થઈ જશે. તેનું પરિણામ એ આવશે કે, પોતાના ધર્મ પ્રત્યે તારી આસ્થા લુપ્ત થઈ જશે અને બૌદ્ધધર્મ પ્રત્યે તું આસ્થાવાન થઈ જઈશ. આથી આજ સુધી તેં પંચ મહાવ્રતોનું પાલન કરીને જે પુણ્ય અર્જિત કર્યું છે, તારું તે પુણ્ય નષ્ટ થઈ જશે. તારી આજ સુધીની કરેલી અધ્યાત્મ-સાધના નકામી થઈ જશે. આવી સ્થિતિમાં હું તારા હિતમાં એ જ યોગ્ય સમજું
૨૨૨ ૩
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)