________________
પંચસંગ્રહ-૧
૪૪૨
અનાદેય, દુઃસ્વર, નીચગોત્ર, અપ્રત્યાખ્યાન ચતુષ્ક, મનુષ્યત્રિક અને ઔદારિકદ્ધિક, એ પાંત્રીસ કર્મપ્રકૃતિઓ અવિરતિ નિમિત્તે બંધાય છે. એટલે કે એ પ્રકૃતિઓનો ખાસ હેતુ અવિરતિ છે.
તથા સાત વેદનીય વિનાની શેષ અડસઠ પ્રકૃતિઓ કષાયો વડે બંધાય છે. તે અડસઠ. પ્રકૃતિઓનો ખાસ બંધહેતુ કષાય છે. કારણ કે તેઓ કષાયો સાથે અન્વય-વ્યતિરેકને અનુસરે છે.૧
તથા જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી બંધાય છે, અને યોગના અભાવે બંધાતી નથી, માટે સાત વેદનીયનો યોગ બંધહેતુ છે. ૧૯
तित्थयराहाराणं बंधे सम्मत्तसंजमा हेऊ । पयडीएसबंधा जोगेहिं कसायओ इयरे ॥२०॥
तीर्थकराहारकाणां बन्धे सम्यक्त्वसंयमौ हेतू । प्रकृतिप्रदेशबन्ध योगैः कषायत इतरौ ॥२०॥
અર્થ—તીર્થંકર અને આહારકદ્વિકના બંધમાં સમ્યક્ત્વ અને સંયમ હેતુ છે. તથા પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગ વડે, અને સ્થિતિબંધ અને રસબંધ કષાય વડે થાય છે.
ટીકાનુ—તીર્થંકર અને આહારકદ્વિકના બંધમાં અનુક્રમે સમ્યક્ત્વ તથા સંયમ હેતુ છે. એટલે કે તીર્થંકરના બંધમાં સમ્યક્ત્વ, અને આહારકદ્વિકના બંધમાં સંયમ હેતુ છે. આ પ્રમાણે તે પ્રકૃતિઓના બંધમાં જ્યારે સમ્યક્ત્વ અને સંયમ હેતુ તરીકે કહેવામાં આવ્યા ત્યારે અન્ય કોઈ આ હકીકત યુક્તિથી વિરુદ્ધ છે એમ કહી પ્રશ્ન ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણે—
પ્રશ્ન—તીર્થંકર નામકર્મનો બંધહેતુ જો સમ્યક્ત્વ કહીએ તો શું ઔપમિક સમ્યક્ત્વ હેતુ છે ? અથવા ક્ષાયિક હેતુ છે ? કે ક્ષાયોપશમિક હેતુ છે ? દરેક સ્થળે દોષ છે. તે આ પ્રમાણે— તીર્થંકર નામકર્મના બંધમાં ઔપશમિક સમ્યક્ત્વ બંધહેતુ તરીકે કહેવામાં આવે તો ઉપશાંત મોહ ગુણઠાણે પણ તેનો બંધ પ્રાપ્ત થાય છે. કારણ કે ત્યાં પણ ઔપશમિક સમ્યક્ત્વનો સદ્ભાવ છે. જો ક્ષાયિકસમ્યક્ત્વ કહેવામાં આવે તો સિદ્ધોને પણ તેના બંધનો પ્રસંગ આવે. કારણ કે તેઓને પણ ક્ષાયિક સમ્યક્ત્વ છે. જો ક્ષાયોપશમિક કહેવામાં આવે તો અપૂર્વકરણના પહેલે સમયે પણ તેના બંધના વિચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય. કારણ કે તે સમયે તેને ક્ષાયોપમિક સમ્યક્ત્વ હોતું નથી. અને તીર્થંકર નામકર્મના બંધનો વિચ્છેદ તો અપૂર્વકરણના છઠ્ઠા ભાગે થાય છે. માટે કોઈપણ સમ્યક્ત્વ તીર્થંકર નામકર્મના બંધમાં હેતુરૂપ ઘટતું નથી. તથા આહારકદ્વિકનો બંધહેતુ
૧. આ સ્થળે કર્મગ્રંથની ટીકામાં સોળનો બંધહેતુ મિથ્યાત્વ, પાંત્રીસના મિથ્યાત્વ અને અવિરતિ એ બે, પાંસઠના યોગ વિના ત્રણ અને સાત વેદનીયના ચારે બંધહેતુ લીધા છે. ટીકામાં તે તે પ્રકૃતિઓનો જે ગુણઠાણા સુધી બંધ થાય છે ત્યાં સુધીમાં અન્વય-વ્યતિરેક સંબંધ વડે ઘટતા બધા હેતુની વિવક્ષા કરી છે. અને અહીં એક જ હેતુ વિવક્ષ્યો છે. તથા ટીકામાં તીર્થંકરનામ અને આહારકક્રિકનો કષાય બંધહેતુ છતાં પણ સમ્યક્ત્વાદિ બીજા અંતરંગ કારણો હોવાથી ચારમાંથી કયા હેતુથી બંધાય છે તે કહ્યું નથી. અહીં કષાયરૂપ હેતુની વિવક્ષા કરી છે એટલે એમાં વિવક્ષા જ કારણ છે. મતભેદ જણાતો નથી.