________________
પિતા વસુદેવના ભ્રમણનો વિસ્તૃત વૃત્તાંત પ્રભાવશાળી શૈલીમાં આપવામાં આવ્યો છે. વસુદેવના ભ્રમણ(હિંડન)નો વૃત્તાંત આપવાના કારણે આ ગ્રંથનું નામ ‘વસુદેવ હિંડી’ રાખવામાં આવ્યું છે. આના બે ખંડ છે. ૧૧૦૦૦ શ્લોક - પ્રમાણ ૨૯ લંભકાત્મક પ્રથમ ખંડના કર્તા સંઘદાસગણિ છે. દ્વિતીય ખંડના રચનાકાર ધર્મસેનગણિએ ૧૭૦૦૦ શ્લોક-પ્રમાણ ૭૧ લંભકોથી આ ગ્રંથને પૂરો કર્યો છે. બંનેએ સંયુક્ત રીતે પંચકલ્પ ભાષ્ય'ની રચના પણ કરી.
હારિલસૂરિથી પૂર્વવર્તી આચાર્ય સમંતભદ્ર
દિગંબર પરંપરામાં સમંતભદ્ર નામના એક મહાન જિનશાસન પ્રભાવક આચાર્ય થયેલા છે. તેઓ પોતાના સમયમાં મૂર્ધન્ય વિદ્વાન, અપરાજેય, તાર્કિક, અપ્રતિમ કવિ અને મહાન ગ્રંથકાર હતા. ત્રિપુટિ મુનિ શ્રીદર્શનવિજય, જ્ઞાનવિજય અને ન્યાયવિજયએ પોતાના ઇતિહાસગ્રંથ ‘જૈન પરંપરાનો ઇતિહાસ'માં વનવાસી પરંપરાના પ્રવર્તક શ્વેતાંબર આચાર્ય- સામંતભદ્ર અને દિગંબર આચાર્ય સમંતભદ્ર બંનેને વી. નિ.ની સાતમી સદીના એક જ યશસ્વી આચાર્ય જણાવી લખ્યું છે કે - ‘આચાર્ય સમંતભદ્ર શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓના સમાન રૂપે માનનીય આચાર્ય હતા.’
દિગંબર પરંપરાના ઇતિહાસકારો મુજબ સમંતભદ્ર દક્ષિણના ફણિમંડલાન્તર્ગત ઉરગપુરના એક રાજાના ક્ષત્રિય રાજકુમાર હતા. તેમનું જન્મ-નામ શાંતિવર્મા હતું. તેમને સંસારથી વિરક્તિ થઈ ગઈ અને એમણે રાજ્ય, ઐશ્વર્ય અને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ એવા ભોગ-વિલાસ વગેરેનો ત્યાગ કરી જૈન નિગ્રંથ શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી. વિશુદ્ધ શ્રમણાચારની પરિપાલનામાં તેઓ સતત જાગૃત રહેતા હતા. અપ્રમત્ત સયમ-સાધના તથા વ્યાપક ધર્મપ્રચાર માટે જ તેઓ આહાર-પાણી ગ્રહણ કરતા હતા. રસાસ્વાદન, રસવૃદ્ધિ અથવા શરીર પર મોહના કારણે તેમણે ક્યારેય ખોરાક ન લીધો. આવા શ્રમણશ્રેષ્ઠ હતા આચાર્ય સમંતભદ્ર.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૯૫