________________
પંચમદ્વાર
૫૭૯
હવે એક એક સ્થિતિસ્થાનના બંધમાં હેતુભૂત નાના જીવોની અપેક્ષાએ કેટલા અધ્યવસાયો હોય છે ? એ પ્રશ્નના નિરૂપણ માટે કહે છે—
सव्वजहन्नावि ठिई असंखलोगप्पएस तुल्लेहिं । अज्झवसाएहिं भवे विसेसअहिएहिं उवरुवरिं ॥५७॥
सर्वजघन्याऽपि स्थितिरसंख्यलोकप्रदेशतुल्यैः ।
अध्यवसायैर्भवेत् विशेषाधिकैरुपर्युपरि ॥५७॥
અર્થ—સર્વ જઘન્યસ્થિતિ પણ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો વડે બંધાય છે અને ઉપર ઉપરનાં સ્થાનકો વિશેષાધિક વિશેષાધિક અધ્યવસાયો વડે બંધાય છે.
ટીકાનુ—આયુવર્જિત સાતે કર્મની જે સર્વ જઘન્ય સ્થિતિ છે, તે પણ અનેક જીવો આશ્રયી અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો વડે બંધાય છે. એટલે કે સર્વ જઘન્ય સ્થિતિબંધ થવામાં પણ અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો હેતુ છે. કોઈ જીવને કોઈ અધ્યવસાય વડે, કોઈ જીવને કોઈ અધ્યવસાય વડે તે તે જધન્ય સ્થિતિ બંધાય છે. સ્થિતિનું સ્થાન એક જ અને તેના બંધમાં હેતુભૂત અધ્યવસાયો અસંખ્ય છે. ત્રિકાળવત્તિ અનેક જીવોની અપેક્ષાએ તે એક જ જઘન્યસ્થિતિ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો વડે બંધાતી કેવળજ્ઞાની મહારાજે જોઈ છે.
અહીં તીવ્ર અતિતીવ્ર મંદ અતિમંદ કષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જે આત્મપરિણામ તે અધ્યવસાય કહેવાય છે. જઘન્યથી ઉત્કૃષ્ટ પર્યંત કષાયના અસંખ્ય સ્થાનો છે તેથી તજ્જન્ય અધ્યવસાયો પણ અસંખ્ય છે. અમુકથી અમુક હદ સુધીના કષાયોદયજન્ય અધ્યવસાય વડે અમુક સ્થિતિનું સ્થાનક, અમુકથી અમુક હદ સુધીના કષાયોદય વડે અમુક સ્થિતિનું સ્થાનક બંધાય છે. આ પ્રમાણે એક કાર્યનાં અનેક કારણો છે.
તથા ઉપરનાં સ્થિતિસ્થાનો વિશેષાધિક વિશેષાધિક અધ્યવસાયો વડે બંધાય છે. એટલે કે આયુવર્જિત સાતે કર્મની જે જઘન્ય સ્થિતિ છે તે ત્રિકાળવત્તિ અનેક જીવો આશ્રયી અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો વડે બંધાય છે, ત્યારપછીની બીજી સ્થિતિ વિશેષાધિક અધ્યવસાયો વડે બંધાય છે, ત્યારપછીની ત્રીજી સ્થિતિ પૂર્વથી પણ વિશેષાધિક અધ્યવસાયો વડે બંધાય છે, એ પ્રમાણે પછી પછીના યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીનાં દરેક સ્થાનો પૂર્વ પૂર્વથી અધિક અધિક અધ્યવસાયો વડે બંધાય છે.
આયુ કર્મ માટે આ પ્રમાણે સમજવું—આયુકર્મની જધન્ય સ્થિતિ ભિન્ન ભિન્ન અનેક જીવોની અપેક્ષાએ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો વડે બંધાય છે. સમયાધિક બીજી સ્થિતિ પૂર્વથી અસંખ્યાતગુણા અધ્યવસાયોથી બંધાય છે. તેનાથી ત્રીજી સ્થિતિ અસંખ્યાતગુણ અધ્યવસાયોથી બંધાય છે. એમ પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિનું સ્થાન અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ અધ્યવસાયો વડે બંધાય છે. ૫૮
એનો જ કંઈક વિચાર કરે છે—