________________
પંચમહાર
૧૦૩
બંધથી એકત્રીસના બંધે જાય. તથા કોઈ વખત તેવીસના બંધથી અઠ્યાવીસના બંધે જાય. એ રીતે કોઈ વખત પચીસ આદિના બંધથી અઠ્યાવીસના બંધે જાય. આ પ્રમાણે અવધિના ભેદે ભિન્ન ભૂયસ્કારની વિવક્ષા કરવામાં આવે તો સાતથી પણ ઘણા વધારે ભૂયસ્કાર થાય. એ વસ્તુ તો ઇષ્ટ નથી. તેથી અવિધના ભેદે ભૂયસ્કારનો ભેદ નથી, માટે છ જ ભૂયસ્કાર થાય છે.
તથા અવસ્થિતબંધ જેટલાં બંધસ્થાનકો છે તેટલાં જ છે એ પહેલાં જ કહ્યું છે. આ પ્રમાણે ભૂયસ્કારાદિની સંખ્યા કહી. ૧૬
હવે અવક્તવ્ય બંધ કહે છે———
उ छ बिइए नामंमि एग गुणतीस तीस अव्वत्ता । इग सत्तरस य मोहे एक्केको तइयवज्जाणं ॥१७॥
चत्वारः षड् द्वितीये नाम्नि एक एकोनत्रिंशत् त्रिंशदवक्तव्याः । एकः सप्तदश च मोहे एकैकस्तृतीयवर्जानाम् ॥१७॥
અર્થ—બીજા દર્શનાવરણીય કર્મમાં ચાર અને છ’એ બે અવક્તવ્ય બંધ છે. નામકર્મમાં એક, ઓગણત્રીસ અને ત્રીસના બંધરૂપ ત્રણ અવક્તવ્ય બંધ છે અને મોહનીયકર્મમાં એક અને સત્તરના બંધરૂપ બે અવક્તવ્ય બંધ છે. તથા વેદનીયકર્મ સિવાય શેષ કર્મમાં એક એક જ અવક્તવ્ય બંધ છે.
ટીકાનુ—બીજા દર્શનાવરણીયકર્મમાં ચાર પ્રકૃતિના બંધરૂપ અને છ પ્રકૃતિના બંધરૂપ બે અવક્તવ્ય બંધ છે. તે આ પ્રમાણે—જ્યારે સઘળી કર્મપ્રકૃતિઓનો બંધવિચ્છેદ થયા પછી ફરી બંધ થાય ત્યારે પહેલા સમયે અવક્તવ્યબંધનો સંભવ છે એ પહેલાં કહ્યું છે.
દર્શનાવરણીયકર્મની સઘળી પ્રકૃતિઓનો બંધવિચ્છેદ ઉપશાંતમોહાદિ ગુણસ્થાનકોમાં સંભવે છે, અન્યત્ર સંભવતો નથી. ઉપશાંતમોહ ગુણસ્થાનકેથી બે પ્રકારે પ્રતિપાત થાય છે. ૧. અદ્ધાક્ષયે, ૨. ભવક્ષયે. તેમાં અદ્ધાક્ષયે એટલે ઉપશાંતમોહ ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થાય અને પડે તે. અને ભવક્ષયે એટલે મરણ થાય અને પડે તે.
જે જીવ ઉપશાંતમોહ ગુણસ્થાનકનો કાળ પૂર્ણ કરી પડે તે જે ક્રમે ચડ્યો હતો તે જ ક્રમે પડે છે. એટલે કે અગિયારમાંથી દશમા, નવમા, આઠમા આદિ ગુણસ્થાનકોનો સ્પર્શ કરતો કરતો પડે છે.
જે જીવ અગિયારમે ગુણસ્થાનકે મરણ પામે છે તે દેવાયુના પહેલા જ સમયે અવિરતિ સમ્યગ્દષ્ટિ દેવ થાય છે. એટલે કે મનુષ્યાયુના ચરમસમય પર્યંત અગિયારમું ગુણસ્થાનક હોય છે અને દેવાયુના પહેલા જ સમયે ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. વચલા ગુણસ્થાનકની સ્પર્શના થતી નથી.
તેમાં જ્યારે ઉપશાંતમોહ ગુણસ્થાનકનો કાળ પૂર્ણ કરી પડતો દશમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે ત્યારે પહેલે જ સમયે દર્શનાવરણીયની ચાર પ્રકૃતિ બાંધે તે ચાર પ્રકૃતિના બંધરૂપ પહેલો અવક્તવ્ય.