________________
પંચમત્કાર
૬૬૯
देवो जघन्यायुर्दीर्घामुद्वर्त्य मिथ्यात्वं अन्ते ।
चतुर्ज्ञानदर्शनत्रिकयोरेकेन्द्रियं गते जघन्योदयः ॥१२०॥
અર્થ–કોઈ જઘન્ય આયુવાળો દેવ ઉત્પન્ન થયા બાદ અંતર્મુહૂર્ત પછી સમ્યક્ત ઉત્પન્ન કરી અંતે મિથ્યાત્વે જાય, ત્યાં દીર્ઘ સ્થિતિ બાંધીને અને સત્તાગત સ્થિતિની ઉદ્વર્તન કરીને એકેન્દ્રિયમાં જાય, તે એકેન્દ્રિયને ચાર જ્ઞાનાવરણ અને ત્રણ દર્શનાવરણનો જઘન્ય પ્રદેશોદય હોય છે.
ટીકાનુ–અહીં જઘન્ય પ્રદેશોદયના અધિકારમાં સર્વત્ર ક્ષપિતકર્મીશ આત્મા પ્રહણ કરવાનો છે, એ હકીકત પહેલાં કહી છે.
દશ હજાર વરસના આયુવાળો ક્ષપિતકર્માશ કોઈ દેવ ઉત્પન્ન થયા બાદ અંતર્મુહૂર્ત ગયા પછી સમ્યક્ત. પ્રાપ્ત કરે. તથા તે સમ્યક્તનું અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વરસ પર્યત પાલન કરીને છેલ્લા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વે જાય. તે મિથ્યાત્વી દેવ અતિસંક્લિષ્ટ પરિણામવાળો થઈને પ્રસ્તુત મતિજ્ઞાનાવરણાદિ કર્મપ્રકૃતિઓની અંતર્મુહૂર્ત પર્યત ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને તે કાળે ઘણાં દલિકોની ઉદ્વર્તન કરે એટલે સત્તાગત દલિકોની સ્થિતિ વધારે—નીચેનાં સ્થાનકોનાં દલિકોને ઉપરનાં સ્થાનકોનાં દલિકો સાથે ભોગવાય તેવાં કરે. ત્યારપછી સંક્લિષ્ટ પરિણામ છતાં જ કાળ કરીને તે દેવ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. તે એકેન્દ્રિય ઉત્પત્તિના પહેલે જ સમયે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ એ ચાર જ્ઞાનાવરણનો તથા ચક્ષુર્દર્શનાવરણ, અચક્ષુર્દર્શનાવરણ અને કેવળદર્શનાવરણ એ ત્રણ દર્શનાવરણનો કુલ સાત કર્મપ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય કરે છે.
પહેલે સમયે જઘન્ય પ્રદેશોદય કેમ થાય ? તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે, પ્રાયઃ ઘણાં દલિકની ઉદ્વર્તન કરેલી હોવાથી પહેલે સમયે અલ્પ પ્રમાણમાં દલિક હોય છે. તથા ઉત્કૃષ્ટ સંક્લેશયુક્ત આત્માને પ્રદેશની ઉદીરણા અલ્પ થાય છે, કેમ કે તેને અનુભાગની ઉદીરણા વધારે થાય છે.
એવો સામાન્ય નિયમ છે કે–જ્યારે અનુભાગની વધારે પ્રમાણમાં ઉદીરણા થાય ત્યારે પ્રદેશોની અલ્પ પ્રમાણમાં ઉદીરણા થાય અને જ્યારે પ્રદેશોની વધારે પ્રમાણમાં ઉદીરણા થાય ત્યારે અનુભાગની અલ્પ પ્રમાણમાં ઉદીરણા થાય છે.
અહીં અતિ સંક્લિષ્ટ પરિણામી એકેન્દ્રિયને વધારે પ્રમાણમાં અનુભાગની ઉદીરણા થતી હોવાથી પ્રદેશોની ઉદીરણા અલ્પ પ્રમાણમાં થાય છે. તેથી ઉદીરણાથી પણ વધારે દલિકો ઉદયમાં પ્રાપ્ત થતાં નથી માટે મિથ્યાત્વને પ્રાપ્ત થયેલા અતિસંક્લિષ્ટ પરિણામી એકેન્દ્રિયને પહેલે સમયે જઘન્ય પ્રદેશોદય થાય એમ કહ્યું છે.
૧. અહીં પહેલા જ સમયે જઘન્ય પ્રદેશોદય થાય એમ કહેવાનું કારણ એમ પણ જણાય છે કે બીજા આદિ સમયોમાં યોગ વધારે હોવાથી પહેલા સમયથી કંઈક વધારે પ્રદેશોને ઉદીરી ભોગવે તેથી જઘન્ય પ્રદેશોદય ન થાય માટે પહેલો સમય ગ્રહણ કર્યો છે.