________________
પંચસંગ્રહ-૧
૬૬૦
લઘુક્ષપણા વડે ખપાવવા માટે ઉદ્યમવંત થયેલા ગુણિતકર્માંશ આત્માને તે તે પ્રકૃતિના ઉદયના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
અહીં ક્ષપણા બે પ્રકારે છે—૧. લઘુક્ષપણા અને ૨. ચિરક્ષપણા, તેમાં સાત માસ અધિક આઠ વરસની ઉંમરનો કોઈ ભવ્યાત્મા સંયમનો સ્વીકાર કરે તે સ્વીકાર્યા બાદ અંતર્મુહૂર્તકાળે જ ક્ષપકશ્રેણિનો આરંભ કરે, તેને જે કર્મનો ક્ષય થાય તે લઘુક્ષપણા કહેવાય છે અને જે ઘણા લાંબા કાંળે સંયમને પ્રાપ્ત કરે અને સંયમ પ્રાપ્ત કર્યા પછી ઘણો કાળ ગયા બાદ ક્ષપકશ્રેણિનો આરંભ કરે તેને જ કર્મનો ક્ષય થાય તે ચિરક્ષપણા કહેવાય છે.
દીર્ઘકાળે જે સંયમને પ્રાપ્ત કરે અને ત્યારપછી દીર્ઘકાળે જે ક્ષપકશ્રેણિનો આરંભ કરે તેને ઉદય ઉદીરણા વડે ઘણાં પુદ્ગલોનો ક્ષય થાય છે, થોડાં જ બાકી રહે છે. તેથી ચિરક્ષપણા વડે ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટી શકતો નથી. માટે જ લઘુક્ષપણા વડે ખપાવવાને ઉદ્યમવંત થયેલાને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય એમ કહ્યું છે. જે આત્મા ઓછામાં ઓછા જેટલા કાળે ચારિત્ર પ્રાપ્ત થાય તેટલા કાળે ચારિત્ર પ્રાપ્ત કરે અને ત્યારપછી અંતર્મુહૂર્ત કાળે જ ક્ષપકશ્રેણિનો આરંભ કરે તેને ઉદય-ઉદીરણા વડે ઘણાં કર્મપુદ્ગલો ઓછા કરવાનો સમય મળી શક્યો હોતો નથી તેથી સત્તામાં વધારે કર્મપુદ્ગલો હોય છે એટલે તેવા ગુણિતકર્માંશ આત્માને તે પ્રકૃતિના ઉદયના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
ઉપરોક્ત હકીકતને અનુસરી જે પ્રકૃતિઓનો જ્યાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે તે કહે છે.
ક્ષીણમોહ ગુણસ્થાનકે જે પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે તે જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક અને દર્શનાવરણચતુષ્કરૂપ ચૌદ પ્રકૃતિઓનો લઘુક્ષપણા વડે ખપાવવા ઉદ્યમવંત થયેલા ગુણશ્રેણિના શિરે વર્તમાન ક્ષપક આત્માને ક્ષીણમોહ ગુણસ્થાનકના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
માત્ર અધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય જેને અવધિજ્ઞાન અને અવધિદર્શન ઉત્પન્ન થયું નથી તેને હોય છે. કારણ કે અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતાં ઘણાં કર્મપુદ્ગલોનો તથાસ્વભાવે ક્ષય થાય છે, તેથી અવિધજ્ઞાનીને ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોતો નથી, માટે જ અવધિલબ્ધિ રહિત આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય એમ કહ્યું છે. તથા બે જિન એ પદ વડે સયોગીકેવળી અને અયોગીકેવળી એ બે લેવાના છે.
તેમાં સયોગી કેવળીને જે જે પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે તે ઔદારિક સપ્તક, તૈજસકાર્યણ સપ્તક, સંસ્થાન ષટ્ક, પ્રથમ સંઘયણ, વર્ણાદિ વીસ, પરાઘાત, ઉપઘાત્ત, અગુરુલઘુ, પ્રશસ્ત અપ્રશસ્ત વિહાયોગતિ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ અને નિર્માણરૂપ બાવન પ્રકૃતિઓનો ગુણિતકર્માંશ સયોગીકેવળી ભગવાનને સયોગીકેવળી ગુણસ્થાનકના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે.
તથા સુસ્વર દુઃસ્વરનો સ્વરના નિરોધકાળે અને ઉચ્છ્વાસ નામકર્મનો ઉચ્છ્વાસના નિરોધકાળે ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. સ્વર અને ઉચ્છ્વાસનો રોધ કરતા જે સમયે છેલ્લો ઉદય હોય, તે સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય સંભવે છે.