________________
પંચમહાર
૫૫૩
અર્થતીર્થંકર નામકર્મ સહિત દેવ અને નારકાયુની જઘન્ય સ્થિતિ દશ હજાર વરસ પ્રમાણ છે અને ઇતર બે આયુની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે અને અંતર્મુહૂર્તનો અબાધાકાળ છે. ટીકાનુ—દેવાયુ, નરકાયુ અને તીર્થંકરનામકર્મની જઘન્ય સ્થિતિ દશ હજાર વરસ પ્રમાણ છે. તથા ઇતર મનુષ્યાયુ અને તિર્યંચાયુની જઘન્ય સ્થિતિ ક્ષુલ્લકભવ પ્રમાણ અંતર્મુહૂર્ત છે.
એક ક્ષુલ્લક ભવનું પ્રમાણ બસો છપ્પન આવલિકા થાય છે, તથા એક મુહૂર્ત એટલે બે ઘડી પ્રમાણકાળમાં હૃષ્ટપુષ્ટ અને યુવાન પુરુષના સાડત્રીસસો તોતેર શ્વાસોચ્છ્વાસ થાય છે. એક શ્વાસોચ્છ્વાસ જેટલા કાળમાં કંઈક અધિક સત્તર ભવ થાય છે અને એક મુહૂર્તમાં પાંસઠ હજાર પાંચસો અને છત્રીસ ક્ષુલ્લકભવ—નાનામાં નાના ભવો થાય છે.
ચારે આયુ અને તીર્થંકર નામકર્મની અબાધા અંતર્મુહૂર્ત છે, અબાધાકાળહીન નિષેક કાળ છે. એટલે કે અંતર્મુહૂર્ત પ્રમાણ અબાધાકાળમાં દલરચના કરતો નથી. ત્યારપછીના સ્થિતિસ્થાનકથી આરંભી કરે છે.
અહીં સૂત્રકારે તીર્થંકર નામની દશ` હજાર વરસ પ્રમાણ જઘન્ય સ્થિતિ કોઈ આચાર્યના મતે કહી છે. એમ ન હોય તો કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોમાં તો તીર્થંકર નામકર્મની જઘન્ય સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ કહી છે. માત્ર ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડી સાગરોપમથી સંખ્યાતગુણહીન સમજવી.
કર્મપ્રકૃતિ ચૂર્ણિમાં કહ્યું છે કે—‘આહારકદ્ધિક અને તીર્થંકર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે અને તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી જઘન્ય સ્થિતિબંધ સંખ્યાત ગુણહીન છે. તે જઘન્ય સ્થિતિબંધ પણ અંતઃકોડાકોડી પ્રમાણ જ છે.
શતકચૂર્ણિમાં પણ કહ્યું છે—‘આહારક શરીર, આહારક અંગોપાંગ અને તીર્થંકર નામકર્મનો જઘન્ય સ્થિતિબંધ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે અને અંતર્મુહૂર્ત અબાધાકાળ છે. માત્ર ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી જઘન્ય સ્થિતિબંધ સંખ્યેય ગુણહીન છે.’
પુરુષવેદાદિની જઘન્ય સ્થિતિ કહે છે—
पुंवेए अट्ठवासा अट्ठमुहुत्ता जसुच्चगोयाणं । साए बारस हारगविग्घावरणाण किंचूणं ॥४७॥
૧. દશ હજાર વરસ પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ પહેલી નરકમાં દશ હજાર વરસના આઉખે જનાર જીવ આશ્રયી ઘટે છે. અહીં પણ પહેલાં છેલ્લા મનુષ્યના ભવનું આયુ અધિક લેવું.
૨. સંખ્યાત ગુણહીન એટલે સંખ્યાતમો ભાગ સમજવો. જ્યાં દ્વિગુણ ત્રિગુણ ઇત્યાદિ કહે ત્યાં બમણું ત્રણગણું આદિ લેવું અને તેની સાથે હીન શબ્દ જોડે ત્યારે તેટલામો ભાગ લેવો. જેમ દ્વિગુણહીન એટલે બે ભાગ કરી એક ભાગ લેવો. ત્રિગુણહીન એટલે ત્રણ ભાગ કરી એક ભાગ લેવો. એમ સંખ્યાત ગુણહીન એટલે સંખ્યાતા ભાગ કરી એક ભાગ લેવો. એ પ્રમાણે અસંખ્યાત ગુણહીન એટલે અસંખ્યાતમો ભાગ અને અનંતગુણહીન એટલે અનંતમો ભાગ સમજવો.
પંચ૰૧-૦૦