________________
૫૭૮
પંચસંગ્રહ-૧ ઉત્તર–અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયને જઘન્ય સ્થિતિબંધ કરતાં જે સંક્લેશનાં સ્થાનકો છે તેનાથી સમયાધિક જઘન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક સંક્લેશનાં સ્થાનો હોય છે, તેનાથી પણ બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે, એ પ્રમાણે પૂર્વ પૂર્વ સ્થિતિબંધથી ઉત્તરોત્તર સ્થિતિબંધમાં અધિક સંક્લેશનાં સ્થાનો ત્યાં સુધી કહેવાં કે તે અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. એટલે કે અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પર્યત કહેવાં.
અહીં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં કુલ જે સંક્લેશનાં સ્થાનકો છે તે જઘન્ય સ્થિતિબંધ કરતાં જે સંક્લેશનકો હોય છે તેની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. હવે જ્યારે અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયના પોતાના જ જઘન્ય સ્થિતિબંધ યોગ્ય સંક્લેશ સ્થાનોથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ યોગ્ય સંક્લેશસ્થાનો અસંખ્યાતગુણા છે ત્યારે તેનાથી અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનાં સંક્લેશસ્થાનો તો બહુ જ સહેલાઈથી અસંખ્યાતગુણા ઘટી શકે છે. તે આ પ્રમાણે
અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનાં સ્થિતિસ્થાનોની અપેક્ષાએ અપર્યાપ્ત બાદરનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે એ પહેલાં જ કહ્યું અને સ્થિતિસ્થાનની વૃદ્ધિએ સંક્લેશસ્થાનની વૃદ્ધિ થાય એ પણ કહ્યું છે. તેથી જ્યારે અપર્યાપ્ત સૂક્ષ્મના અતિ અલ્પ સ્થિતિસ્થાનોમાં પણ જઘન્ય સ્થિતિસ્થાન સંબંધી સંક્લેશસ્થાનની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનાં સંક્લેશસ્થાનો અસંખ્યાતગુણા થાય તો સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયથી સંખ્યાતગુણા અધિક બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયનાં સ્થિતિસ્થાનોમાં અસંખ્યાતગુણા સંક્લેશસ્થાનો બહુ સારી રીતે થાય જ. આ જ યુક્તિથી ઉત્તરોત્તર પણ અસંખ્યાતગુણપણે વિચારી લેવું.
હવે જેમ સંક્લેશસ્થાનો દરેકના અસંખ્યાતગુણ કહ્યા, તેમ વિશુદ્ધિસ્થાનો પણ દરેકના અસંખ્યાતગુણ કહેવાં. કારણ કે સંક્લિષ્ટ પરિણામવાળાનાં જે સંક્લેશસ્થાનો તે જ વિશુદ્ધ પરિણામવાળાનાં વિશુદ્ધિનાં સ્થાનો સંભવે છે. આ સંબંધે વિસ્તારપૂર્વક આગળ ઉપર વિચારાશે. માટે પૂર્વે સંક્લેશનાં સ્થાનો જે ક્રમે અસંખ્યાતગુણા કહ્યાં તે ક્રમે વિશુદ્ધિનાં સ્થાનો પણ અસંખ્યાતગુણ કહેવાં અને બંનેની સંખ્યા સરખી જ કહેવી. પ૭
૧. અહીં કદાચ એમ શંકા થાય છે, જ્યારે સંખ્યાતગુણા સ્થિતિનાં સ્થાનો છે ત્યારે સંક્લેશનાં સ્થાનો સંખ્યાતગુણ કેમ ન થાય ? અસંખ્યાતગુણ કેમ થાય ? એના ઉત્તરમાં એમ સમજવું કે અમુક અમુક સ્થાનો ઓળંગી જે દ્વિગુણવૃદ્ધિ થાય છે તે એવી રીતે થાય છે કે અસંખ્યાતગુણા જ થાય. કારણ કે પૂર્વ પૂર્વવૃદ્ધિથી ઉત્તરોત્તરવૃદ્ધિ બમણી થાય છે તે વૃદ્ધિ તેટલાં સ્થાનોમાં એટલી બધી વાર થાય છે કે ઉપરોક્ત હકીકત બરાબર સંગત થાય છે.
૨. અહીં સંક્લેશ અને વિશુદ્ધિ સાપેક્ષ છે. જે સંક્લેશનાં સ્થાનો છે, તે જ વિશુદ્ધિનાં સંભવે છે. દાખલા તરીકે દશ સ્થાન છે, વિશુદ્ધિમાં પહેલેથી બીજું, બીજાથી ત્રીજું એમ ઉત્તરોત્તર ચડિયાતું છે, તેમ દશમાંથી નવમું, નવમાંથી આઠમું, એમ પશ્ચાનુપૂર્વીએ પડતું પડતું છે. ચડતા વિશુદ્ધિનું જે સ્થાન તે જ ઊતરતા અવિશુદ્ધિનું સંભવે છે. જેમ કોઈ બે જીવ ચોથે સ્થાનકે છે તેમાં એક ચોથાથી પાંચમે જનાર છે, એક ચોથાથી ત્રીજે જનાર છે. જો કે અત્યારે આ બંને જીવ એક સ્થાનક પર છે, છતાં ચડનારની અપેક્ષાએ શુદ્ધ અને તે જ પડનારની અપેક્ષાએ અશુદ્ધ છે. એમ સંક્લેશ અને વિશુદ્ધિ સાપેક્ષ છે, તેથી જ જેટલાં સંક્લેશનાં તેટલાં જ વિશુદ્ધિનાં સ્થાનો થાય છે.