________________
૩૧૪
પંચસંગ્રહ-૨
સંક્રમ સાદિ ભંગ વર્જીને અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે—એ ત્રણ કર્મનો જઘન્ય અનુભાગ સંક્રમ ક્ષીણમોહ ગુણસ્થાનકની સમયાધિક એક આવલિકા શેષ સ્થિતિ હોય ત્યારે થાય છે, તે એક સમયમાત્ર થતો હોવાથી સાદિ-સાંત છે. તે સિવાય અન્ય સઘળો અજઘન્ય અનુભાગ સંક્રમ પ્રવર્તે છે. અને તે દરેક આત્માઓને અનાદિ કાળથી પ્રવર્તતો હોવાથી અનાદિ છે, અભવ્ય ને ભવિષ્યમાં કોઈ પણ કાળે નાશ નહિ થાય માટે અનંત, અને ભવ્ય આત્મા બારમા ગુણસ્થાનકના ચરમ સમયે અજઘન્ય અનુભાગ સંક્રમનો નાશ કરશે માટે તેઓ આશ્રયી સાંત, બારમા ગુણસ્થાનકથી પડતો નહિ હોવાથી અજઘન્ય અનુભાગ સંક્રમની સાદિશરૂઆત નથી.
મોહનીયનો અજઘન્ય અનુભાગ સંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે—ક્ષપકશ્રેણિમાં વર્તમાન આત્માને દશમા ગુણસ્થાનકની સમયાધિક એક આવલિકા શેષ સ્થિતિ હોય ત્યારે મોહનીયનો જઘન્ય અનુભાગ સંક્રમ થાય છે. તે એક સમય જ થતો હોવાથી સાદિ-સાંત છે. તે સિવાય અન્ય સઘળો અનુભાગ સંક્રમ અજઘન્ય છે. તે ઉપશમશ્રેણિમાં વર્તમાન ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશાંતમોહગુણસ્થાનકે થતો નથી, ઉપશાંતમોહ ગુણસ્થાનકથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન હજુ સુધી જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્ય આશ્રયી ધ્રુવ-અનન્ત, અને ભવ્યો આશ્રયી સાંત છે.
આયુનો અનુત્કૃષ્ટ અનુભાગ સંક્રમ સાદિ આદિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે—અપ્રમત્ત ગુણસ્થાનકે દેવાયુનો ઉત્કૃષ્ટ અનુભાગ બાંધીને તેની બંધાવલિકા ગયા બાદ સંક્રમાવવાની શરૂઆત કરે છે, અને તેને—ઉત્કૃષ્ટ રસને અનુત્તરદેવના ભવમાં આવલિકા ન્યૂન તેત્રીસ સાગરોપમ પર્યંત સંક્રમાવે છે. એટલે કે અનુત્તરદેવના ભવમાં રહેતાં ઉત્કૃષ્ટ રસને ત્યાં સુધી સંક્રમાવે છે યાવત્ તેત્રીસ સાગરોપમ પ્રમાણ સ્થિતિ જાય, માત્ર તેની એક છેલ્લી આવલિકા સ્થિતિ શેષ રહે. તે સિવાયનો આયુનો સઘળો અનુભાગ સંક્રમ અનુત્કૃષ્ટ છે, અનુત્તરદેવમાંથી મનુષ્યમાં આવતાં અનુત્કૃષ્ટ અનુભાગ સંક્રમ પ્રવર્તે માટે સાદિ, તે સ્થાન ન પામ્યા હોય તેને આશ્રયી અનાદિ, અભવ્ય આશ્રયી અનંત અને ભવ્ય આશ્રયી સાંત છે. साइयवज्जो वेयणियनामगोयाण होड़ अणुक्कोसो । सव्वेसु सेसभेया साई अधुवा य अणुभागे ॥ ६५ ॥
सादिवर्जो वेदनीयनामगोत्राणां भवत्यनुत्कृष्टः । सर्व्वेषां शेषभेदाः साद्यध्रुवाश्चानुभागे ॥६५॥
અર્થવેદનીય, નામ અને ગોત્રકર્મનો અનુત્કૃષ્ટ અનુભાગ સંક્રમ સાદિ સિવાય ત્રણ ભાંગે છે. સઘળા કર્મના ઉત્કૃષ્ટ આદિ શેષ ભેદો સાદિ-સાંત છે.
ટીકાનુ—વેદનીય, નામ અને ગોત્રકર્મનો અનુત્કૃષ્ટ અનુભાગ સંક્રમ સાદિ સિવાય અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ ભાંગે છે. તે આ પ્રમાણે—વેદનીય, નામ અને ગોત્રકર્મના ઉત્કૃષ્ટ અનુભાગનો બંધ ક્ષપકશ્રેણિમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમ સમયે થાય છે. ત્યાં ઉત્કૃષ્ટ રસ બાંધીને તેની બંધાવલિકા વીત્યા બાદ સયોગીકેવલીના ચરમ સમય પર્યંત સંક્રમાવે છે.