________________
પંચમહાર
૫૨૧
જઈ શકતાં નથી. પરંતુ છઠ્ઠા સાતમાથી આઠમા નવમા અને દશમા ગુણસ્થાનકને ક્રમશઃ પ્રાપ્ત કરી ત્યાંથી બારમાને સ્પર્શીને જ કેવળીપણાને પ્રાપ્ત કરે છે. તેમાં બારમા ક્ષણમોહ ગુણસ્થાનકે તેત્રીસ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાનક હોય છે, અન્ય કોઈ ઉદયસ્થાન હોતું નથી.
તે તેત્રીસ પ્રકૃતિઓ આ પ્રમાણે છે–મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, તૈજસ, કાર્મણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, નિર્માણ, ઔદારિકદ્ધિક, પ્રત્યેક, ઉપઘાત, અન્યતરવિહાયોગતિ, પરાઘાત, સુસ્વર દુઃસ્વરમાંથી એક, ઉચ્છવાસ, છ સંસ્થાનમાંથી એક સંસ્થાન, વજઋષભનારાચસંઘયણ, સાત અસાતમાંથી એક વેદનીય, મનુષ્યાયુ, અને ઉચ્ચગોત્ર.
હવે જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય અને સયોગીકેવળી ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તીર્થકર થનારને તીર્થંકર નામકર્મનો ઉદય થવાથી ચોત્રીસના ઉદયસ્થાનને પ્રાપ્ત કરે તેથી ચોત્રીસનું ઉદયસ્થાનક ભૂયસ્કારરૂપે જ ઘટી શકે, અલ્પતર રૂપે ઘટી શકે નહિ માટે ચોત્રીસના અલ્પતરનો નિષેધ કર્યો છે.
તથા ઓગણસાઠનું ઉદયસ્થાનક પણ પોતાનાથી અન્ય કોઈ મોટું ઉદયસ્થાનક નહિ હોવાથી અલ્પતરરૂપે થતું નથી. જો કોઈ મોટું ઉદયસ્થાનક હોત તો તે મોટા ઉદયસ્થાનેથી ઓગણસાઠના ઉદયસ્થાને જતા તે અલ્પતર થાય પરંતુ તે તો નથી માટે ચોત્રીસ અને ઓગણસાઠ બે ઉદયસ્થાનકો અલ્પતરરૂપે થતાં નથી તેથી ચોવીસ જ અલ્પતરોદયો થાય છે. આ પ્રમાણે સામાન્યતઃ સઘળી ઉત્તર પ્રવૃતિઓનાં ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિ કહ્યા.
હવે જ્ઞાનાવરણીયાદિ દરેક ઉત્તરપ્રકૃતિઓના અને સામાન્યથી સઘળી ઉત્તરપ્રકૃતિઓનાં સત્તાસ્થાનકોમાં ભૂયસ્કારાદિ કહે છે–તેમાં જ્ઞાનાવરણાદિની ઉત્તરપ્રકૃતિઓના ભૂયસ્કારાદિ પોતાની મેળે જ સમજવા. તે આ પ્રમાણે–
જ્ઞાનાવરણીય અને અંતરાય એ બે કર્મનું પાંચ પાંચ પ્રકૃતિરૂપ એક જ સત્તાસ્થાનક છે. આ બે કર્મની પાંચ પાંચ જ પ્રકૃતિ હોવાની અને તે પાંચેની સત્તા ધ્રુવ હોવાથી બીજું નાનું મોટું કોઈ સત્તાસ્થાન નથી માટે ભૂયસ્કાર કે અલ્પતરપણાનો સંભવ નથી. તથા એ બે કર્મની સઘળી ઉત્તરપ્રકૃતિઓની સત્તાનો વ્યવચ્છેદ થયા પછી ફરી તેઓની સત્તાનો અસંભવ હોવાથી અવક્તવ્ય સત્તા પણ ઘટતી નથી. માત્ર અવસ્થિત સત્તા અભવ્યને અનાદિ અનંત અને ભવ્યને અનાદિ સાંત એ બે ભાગે સંભવે છે.
૧. અહીં એમ કહ્યું કે સઘળા આત્માઓ કેવળીપણાને ગુણસ્થાનકના ક્રમે પ્રાપ્ત કરે છે એટલે બારમે થઈને જ તેરમે જાય છે તે સિવાય જઈ શકતા નથી એ બરાબર છે. પરંતુ બારમે તેત્રીસનું જ ઉદયસ્થાને હોય એમ જે કહ્યું તે કેમ સંભવે ? કારણ કે ચાર અઘાતિકર્મની જ તેત્રીસ પ્રવૃતિઓ થાય તેમાં જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર અને અંતરાય પાંચ એ ચૌદ મળવાથી સુડતાળીસનું ઉદયસ્થાનક થાય, કારણ કે ઘાતિ ત્રણ કર્મનો ઉદય હોય છે. તેથી તે સુડતાળીસના ઉદયસ્થાનેથી ઘાતકર્મ ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ચોત્રીસના ઉદયે જતાં ચોત્રીસનું અલ્પતર પણ સંભવી શકે તો શા માટે તેનો નિષેધ ‘ કર્યો ? એટલે કે બારમે ગુણઠાણે તેત્રીસનું જ ઉદયસ્થાન કેમ કહ્યું ? અને ચોત્રીસનું અલ્પતર કેમ ન કહ્યું?
એ શંકાને અવકાશ છે તેનું સમાધાન બહુશ્રુત પાસેથી કરી લેવું. * પંચ૦૧-૬૬