________________
પંચસંગ્રહ-૧
કોનો મોટો હોય છે ? મોટી સ્થિતિવાળા કર્મનો. અહીં પણ કાકાક્ષિગોલકન્યાયે મશઃ એ પદનો સંબંધ કરી આ પ્રમાણે અર્થ કરવો—અનુક્રમે મોટી મોટી સ્થિતિવાળા કર્મનો ભાગ અનુક્રમે વિશેષ વિશેષ હોય છે. તાત્પર્ય એ કે—
૬૧૨
જેવા ક્રમથી કર્મની સ્થિતિ વધારે છે તેવા ક્રમથી તેઓનો ભાગ પણ મોટો છે. જેની સ્થિતિ નાની તેનો ભાગ નાનો અને જેની મોટી તેનો ભાગ પણ મોટો હોય છે.
તેમાં બીજાં સઘળાં કર્મોથી નાની સ્થિતિ હોવાથી આયુનો ભાગ સર્વથી અલ્પ હોય છે, કારણ કે તેની ઉત્કૃષ્ટથી પણ તેત્રીસ સાગરોપમ પ્રમાણ સ્થિતિ છે. તેનાથી નામ અને ગોત્રકર્મનો વિશેષાધિક ભાગ છે, કારણ કે તેની સ્થિતિ ઉત્કૃષ્ટથી વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. સ્વસ્થાને બંનેનો પરસ્પર સરખો છે. એટલે કે જેટલો ભાગ નામકર્મનો તેટલો જ ગોત્રનો છે.
શતકચૂર્ણિકાર મહારાજ કહે છે કે—‘આયુનો ભાગ સર્વથી અલ્પ છે. નામ અને ગોત્ર એ બંનેનો તુલ્ય ભાગ છે, આયુના ભાગથી વિશેષાધિક છે.’
તેનાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ભાગ વિશેષાધિક છે. તેઓની સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે માટે. સરખી સ્થિતિ હોવાથી સ્વસ્થાને તે ત્રણેનો ભાગ સરખો છે. કહ્યું છે કે—જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણેનો ભાગ સરખો છે, નામ અને ગોત્રથી વિશેષાધિક છે.’
તેનાથી પણ મોહનીયનો ભાગ મોટો છે, તેની સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ છે માટે.
હવે અહીં અપવાદ કહે છે—ત્રીજું વેદનીયકર્મ જો કે જ્ઞાનાવરણીયાદિની સમાન સ્થિતિવાળું છે છતાં તેનો ભાગ સર્વથી વધારે છે—સર્વોત્કૃષ્ટ છે.
મોહનીયથી અલ્પ સ્થિતિવાળું છે છતાં તેનો ભાગ સર્વોત્કૃષ્ટ કેમ ? તેના ઉત્તરમાં કહે છે કે—ત્રીજા વેદનીયકર્મના ભાગમાં જો અલ્પ દલિક આવે તો સુખ-દુઃખના અનુભવને સ્પષ્ટ કરવાપણું ન થાય. એટલે કે વેદનીયકર્મ દ્વારા જે સ્પષ્ટપણે સુખ-દુઃખનો અનુભવ થાય છે તે તેના ભાગમાં અલ્પ દલિક આવે તો ન થાય. તે જ સમજાવે છે—
વેદનીયકર્મ જો ઘણા દળવાળું હોય તો જ તે તેના ફળરૂપ સુખ અથવા દુઃખનો સ્પષ્ટપણે અનુભવ કરાવવા માટે સમર્થ થાય, અલ્પ દળવાળું હોય તો સમર્થ ન થાય. આ પ્રમાણે થવામાં તેનો સ્વભાવ એ જ હેતુ છે. સ્પષ્ટપણે સુખ-દુઃખનો અનુભવ કરાવવા સમર્થ થાય એ માટે તેનો સર્વથી મોટો ભાગ પ્રાપ્ત થાય છે.
૧. લોકમાં એમ કહેવાય છે કે કાગડાને ડોળો એક હોય છે. જે બાજુ તે જુએ તે આંખ સાથે તેનો સંબંધ થાય છે એટલે એક ડોળાનો બે બાજુ સંબંધ થાય છે. એમ જ્યાં એક શબ્દનો બે બાજુ સંબંધ હોય ત્યાં કાકાક્ષિગોલકન્યાય કહેવાય છે. અહીં વધતી સ્થિતિવાળા એ શબ્દ સાથે ક્રમશઃ શબ્દનો સંબંધ છે અને વિશેષાધિક શબ્દ સાથે પણ સંબંધ એટલે એવો અર્થ થાય છે કે અનુક્રમે વધતી સ્થિતિવાળા કર્મનો અનુક્રમે મોટો ભાગ હોય છે.