________________
રોહગુપ્તને પોતાની સાથે વાદ કરતો જોઈ આચાર્યશ્રીએ રાજકુળમાં જઈ કહ્યું : “રાજન્ ! મારા શિષ્ય રોહગુપ્તે જે તમારી રાજસભામાં ત્રણ રાશિઓનું નિરૂપણ કર્યું છે, ખરેખર તો તે સિદ્ધાંત વિરુદ્ધ છે. હકીકતમાં બે જ રાશિઓ છે. તમે અમારા બંને વચ્ચે થનારા વાદ-પ્રતિવાદને સાંભળી સત્યનો નિર્ણય કરો."
રાજા એ માટે તૈયાર થતા ગુરુ-શિષ્યની વચ્ચે વાદ-વિવાદ શરૂ થયો અને અવિરત છ મહિના સુધી ચાલતો રહ્યો. એનાથી રાજ્યના કારભારમાં વિક્ષેપ પડવાના કારણે રાજાએ આચાર્યશ્રીને વાદને શીઘ્ર સમાપ્ત કરવાની વિનંતી કરી. અતઃ બીજા દિવસે આચાર્ય શ્રીગુપ્તે છ મહિનાઓથી ચાલતા રહેલા શાસ્ત્રાર્થને નિર્ણાયક સ્થિતિમાં લાવવા માટેનો પ્રયાસ કરતા રાજસભાની સામે રાજાને કહ્યું : “રાજન્ ! કુત્રિકાપણમાં સંસારમાં રહેલા બધાં જ દ્રવ્ય (પદાર્થ) મળે છે; ત્યાંથી જીવ, અજીવ અને નોજીવ આ ત્રણેય દ્રવ્યોને મંગાવો.”
રાજાએ તરત જ રાજ્યાધિકારીઓને કુત્રિકાપણ પર મોકલ્યા. ત્યાં જીવ અને અજીવ તો મળ્યા, પણ નોજીવ માંગવા છતાં કોઈ વસ્તુ ન મળી. રાજાએ પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું : “સંસારમાં જીવઅજીવ આ બે જ રાશિઓ છે, નોજીવ નામની ત્રીજી કોઈ રાશિ નથી.” આ પરિસ્થિતિમાં આચાર્યશ્રીને વાદમાં વિજેતા જાહેર કરવામાં આવે છે અને રોહગુપ્તને પરાજિત ! રોહગુપ્તે પોતાનો દુરાગ્રહ છોડ્યો નહિ. આથી આચાર્ય શ્રીગુપ્તે એને શ્રમણસંઘમાંથી બહિષ્કૃત કરી દીધો. રોહગુપ્તે વૈશેષિક દર્શનનું પ્રણયન કર્યું.
卐
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૨૫૩